2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જૂના જોગીઓ જ ડૂબાડશે, હાઈકમાન્ડે કરાવેલા સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
Trending Photos
ગૌરવ પટેલ/અમદાવાદ :રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ (gujarat congress) ના ખેમામાં હલચલ મચી જાય તેવા સમાચાર સામે આવ્યા છે. 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને જૂના જોગીઓ જ ડૂબાડશે તેવો કોંગ્રેસના હાઈ કમાન્ડે કરાવેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. AICCએ ગુજરાત કોંગ્રેસને અંધારામાં રાખીને એક સરવે કરાવ્યો હતો. હાઈકમાન્ડના સર્વેમાં ચોંકાવનારા તારણો નીકળ્યા છે.
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, AICCએ ગુજરાતમાં ગુપ્ત સરવે કરાવ્યો છે. GPCC ને અંધારામાં રાખીને હાઈકમાન્ડે આ સરવે કરાવ્યો હતો. દિલ્હી હાઈકમાન્ડ દ્વારા રાજ્યમાં કોંગ્રેસની સ્થિતિ ચકાસવા કવાયત હાથ ધરાઈ છે. ત્યારે હાઈકમાન્ડના સરવેમાં ચોંકાવનારા તારણો નીકળ્યા છે. અલગ અલગ 8 ટુકડીઓ આ સરવેમાં જોડાઈ હતી. આ સરવે બાદ એક માહિતી સામે આવી છે કે, 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ જૂના ચહેરાઓને આગળ નહિ કરાય. ગુજરાત કોંગ્રેસના પ્રતિભાશાળી નવા ચહેરાને જ કમાન સોંપાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો : મામા પાસેથી ઉછીના લીધેલા રૂપિયાથી બિઝનેસ કર્યો, 24 વર્ષની ઉંમરમાં સુરતી યુવકે કરોડોનો નફો રળતી કંપની ઉભી કરી
આ સરવેમાં ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા રજૂઆત કરાઈ છે. તેમજ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને 2022માં ઉતારવા પણ ચર્ચા કરાઈ હતી. ત્યારે આ સરવેના તારણ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. AICCના ગુપ્ત સર્વેથી GPCC પણ ચોંકી ગયુ છે. આ સરવેમાં નવા નેતૃત્વ સાથે જ્ઞાતિ સમીકરણ જોવા માંગ કરાઈ છે. યૂથ કોંગ્રેસ-મહિલા કોંગ્રેસ માટે પણ ઈનપુટ મેળવાયા છે. બંને પાંખને મજબૂત કરવા તારણો અપાયા છે. ત્યારે આગામી ચાર દિવસમાં જ કોગ્રેસમાં ધરખમ ફેરફારો આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આવામાં યુવાઓનું ભાવિ ઉજ્જવળ હોવાનું દેખાઈ રહ્યું છે. કોગ્રેસને પોતાની પેઢી સમજનાર નેતાઓની બાદબાકી નિશ્ચિત છે તેવુ પણ સૂત્રોનું કહેવુ છે.
આ પણ વાંચો : ‘બાબા કા ધાબા’ની જેમ રાતોરાત પોપ્યુલર બનેલા ગુજરાતી છોકરાની દહી કચોરી ખાવા સેંકડો ગ્રાહકો ઉમટ્યા
ગુપ્ત સરવેમાં સામે આવ્યું કે, કોંગ્રેસને ગુજરાતમાં મજબૂત કરવા માટે વર્ષોથી કહેવાતા સિનિયર નેતાઓની બાદબાકી કરાઈ શકાય છે. આ સાથે જ યુવા પ્રતિભાશાળી નેતાઓને નવો ચાર્જ સોંપાઈ શકે છે. સરવેમાં એ વાત પણ સામે આવી છે કે, કોંગ્રેસમા પ્રતિભાશાળી નેતાઓની કમી નથી, પરંતુ પોતાની બેઠકો પર હારી જતા સિનિયર નેતાઓ જ યુવાઓને આગળ આવવા દેતા નથી. આમ, હાઈકમાન્ડે ગુજરાતમાં કોંગ્રેસ પ્રત્યેનો મત જાણવા અને લોકોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સામે આવ્યુ કે, પક્ષના નેતાઓએ જ પક્ષની ઘોર ખોદી છે. તેથી હવે હાઈકમાન્ડ આકરા મિજાજ બતાવી શકે છે. 2022 ની ચૂંટણી નજીક છે, ત્યારે હાઈકમાન્ડ ચૂંટણી જીતવા માટે શક્યત તમામ પ્રયાસો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે