ચારેબાજુ વરસાદ, છતાં રાજકોટના આ વિસ્તારને નથી મળી રહ્યું પીવાનું પાણી
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારના સ્થાનિકોને પાણીની અછતને પગલે વિરોધ કરવાની ફરજ પડી હતી. લોકોને પાણી ન મળતા લોકો રસ્તા પર આવી ચઢ્યા
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લામાં સીઝનનો 161 ટકા વરસાદ વરસ્યો છે. તો રાજકોટ શહેરમાં સીઝનનો 152 ટકા વરસાદ વરસ્યો છે. હાલ રાજકોટ શહેરને પાણી પૂરુ પાડતા તમામ ડેમ ઓવરફ્લો થયા છે. તેમ છતાં લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે. રાજકોટના કોઠારીયા વિસ્તારના લોકોને પાણી માટે વિરોધ કરવો પડ્યો હતો. ભરચોમાસામાં લોકોને પાણી માટે વિરોધ કરવા પડે તે જ મોટી કઠનાઈ છે.
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારના સ્થાનિકોને પાણીની અછતને પગલે વિરોધ કરવાની ફરજ પડી હતી. લોકોને પાણી ન મળતા લોકો રસ્તા પર આવી ચઢ્યા હતા. રાજકોટના જળાશયો છલોછલ ભરાયા છતાં કોઠારીયા વિસ્તારમાં લોકોને પાણી નથી મળી રહ્યું. કોઠારીયા સોલવન્ટ ફાટક નજીક મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો વિરોધ કરવા પહોંચ્યા હતા. રસ્તા પર ચક્કાજામ કરી ‘પાણી આપો’ની માંગ કરવામાં આવી હતી. 5 વર્ષ પહેલા આ વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યો છતાં તે કેટલીક પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જેમાં પાણીની સુવિધા પણ સામેલ છે.
તો બીજી તરફ વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ દોડતી થઈ હતી. પરંતુ રાજકોટમાં પોલીસ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો ભૂલી હીત. કોઠારીયા વિસ્તારમાં મહિલાઓએ મોટાપાયે વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી. અટકાયત બાદ પોલીસે એક ઇકો કારમાં આઠ મહિલાઓને બેસાડી હતી. આમ, પોલીસે સોશિયલ ડિસ્ટન્સ વગર મહિલાઓને ઇકો કારમાં બેસાડી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે ઉપલેટા, ધોરાજી અને જેતપુરની નદીઓ છલકાઈ ગઈ છે. ભાદર-1 અને 2 તથા વેણુ-2 જેવા ડેમોના દરવાજા 20 ફૂટથી 29 ફૂટ જેટલા ખોલાયા હતા. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરો અને ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં આવેલી આશરે 1500 એકર જમીનના ખેતરોમાં પાક ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. જેના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. સાથે જ ગામમાં આવવા જવાના રસ્તાઓ તૂટી જતાં ભારે હાલાકી પડી રહી છે. ત્યારે ગણોદ ગામના લોકો હાલ ખુબ મુશ્કેલી વેઠી રહ્યા છે. કેમ કે આ સીઝનમાં સતત ત્રીજીવાર પૂરથી અહીંના લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, એરંડા, સોયાબીન, તુવેર અને મગફળી જેવા પાકોનું સદંતર ધોવાણ થયું છે. ત્યારે સરકાર ઉપલેટા તાલુકાનો સર્વે કરવાના બદલે તેને લીલી દુષ્કાળ તરીકે જાહેર કરે તેવી ગ્રામજનોની માગ છે.
ગુજરાતના મહત્વના સમાચાર :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે