IAS દહિયા વિરુદ્ધના આક્ષેપોની તપાસ માટે મુખ્યમંત્રીએ કરી 5 સભ્યોની સમિતિની રચના

IAS દહિયા વિરુદ્ધના આક્ષેપોની તપાસ માટે મુખ્યમંત્રીએ કરી 5 સભ્યોની સમિતિની રચના

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્નની બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદોની તલસ્પર્શી તપાસ માટે ત્રણ મહિલા IAS અધિકારીઓ સહિત પાંચ સભ્યોની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. વહેલી તકે તપાસ પૂર્ણ કરીને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચના આપવામાં આવી છે. 

અગ્ર સચિવ શ્રીમતી સૂનયના તોમર(IAS)ને તપાસ સમિતીના અધ્યક્ષા બનાવવામાં આવ્યા છે. અધ્યક્ષા ઉપરાંત અન્ય સભ્યોમાં શ્રીમતી મમતા વર્મા(IAS),  શ્રીમતી સોનલ મિશ્રા(IAS) અને તથા બિનસરકારી સભ્ય તરીકે નિવૃત્ત સંયુકત સચિવ શ્રીમતી દેવીબહેન પંડયા અને સભ્ય સચિવ તરીકે નાયબ – સંયુકત કે અધિક સચિવ કક્ષાના અધિકારી રહેશે. 

ઉલ્લેખનીય છે કે, ગૌરવ દહિયા નેશનલ હેલ્થ મિશનના મિશન ડાયરેકટર તરીકે ફરજરત હતા. તે દરમ્યાન તેમની સામે આક્ષેપો થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી તા.રર જુલાઇએ તેમની બદલી સંયુકત સચિવ(આયોજન) સામાન્ય વહીવટ વિભાગમાં કરી છે. 

કોણે કરી છે ફરિયાદ
દિલ્હીની લિનુ સિંહ નામની એક મહિલાએ IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરવાની લાલચ આપી છેતરપિંડી આચરવાની અને શારિરીક શોષણ કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. મહિલાએ આ અંગેના પુરાવા પણ રજૂ કર્યા છે. મહિલાએ આક્ષેપો કર્યા છે કે, અધિકારી દહિયાએ તેની સાથે તિરૂપતિ મંદિરમાં લગ્ન કર્યા હતા અને તેની સાથે હનિમૂન પણ મનાવ્યું હતું. પ્રથમ પત્નીને છોડીને અધિકારી તેની સાથે રહેતો હતો. મહિલાએ વધુ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, હવે આઈએએસ અધિકારી તેને છોડીને ત્રીજી મહિલા સાથે લગ્ન કરીને જીવન ગુજારી રહ્યો છે.

સામે પક્ષે IAS ગૌરવ દહિયાએ પણ ગાંધીનગરમાં આ મહિલા તેમને બ્લેકમેલ કરી રહી હોવાની અરજી કરી છે. તેમણે અરજીમાં જણાવ્યું છે કે, મહિલાએ વાયરલ કરેલા ફોટા ખોટા છે અને આમ કરીને તેણે મારી પાસે રૂપિયાની માગણી કરી છે. મહિલા તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથીપૈસા પડાવી રહી છે તેવા પણ દહિયાએ આક્ષેપો કર્યા છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news