ઉનાળામાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકારનું પુરતું આયોજનઃ સીએમ રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં પાણીની સ્થિતી અંગે ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, નર્મદા વિભાગના અધિકારીઓ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

ઉનાળામાં પીવાના પાણીની તંગી ન પડે તે માટે સરકારનું પુરતું આયોજનઃ સીએમ રૂપાણી

હીતલ પારેખ/ ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં પાણીની સ્થિતી અંગે ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પૂરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, નર્મદા વિભાગના અધિકારીઓ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. 

બેઠકમાં માહિતી આપતા અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, રાજ્યમાં ચાલુ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓછો વરસાદ થવાને કારણે સૌરાષ્ટ્રના પોરબંદર, દેવભુમિ દ્વારકા, મોરબી, ભાવનગર, જામનગર, રાજકોટ અને કચ્છ જિલ્લાના ડેમોમાં પાણીની આવક ઓછી થઈ છે. હાલ આ ડેમોમાં પાણીનો જથ્થો નહિંવત છે અને પાતાળકુવા પણ રિચાર્જ થયા નથી. સરકાર દ્વારા ગાંધીનગર ખાતે ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની ફરિયાદના નિવારણ માટે પાણી પુરવઠાની કચેરીમાં 1916 નંબરની 24 કલાક કાર્યરત રહેતી ફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. અહીં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક નિવારણના પગલાં લેવાશે. 

પાણીની સમીક્ષા બેઠક થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, "સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીનું નેટવર્ક ન હોત તો આ વિસ્તાર પાણી વગરનો રહેતો. આજે નેટવર્કને કારણે પાણી આપી શકાય છે. કચ્છને અપાતા પાણી કરતાં 20 ટકા પાણી આપવામાં આવે છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડાઈ રહ્યું છે. જ્યાં જરૂર હશે ત્યાં નર્મદાના પાણીથી ડેમ પણ ભરવામાં આવશે"

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, "કચ્છ, બનાસકાંઠા,પાટણ, દ્રારકા, જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. તે વિસ્તારમાં પાણી આપવામાં આપવામાં આવી રહ્યું છે. કચ્છમાં 620 જેટલા કેટલ કેમ્પ ઊભા કરાયા છે અને 7 કરોડ કિલો ઘાસ અપાઈ રહ્યું છે. અગાઉ ક્યારેય આટલું ઘાસ અપાયું નથી. 14812 પશુઓનું કચ્છમાંથી સ્થાળાંતર કરી સુરેન્દ્રનગર મોકલાયા છે."

સીએમ રૂપાણીએ કહ્યું કે, "સામાન્ય રીતે જાન્યુઆરીથી અછત જાહેર કરતી હોય છે, પણ મારી સરકારે સેપ્ટમ્બરથી જ અછત જાહેર કરીને સહાયની શરૂઆત કરી હતી. કંટ્રોલ રૂમમાં સરેરાશ 150 થી 175 જેટલી ફરિયાદ આવે છે. 18000 ગામડા છે એટલે ફરિયાદ આવે પણ તેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવે છે. સરકાર સામે 500 કિલોમીટર દૂરથી પાણી લાવવાનો પડકાર છે. 31 જુલાઈ  સુધી ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા ઉભી નહીં થાય. નાગરિકોને પુરતું પાણી પૂરૂં પાડવામાં આવશે."

7 જિલ્લાઓમાં ચિંતાજનક સ્થિતિ
રાજ્ય સરકારે સ્વીકાર્યું કે, મોરબી, પાટણ, દ્રારકા, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં સ્થિત સૌથી વધુ ચિંતાજનક છે. પાણી પુરવઠા વિભાગના સચિવ જે.પી. ગુપ્તાએ જણાવ્યું કે, "રાજ્યમાં વરસાદ ન પડે અને નર્મદામાં પાણી ન આવે તો મોટો પડકાર છે. એટલે સરકારે દરિયાના પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રિસાયકલ વોટર પોલીસી બહાર પાડી છે. સરકાર ટૂંક સમયમાં પાણીની નવી નીતિ પણ બહાર પાડશે." 

પાણીના ટેન્કરની શરૂઆત 
સરકારે જણાવ્યું કે, રાજ્યમાં કુલ 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ લોકસભા ચૂંટણીની આચારસંહિતાને કારણે કેટલાક ગામમાં બોરવેલના કામ હાથ ધરી શકાયા નથી. ચૂંટણી પંચની મંજૂરી મળતાં જ આ કાર્યો હાથ ધરાશે. રાજ્યમાં 62 તાલુકાના 258 ગામ અને 263 ફળિયા સહિત 521 વિસ્તારોમાં 361 ટેન્કરના 1581 ફેરા દ્વારા પાણી પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news