વાવની બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે, કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા ગેનીબેનના બદલે કોને આપશે ટિકિટ!

Geniben Thakor : બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર વાવના ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું..... આજે સવારે 11 વાગ્યે રાજીનામું આપશે ગેનીબેન..... વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપશે

વાવની બેઠક હવે વર્ચસ્વની લડાઈ બનશે, કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા ગેનીબેનના બદલે કોને આપશે ટિકિટ!

Banaskantha News : ગેનીબહેન ઠાકોર આજે વાવના ધારાસભ્યના પદ પરથી પોતાનું રાજીનામું આપશે. બનાસકાંઠાના સાંસદ બનતા ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપશે. આ સાથે જ  બનાસકાંઠાની બેઠક પર લોકસભાની ચૂંટણી જીતવા બદલ ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવાનું છે. .આજે  બપોરે 2 કલાકે રાજીવ ગાંધી ભવનમાં કાર્યક્રમ યોજાશે. જેમાંચૂંટણીમાં મજબૂતાઈથી લડનારા ઉમેદવારોનું અભિવાદન કરાશે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. જોકે, આ વચ્ચે હાલ કોંગ્રેસમાં વાવ બેઠક ચર્ચામા આવી છે. વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ કયા નેતાને ઉતારશે તે મોટી ચર્ચા છે. 

વાવની બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. વાવ બેઠક પર ગેનીબેન સતત જીત મેળવતા રહ્યાં છે. આવામાં ગેનીબેન હવે સાંસદ બની જતા, વિધાનસભાની આ બેઠક ખાલી પડી છે. આવામાં હવે પેટાચૂંટણી યોજીને વાવ પર નવા ધારાસભ્યની પસંદગી કરાશે. ત્યારે આજે ગેનીબેન ઠાકોરના રાજીનામા બાદ વાવ પર કોંગ્રેસ કોને ટિકિટ આપે છે તે ચર્ચા તેજ બની છે. હાલ અનેક નામોની અટકળો ચાલી રહી છે, જેમાં ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીના નામોની ચર્ચા તેજ બની છે. 

ગુલાબસિંહ રાજપૂતની ચર્ચા તેજ
વાવ બેઠક માટે હાલ સૌથી વધુ ચર્ચા ગુલાબસિંહ રાજપૂતની થઈ રહી છે. સાથે સ્થાનિ કાર્યકર્તાઓએ પણ ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ કર્યું છે. ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. તેમણે ગેનીબેનને લોકસભાની ચૂંટણીમા જીતાડવા માટે તનતોડ મહેનત કરી હતી. તેથી તેમને આ કામનું વળતર મળવુ જોઈએ તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.

ઠાકરશી રબારીનું નામ પણ આગળ
અન્ય ઉમેદવારની વાત કરીએ તો ઠાકરશી રબારીને પણ ટિકિટ મળે તેવી ચર્ચા ઉઠી છે. રબારી સમાજે ગેનીબેનને જીતાડવા માટે મત આપ્યા હોવાથી અહીં જ્ઞાતિગત સમીકરણો જોવા મળી રહ્યાઁ છે. તેથી વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ ઠાકરશી રબારીને પણ ટિકિટ આપવાની માંગ અંદરખાને શરૂ થઈ છે. 

ભાજપ માટે હવે વર્ચસ્વની લડાઈ
વાવની પેટાચૂંટણી ભાજપ માટે વર્ચસ્વની લડાઈ બની રહેશે. કારણ કે, એકમાત્ર ગેનીબેને ભાજપનો વિજય રોક્યો છે, તેમણે ભાજપનું ક્લીન સ્વીપનુ સપનુ રગદોળ્યુ છે. ગેનીબેન વાવના ધારાસભ્ય છે, તેથી આ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે. તેથી જ ભાજપ હવે વાવની પેટાચૂંટણી પર ફોકસ કરીને તેમા ક્યાય કાચુ ન કપાય તેનું ધ્યાન રાખશે. સાથે જ ભાજપ અહી પોતાની હારનો બદલો લેવા મક્કમ બનશે. 

ભાજપને જોઈશે મજબૂત ઉમેદવાર
વાવમાં ભાજપે કોંગ્રેસને હરાવવા માટે મજબૂત ઉમેદવારની જરૂર પડશે. હાલ લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. જ્યાં ભાજપે જીત તો મેળવી, પણ તે કોંગ્રેસના ઉમેદવારોના સહારે મેળવી. આ તમામ બેઠકો પર ભાજપે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી હતી, તેથી તેઓ જીતી શક્યા હતા. આ બેઠક પર ઉમેદવાર માટે ભાજપ કોનો પક્ષપલટો કરાવશે, કે પછી પોતાના નેતાના દમ પર ચૂંટણી લડશે તે તો આગામી સમય બતાવશે.   

આજે કોંગ્રેસ કરશે ગેનીબેનનું સન્માન
લોકસભા ચૂંટણી 2024 માં ભવ્યાતિભવ્ય જીત મેળવીને ગેનીબેન ઠાકોરે ભાજપનુ ક્લીન સ્વીપ કરવાનું સપનુ રગદોળ્યું છે. સાથે જ કોંગ્રેસનો લોકસભાનો વનવાસ પૂરો કર્યો છે. આખા દેશમાં હાલ ગેનીબેનની ભવ્યાતિભવ્ય જીતની ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ ગેનીબેન ઠાકોરનું સન્માન કરવા જઈ રહી છે. 13 જુન ના રોજ બપોરે 2.00 કલાકે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે સન્માન સમારંભનુ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ લોકસભાની ચુંટણી મજબૂતાઇથી લડનારા કોંગ્રેસના ઉમેદવારોનું અભિવાદન કરશે. જેમાં એકમાત્ર જીત મેળવનારા ગેનીબેન ઠાકોરનું સન્માન કરવામા આવશે. ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં સન્માન અને અભિવાદન સમારોહ યોજાશે. જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news