રાજ્યમાં અપુરતા વરસાદ અને સિંચાઈ માટે પાણીની અછતની ઉનાળુ વાવેતર પર અસર

કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે.
 

રાજ્યમાં અપુરતા વરસાદ અને સિંચાઈ માટે પાણીની અછતની ઉનાળુ વાવેતર પર અસર

હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજયમાં ચાલુ વર્ષે અપુરતો વરસાદ થતાં ઉનાળાનાં પ્રારંભે જ પાણીની તંગી સર્જાતા ઉનાળુ વાવેતરને માઠી અસર પહોંચી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીએ રાજયમાં ડાંગર, બાજરી, મગફળી અને ખાસ કરીને શાકભાજીનાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડા સાથે કુલ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો નોંધાયો છે.

ચાલુ વર્ષે પાણીની કટોકટી જોતા સરકાર દ્વારા નર્મદા યોજનાની કેનાલ તેમજ અન્ય જળાશયોમાં રહેલા પાણીના જથ્થાને પીવા માટે અનામત જાહેર કરી ૧૫ માર્ચથી સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરાતાં ઉનાળુ વાવેતરમાં 77 હજાર હેકટરનો ઘટાડો થયો છે. રાજય સરકારના કૃષિ વિભાગનાં આંકડા મુજબ વર્ષ 2017માં 7,59,212 હેકટર વિસ્તારમાં જુદા-જુદા પાકો લેવાયા હતા. જયારે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર વિસ્તાર 77 હજાર હેકટર ઘટી 6,82,290 હેકટર થયું છે. 

કૃષિ વિભાગના આંકડા અનુસાર રાજ્યના સિંચાઈથી પ્રભાવિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં વિસ્તારોમાં વાવેતરનું પ્રમાણ ઘટયું છે. ગુજરાતમાં ડાંગર, મકાઈ, અડદ સહિતના વાવેતરમાં ઘટાડો થયો છે. પાણીની અછતને કારણે ખાસ કરીને બાજરી, મગફળી અને શાકભાજીનો વાવેતર વિસ્તાર ઘટયો હોવાથી ઉનાળાના અંતિમ ભાગમાં લોકોને શાકભાજીના ભાવ વધુ ચુકવવા પડશે. કઠોળ અને તેલિબિયાં પાકના વાવેતરમાં પણ ઘટાડો નોંધાયો છે. 

જૂઓ શું કહે છે કૃષિ વિભાગના આંકડા

  • કુલ 6 લાખ 82 હજાર 290 હેક્ટરમાં વાવેતર
  • ગત વર્ષ કરતાં 77 હજાર હેક્ટરમાં વાવેતર ઘટ્યું
  • મગફળીના વાવેતરમાં અંદાજે 50%નો ઘટાડો
  • કુલ 87.16% વિસ્તારમાં વાવેતર
  • મગળફીનું વાવેતરઃ 2017ના 52,349 હેક્ટરની સામે આ વર્ષે માત્ર 28,060 હેક્ટરમાં થયું

ઘાસચારાના વાવેતરમાં વધારો 
પાણીની અછતના કારણે આ વખતે ઘાસચારાની ખુબ જ માગ છે. 
ગત વર્ષના 2 લાખ 32 હજાર 229 હેક્ટરની સામે આ વર્ષે 2 લાખ 65 હજાર 406 હેક્ટર વિસ્તારમાં ઘાસચારાનું વાવેતર કરાયું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news