તમે ક્યારેય નરેન્દ્ર મોદીને ‘ઠંડા ઠંડા કુલ કુલ’ રૂપમાં જોયા છે? તો વાંચી લો આ સમાચાર
Trending Photos
ચેતન પટેલ/સુરત :તમે ક્યારેય ઠંડા ઠંડા કુલ કુલ નરેન્દ્ર મોદીને જોયા છે? નહીં ને આજે અમે સુરતમાં કુલ્ફી પર નરેન્દ્ર મોદીને બતાવવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનાર નરેન્દ્ર મોદીના વિજય પર સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ કુલ્ફી તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકોના અનેક રૂપ જોવા મળે છે ત્યારે સુરતના એક આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે તેમની ભવ્ય જીતને વધાવવા ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે, જે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. એટલું જ નહિ, માત્ર 24 કલાકમાં બનાવેલી 200 કુલ્ફી ટપોટપ વેચાઈ ગઈ છે.
સૌથી અગત્યની વાત છે કે, મોદીની પ્રતિકૃતિવાળી કુલ્ફી મશીનથી નહિ, પણ હાથથી તૈયાર કરવામાં આવી છે. પાર્લે પોઈંટ ખાતેના સરગમ શૉપિંગ સેન્ટરમાં આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા વિવેક અજમેરા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને મળેલી જીતને અનોખી રીતે ઉજવવા માટે તેમણે મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે. 'મોદી સીતાફળ કુલ્ફી’ બનાવવામાં તેમને 24 કલાકનો સમય લાગ્યો હતો. 24 કલાક દરમિયાન 200 કુલ્ફી તેમણે બનાવી હતી. નરેન્દ્ર મોદી આજે જ્યારે શપથ લેશે ત્યાર સુધી આ ખાસ કુલ્ફીનો ઓર્ડર લેવામાં આવશે. ત્યાર બાદ આ કુલ્ફી બનાવવામાં નહિ આવે. એક કુલ્ફીની કિંમત 250 છે, પરંતુ નરેન્દ્ર મોદીની જીત પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. મોદીનો ચહેરો સાફ જોવા મળે એ માટે સીતાફળ ફ્લેવર પસંદ કરવામાં આવ્યુ છે અને 100 ટકા નેચરલ છે. આ કુલ્ફી એકદમ નેચરલ છે. તેમાં કોઈ જ કેમિકલ નથી.
દુકાનના મેનેજર આશુતોષ ઝા કહે છે કે, આઈસ્ક્રીમ કુલ્ફી ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગણતરીના સમયમાં તમામ કુલ્ફીઓ વેચાઈ ગઈ હતી. કુલ્ફી ખરીદવા આવેલા લોકો પણ કુલ્ફી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીના આ કુલ અવતારને જોઈ લોકો પણ ખુશ થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે