સી.જે. ચાવડા ભરાયા! અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની હરોળમાં આવી જશે, નહીં મળે લીલીપેન
C J Chavada: ગત ચૂંટણીમાં ક્ષત્રિયો વોટના સહારે ભાજપના નેતાને હરાવી સી. જે ચાવડા ધારાસભ્ય તો બની ગયા છે પણ પક્ષપલટુંમાં સામેલ થઈ ભાજપમાંથી આ જ બેઠક પર ફરી ચૂંટણી લડી મંત્રી બનવાના સપનાં જોઈ રહેલા ચાવડાને અહીં ક્ષત્રિયોનો વિરોધ ભારે પડી શકે છે. સમાજના સ્ટેજ શોભાવતા ચાવડાને ભાજપના ભાજપૂત થવું ભારે પડી શકે છે. ક્ષત્રિયોની નારાજગી, સ્થાનિકમાં વિરોધ અને કોંગ્રેસે કદાવર પાટીદાર નેતાને ઉતાર્યો તો સી જે ચાવડા માટે આ સીટ ભારે પડી શકે છે.
Trending Photos
Gujarat Politics: ગુજરાતમાં રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ સતત વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ધરાવતા ગામડાઓમાં ભાજપના નેતાઓની પ્રવેશબંધી કરાઈ છે. ભાજપ અને ક્ષત્રિયો વચ્ચેના આ મામલાનો ઉકેલ નહીં આવે તો સૌથી મોટો ફટકો કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા અને હાલમાં પેટાચૂંટણી લડતા સી જે ચાવડા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પડી શકે છે. ક્ષત્રિયોના રોષનો ભોગ આ નેતાઓ બની શકે છે. શિસ્ત બદ્ધ પાર્ટી અને બોલે તો ટિકિટ કપાવાના ડરમાં આ નેતાઓએ સમાજથી મોંઢું ફેરવી લઈ ભાજપના ભાજપૂતો તો બની ગયા છે પણ બંનેને જીત માટે તો ક્ષત્રિય મતોનો સહારો છે.
આયાતી ઉમેદવારનો થપ્પો
વિજાપુરમાં પાટીદારોના વિરોધ વચ્ચે સી. જે ચાવડાને ક્ષત્રિય સમાજના મત ના મળ્યા તો સૌથી મોટો ફટકો અહીં પડી શકે છે. ગાંધીનગરમાં વર્ષોથી રહેતા સી જે ચાવડા ભલે ડાભલાના વતની હોય પણ વિજાપુર માટે આજે પણ આયાતી ઉમેદવારનો થપ્પો લાગેલો છે. ગત ચૂંટણીમાં ક્ષત્રિયો વોટના સહારે ભાજપના નેતાને હરાવી સી. જે ચાવડા ધારાસભ્ય તો બની ગયા છે પણ પક્ષપલટુંમાં સામેલ થઈ ભાજપમાંથી આ જ બેઠક પર ફરી ચૂંટણી લડી મંત્રી બનવાના સપનાં જોઈ રહેલા ચાવડાને અહીં ક્ષત્રિયોનો વિરોધ ભારે પડી શકે છે.
- ચાવડા સામે વિજાપુરમાં આયાતી ઉમેદવારનો થપ્પો
- કોંગ્રેસે કદાવર પાટીદાર નેતા ઉતાર્યો તો ચાવડાને સમસ્યા
- 7052 વોટથી જીતેલા ચાવડા માટે ક્ષત્રિયો મહત્વની મતબેંક
- ક્ષત્રિયોનાં સ્ટેજ શોભાવનાર ચાવડાની વિવાદમાં ચૂપકીદી
- મંત્રી બનવાના સપનાંમાં ચાવડાએ સમાજ કરતાં પાર્ટીને મહત્વ આપ્યું
- ચાવડાને અહીં ક્ષત્રિયોનો વિરોધ ભારે પડી શકે છે
- ભાજપમાંથી ચાવડા સામે વિરોધ પણ કારણ બનશે
ક્ષત્રિય સમાજના સ્ટેજ પર મુખ્ય મહેમાન બનીને બિરાજતા સી. જે ચાવડાએ ભાજપૂત હોવાનું સાબિત કર્યું છે. જે ક્ષત્રિયોમાં કણાની જેમ ખૂંચી રહ્યું છે. વિજાપુરમાં પાટીદારોના મત સાથે ક્ષત્રિયોના વોટ પણ એટલા જ અગત્યના છે. વિજાપુર વિધાનસભા બેઠક પર 36 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે. મહેસાણા જીલ્લાની વિજાપુર વિધાનસભાના જાતીય ગણિત પર નજર કરીએ તો મતદારોમાં પાટીદાર 37.7 ટકા, ઠાકોર 16.2 ટકા, ક્ષત્રિય 11.6 ટકા, દલિત 11.5 ટકા, ઓબીસી 13.8 ટકા, બ્રાહ્મણ 4.0 ટકા જેટલાં છે. આ બેઠક પર 70 હજાર પાટીદાર મતદારો છે. જેના લીધે આ બેઠક પર મહેસાણા જીલ્લાની અન્ય બેઠકોની જેમ રસાકસી જોવા મળે છે. આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેનો દબદબો જોવા મળે છે.
વિજાપુર બેઠક પરથી 7053 વોટથી વિજેતા બન્યા
અહીં જો કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર ઉતાર્યા તો સીજે ચાવડાને ક્ષત્રિયોનો વિરોધ અને પટેલ ઉમેદવાર ભારે પડી શકે છે. સી જે ચાવડા 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર બેઠક પરથી 7053 વોટથી વિજેતા બન્યા હતા. આ બેઠક કોંગ્રેસ અને ભાજપ બંનેને ચાન્સ આપે છે. અહીં પાટીદારોની વોટબેંક સૌથી વધારે છે. હાલમાં ભાજપે સીજે ચાવડાને રીપિટ કરતાં સ્થાનિક સ્તરે કાળો કકળાટ છે.
હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી
2 વર્ષ પહેલાં ચાવડા વિરોધમાં પ્રચાર કરનાર ભાજપના સ્થાનિક નેતાઓને હવે ચાવડાના હારતોરા કરી વાહવાહી કરવી એ ગળે ઉતરતું નથી. ભાજપે ચાવડાને પક્ષપલટો કરાવી ભાજપમાં લઈ તો લીધા છે પણ ચાવડા માટે ક્ષત્રિયો ના વિરોધ વચ્ચે અહીંથી જીતવું અઘરું છે. ચાવડાએ ભાજપમાં જોડાતાં પહેલાં લીલીપેનનો કરાર કર્યો છે પણ ચાવડા જીતે નહીં તો એમની અહીંથી કારકીર્દી પૂરી થઈ જવાની સંભાવના છે.
37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ
ચાવડા પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિકની લાઈનમાં આવી જશે. સીજે ચાવડાએ ક્ષત્રિયોના વિવાદ વચ્ચે ભાજપૂત થવું ભારે પડી શકે છે. અહીં ક્ષત્રિયોના 11 ટકા મત છે. જો ક્ષત્રિયોએ સપોર્ટ ના કર્યો તો અહીંથી ચાવડા લીલાતોરણે ઘરભેગા થઈ શકે છે. સ્થાનિક લેવલે જ્ઞાતિવાદ પર ચૂંટણી લડાય છે અહીં ભાજપે ક્ષત્રિયને ટિકિટ આપી છે. અહીં 37 ટકા પાટીદારોની વોટબેંક છે એ ભાજપે ન ભૂલવું જોઈએ. 70 હજાર પાટીદારો અહીં એક થયા તો ચાવડાને નુક્સાન ભોગવવું પડી શકે એમ છે. કોંગ્રેસે અહીં કદાવર પાટીદાર નેતાને ટિકિટ આપી તો ચાવડાને અહીંથી જીત ભારે પડી શકે છે. જો ચાવડાના સપનાં પૂર્ણ ન થયાં તો હાર્દિક અને અલ્પેશની લાઈનમાં આવીને લીલીપેનનાં સપનાં જોવાની શરૂઆત કરવી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે