આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ

આજથી 29 ઓગસ્ટ સુધી RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહિ

આજથી RTE માં પ્રવેશ શરૂ, કોરોનાને પગલે પ્રોસેસ ઓનલાઈન કરાઈ

અતુલ તિવારી/અમદાવાદ :આજથી ગુજરાતભરમાં RTE માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે. જેના માટે વાલીઓએ જરૂરી તમામ દસ્તાવેજો ઓનલાઈન સબમિટ કરવા ફરજિયાત રહેશે. આજથી 29 ઓગસ્ટ સુધી RTE માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. કોરોના મહામારીને કારણે આ વર્ષે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. વાલીઓએ રિસીવિંગ સેન્ટરો પર ફોર્મની કોપી તથા અન્ય દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહિ. મહત્વના દસ્તાવેજોમાં વિદ્યાર્થીના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો, વિદ્યાર્થીનું આધારકાર્ડ, બેન્ક ખાતાની પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.

ઓનલાઈન અરજી કરતા સમય એ વાલીએ જે શાળામાં પ્રવેશ જોઈએ છે તે શાળાની પસંદગી પણ કરવાની રહેશે. ઓનલાઈન અરજી સમયે વાલી એકથી વધુ શાળા માટે પસંદગી કરી શકશે. ઓનલાઈન અરજીની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફોર્મ ચકાસણી કરાશે. 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન ફોર્મ ચકાસણી કરાશે. 11 સપ્ટેમ્બરના રોજ પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. RTE અંતર્ગત ધોરણ 1 થી 8માં અભ્યાસ માટે વિદ્યાર્થીની સ્કૂલ ફી, પુસ્તક અને યુનિફોર્મનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ધોરણ 1માં આવનાર વિદ્યાર્થી કે જેની ઉંમર 5 થી 7 વર્ષ હોય તેવા વાલીઓ પોતાની ગમતી શાળા માટે પ્રવેશ માટે અરજી કરી શકે છે. 

ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિના મૂલ્યે ધો-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. 19થી 29 ઓગસ્ટ દરમિયાન rte.orpgujarat.com વેબસાઇટ પર આવેદન કરી શકાશે. 31 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રવેશ પ્રક્રિયામાં 11 સપ્ટેમ્બરે પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે.

RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, RTEમાં સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે. બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા દોઢ લાખની આવક મર્યાદા લાગુ પડશે.

ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news