રામોલ સામુહિક દુષ્કર્મઃ DNA ટેસ્ટ આરોપીઓને પહોંચાડશે જેલમાં

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પીડીતાનું મોત મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે, પીડીતાના તથા મૃત બાળકના DNA સેમ્પલ FSLમાં મોકલી અપાયા છે અને સાથે જ આરોપીઓના DNA ટેસ્ટ માટે સેમ્પલ પણ મોકલી અપાયા છે
 

રામોલ સામુહિક દુષ્કર્મઃ DNA ટેસ્ટ આરોપીઓને પહોંચાડશે જેલમાં

હીતલ પારેખ/ ગાંધીનગરઃ અમદાવાદના રામોલ વિસ્તારમાં કોલેજમાં ભણતી એક યુવતી સામુહિક દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ગર્ભવતી બની હતી. ગર્ભાવસ્થા પછી તેની માનસિક તબિયત લથડી ગયા બાદ મોત થયું હતું. પીડીતાના મોત બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં ત્રણ આરોપીઓને પકડી લીધા હતા અને એક આરોપી ફરાર છે. 

આ ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "સરકાર આ ઘટના પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે અને ઘટનાની ન્યાયિક તપાસ માટે સઘન પ્રયાસ હાથ ધરાયા છે. પીડીતિને યોગ્ય ન્યાય મળે તે માટે હોસ્પિટલમાં દાખલ થયાના પ્રથમ દિવસથી જ પોલીસ રક્ષણ પુરૂં પડાયું હતું. પીડિતાનું મોત મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું હતું. પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતી નાજૂક હોવાને કારણે પોલીસને અધૂરી માહિતી મળી હોવાથી ઘટનાની તપાસમાં થોડો વિલંબ થયો છે."

મંત્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, "તપાસમાં કોઈ કચાશ ન રહી જાય તેના માટે પોલીક કમિશનર એ.કે. સિંઘના માર્ગદર્શનમાં અને ઝોન-5ના પોલીસ કમિશનર અક્ષય રાજની આગેવાનીમાં કાર્યવાહી ચાલુ છે. મેજીસ્ટ્રેટની મંજૂરી લીધા પછી ડોક્ટરની હાજરીમાં યુવતીના દાટી દેવાયેલા મૃત બાળકને બહાર કાઢીને તેના DNA ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત, પીડિતા, ધરપકડ કરવામાં આવેલા ત્રણ આરોપીઓ અને ફરહાર આરોપી હાર્દિકના માતા-પિતાના DNA સેમ્પલલઈને FSLમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે."

સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું મોત થતાં અમદાવાદ પોલીસ સફાળી જાગી

(પકડાયેલા આરોપીઓમાંથી ડાબે લાલ ટીશર્ટમાં ચિરાગ અને જમણે અંકિત પારેખ.)

ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, "એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લેવાયું હતું. પીડિતાના મૃત્યના બીજા જ દિવસે ત્રણ આરોપી અંકિત પારેખ, ચિરાગ વાઘેલા, રાજેશકુમાર ઉર્ફે રાજ સુથારની ધરપકડ કરવામાં આવી છે. ચોથા ફરાર આરોપી હાર્દિકને શોધી કાઢવા પણ પોલીસ પ્રયાસ કરી રહી છે." 

આ સાથે જ તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, આ ઘટનામાં ABVPનો કોઈ આરોપી સામેલ નથી. પીડિતાને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેના માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news