રીલ્સ બનાવવાનું ઘેલું ભારે પડ્યું! ફેમસ થવાના ચક્કરમાં સુરતના 4 યુવાનો ચઢ્યા ચોરીના રવાડે, પછી...

રતની અલથાણ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી 22 લાખ રૂપિયા રોકડા, 5 મોબાઇલ 4,78,000ના સોનાના દાગીના સહિત કુલ 28,77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

રીલ્સ બનાવવાનું ઘેલું ભારે પડ્યું! ફેમસ થવાના ચક્કરમાં સુરતના 4 યુવાનો ચઢ્યા ચોરીના રવાડે, પછી...

ચેતન પટેલ/સુરત: હાલ યુવાનોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે. કેટલાક યુવાનો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં ગુનાહિત પ્રવૃત્તિ પણ કરી બેસતા હોય છે ત્યારે આવી જ ઘટના સુરતમાં સામે આવી છે કે જેમાં યુવાનોને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અલગ અલગ રીલ્સ બનાવવી હતી અને આ રીલ્સ બનાવવા માટે કપડાં ઘડિયાળ અને પૈસાની જરૂરિયાત પડતી હતી. 

તેથી આ યુવાનો ચોરીના રવાડે ચડી ગયા અને ભરથાણા વિસ્તારમાં આવેલા એક બંગલામાં રોકડા રૂપિયા અને ઘરેણાંની ચોરી કરી હતી તો કે ત્યારબાદ પોલીસે આ ઘટનામાં તપાસ શરૂ કરી ચાર આરોપીની ધરપકડ કરી હતી. સુરતની અલથાણ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી 22 લાખ રૂપિયા રોકડા, 5 મોબાઇલ 4,78,000ના સોનાના દાગીના સહિત કુલ 28,77,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

30 જુન 2023 ના રોજ સુરતના અલથાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભરથાણાના હિના બંગલોના 145 નંબરના મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીઓ ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ભાગી ગયા હતા અને બીજા દિવસે આ ઘટનાને લઇ ઘર માલિક દ્વારા અલથાણ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને પોલીસે સૌપ્રથમ અલગ અલગ જગ્યા પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. 

પોલીસ જ્યારે સીસીટીવી કેમેરા ના ફૂટેજ તપાસી રહી હતી ત્યારે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલો ભોલાસીંગ નામનો એક આરોપી પોલીસને દેખાયો હતો. તેથી પોલીસ દ્વારા ભોલાસિંગનો રેકોર્ડ તપાસવામાં આવ્યો હતો અને પોલીસના રેકોર્ડમાં ભોલાસિંગનો મોબાઇલ નંબર તેમજ તેના ઘરનું એડ્રેસ હતું. તેથી પોલીસ દ્વારા ભોલાસિંગનો સંપર્ક કરવા તેને ફોન કરવામાં આવ્યો અને ત્યારબાદ તેના ઘરે તપાસ કરવામાં આવી હતી. જોકે ભોલાસિંગનો મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો અને તે પોતાના ઘરે ન હતો. 

ભોલાસિંગની શોધખોળ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ભોલો કોઈ મુદ્દા માલ વેચવા માટે ઉત્તર પ્રદેશમાં ગયો છે તેથી અલ્થાણ પોલીસ દ્વારા પણ એક ટીમ તૈયાર કરવામાં આવી અને આ ટીમને ઉત્તર પ્રદેશ રવાના કરવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશમાં આરોપીઓનું લોકેશન ટ્રસ્ટ થતા પાંચ જુલાઈના રોજ કાનપુરના મુસા નગરમાંથી અલથાણ પોલીસ દ્વારા ચાર આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. 

આ આરોપીમાં વિમલ સિંગ ઉર્ફે ભોલાસિંગ ઠાકુર, બંટી ઠાકુર, બીનુકુમાર કેવટ અને સજ્જન કેવટનો સમાવેશ થાય છે. આરોપીઓની પૂછપરછ કરી તેની પાસેથી રોકડા રૂપિયા અને ઘરેણાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો તે કે પોલીસને આરોપી પાસેથી 22 લાખ રૂપિયા રોકડા તેમજ સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા. આ મુદ્દા માલની કુલ કિંમત 28, 77,100 રૂપિયા થવા પામે છે . 

આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસ પણ ચોકી ગઈ હતી કારણ કે તેમને કબૂલાત કરી હતી કે આરોપીઓ સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં ચોરીના રવાડે ચડ્યા હતા. કારણકે રીલ્સ બનાવવા માટે તેમને સારા કપડા ઘડિયાળ અને પૈસાની જરૂરિયાત હતી અને પૈસા ઘડિયાળ અને સારા કપડાની જરૂરિયાત પૂરી કરવા તેઓ ચોરીના રવાડે ચડ્યા હતા. 

આરોપીઓની ધરપકડ બાદ ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના ગુનાનો તેમજ અલથાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. તો અગાઉ આરોપી બિમલસિંહ ઉર્ફે ભોલાસિંગ ઠાકુર સામે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બે, પાંડેસરામાં એક અને ઉધના પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news