‘અમને પણ માસ પ્રમોશન આપો’ ની માંગ સાથે અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો

‘અમને પણ માસ પ્રમોશન આપો’ ની માંગ સાથે અમદાવાદમાં રિપીટર્સ વિદ્યાર્થીઓએ મોરચો માંડ્યો
  • ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને  વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા
  • વિદ્યાર્થીઓએ કહ્યું કે અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ

અતુલ તિવારી/અમદાવાદ :ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયુ નથી. તેમના પરીક્ષાઓ રાબેતા મુજબ યોજાશે. ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં રિપીટર્સ (repeaters) વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ એકઠા થઈ માસ પ્રમોશન (mass promotion) ની માંગણી કરી હતી. ગાંધી આશ્રમમાં આવેલા હૃદય કુંજની સામે 100 થી વધુ વિદ્યાર્થીઓ અને  વાલીઓ વિરોધ પ્રદર્શન પર બેસ્યા હતા. વિરોધ કરી રહેલા શિક્ષક અજય વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. તેમજ અન્ય કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી ટોળું વિખેરવામાં આવ્યું હતું. 

તમામને સમાન હક મળવો જોઈએ - વિદ્યાર્થીઓ
ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ગાંધી આશ્રમ ખાતે એકઠા થયા હતા. રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રિપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવે એવી માગ સાથે તેઓ એકઠા થયા હતા. જોકે વિદ્યાર્થીઓને ચર્ચા કરતા ગાંધી આશ્રમમાં પોલીસ દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષક અને વિદ્યાર્થી નેતા એવા અજય વાઘેલાએ કહ્યું કે, અમે વિદ્યાર્થીઓને સમજાવી રહ્યા છીએ. એમનો જે હક્ક છે એ મુજબ એમને ન્યાય મળવો જોઈએ. સમાનતાના અધિકાર હેઠળ, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ યોગ્ય નથી. તો બીજી તરફ, વિદ્યાર્થીઓએ પણ ઝી 24 કલાક સાથે વાત કરતા કહ્યું કે અમને પણ રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન મળવું જોઈએ. ત્રીજી લહેરનો ભય છે, એવામાં પરીક્ષા (board exam) હાલ યોજવી યોગ્ય નથી. 

રિપીટર્સના માસ પ્રમોશન માટે પિટીશન કરાઈ 
જોકે રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવું જોઈએ એ મામલે હાઇકોર્ટમાં પિટીશન કરાઈ છે. 13 જુલાઈએ હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે. 15 જુલાઈથી શિક્ષણ વિભાગે ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કર્યું છે. 

વાલી-વિદ્યાર્થીઓનું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન 
શિક્ષક અજય વાઘેલાના આગેવાની હેઠળ રિપીટર વિદ્યાર્થીઓ અને વાલીઓ એકઠા થયા હતા. વિરોધ કરી રહેલા તમામ લોકો ગાંધી આશ્રમથી બહાર જવા તૈયાર ના હોવાથી પોલીસ પણ અસંજસમાં મૂકાઈ હતી. વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ, સૂત્રોચ્ચાર કર્યા વિના શાંતિથી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો બીજી તરફ, ગાંધી આશ્રમ ટ્રસ્ટ તરફથી શિક્ષક અજય વાઘેલા સાથે વાતચીત કરી આશ્રમ ખાલી કરવા માટે સમજાવવાનો પ્રયાસ કરાયો હતા. નવસારી, સુરત, વાપી, વલસાડથી આવેલા વિદ્યાર્થીઓએ પોતાની રજુઆત કરવા દેવા વિનંતી કરી હતી. ગાંધી આશ્રમ ટ્રસ્ટ તરફથી પ્રોટોકોલનો હવાલો આપી ગાંધી આશ્રમની અંદરની તરફની જગ્યા ખાલી કરવા વિનંતી કરાઈ હતી. આખરે ગાંધી આશ્રમના ટ્રસ્ટીની સમજાવટ બાદ વિદ્યાર્થીઓ જગ્યા ખાલી કરવા તૈયાર થયા હતા. જોકે આશ્રમની બહાર શાંતિપૂર્ણ રીતે વિરોધ યથાવત રાખવા માટે મક્કમ બન્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news