કળિયુગમાં કંસ જેવો દીકરો! પોતાના અપહરણનું નાટક કરી બાપા પાસેથી માંગ્યા 4 લાખ

Surat Crime News : સુરતના વેડરોડ વિસ્તારમાં પોતાનું જ અપહરણનું તરકટ રચનાર યુવક ઝડપાયો...ઓનલાઇન જુગારમાં 2.50 લાખ રૂપિયા હારી જતાં ઘડ્યો પ્લાન.... આરોપીએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા

કળિયુગમાં કંસ જેવો દીકરો! પોતાના અપહરણનું નાટક કરી બાપા પાસેથી માંગ્યા 4 લાખ

Surat News ચેતન પટેલ/સુરત : પોતાના જ અપહરણનું નાટક કરનાર યુવકને સુરત પોલીસે પકડી પાડ્યો છે. યુવક ઓનલાઈન જુગારમાં 2.50 લાખ રૂપિયા હારી જતા તેણે અપહરણનું નાટક રચ્યું હતું. તેણે અલગ અલગ નંબરથી ફોન કરીને 4 લાખ માંગ્યા હતા. સુરત પોલીસે આરોપી ગૌરવ રાઠોડને ઝડપી પાડ્યો છે. યુવકે લોકો પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા માટે સમગ્ર નાટક રચ્યું હતું. પોલીસે હાલ આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 203 મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઓનલાઇન જુગારમાં 2.50 લાખ રૂપિયા હારી જતાં વેડ રોડના યુવકે પોતાના જ અપહરણનું તરકટ રચી પિતા પાસે ચાર લાખની ખંડણી માગી હતી. પોલીસે આ યુવકને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો અને ખોટી વિગત રજૂ કરવા બદલ તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. ચોકબજાર પોલીસ ઇન્સ્પેક્ટર વી. વી. વાગડિયા પાસે ગત રોજ વેડ રોડ ખોડિયાર એપા.માં રહેતા મહિપત રાઠોડ આવ્યા હતા. મોટી વયે પણ ઘરનું ગુજરાન ચલાવવા કામ કરતા આ પ્રૌઢે પોલીસ મથકમાં આવ્યા તે સાથે જ રડી પડ્યા હતા અને પોતાના એકના પુત્ર ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કરી લેવાયાનું જણાવ્યું હતું. 

પિતાએ જણાવ્યું કે, અપહરણકારો તેમના દીકરાને મુક્ત કરવા માટે ચાર લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરવાની માંગણી કરી રહ્યા છે. પોતાની પાસે પૂરતા નાણાં પણ નથી અને પોતાના એકના પુત્રને સહીસલામત રીતે ઘરે લાવી આપવાનું કહી આક્રંદ સાથે આજીજી કરી રહ્યા હતા. ઈન્સ્પેક્ટર વી.વી. વાગડિયાએ મામલાની ગંભીરતા પારખી જે નંબરથી ફોન આવી રહ્યો હતો તે નંબરના લોકેશનથી લઈને તમામ ડિટેઈલ્સ મળી રહે તે માટે સર્વેલન્સ ઉપર મૂકી દેવાની સાથે ઉપરી અધિકારીઓ તથા ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરી હતી. 

ચોકબજારની ત્રણ ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ સહિત પાંચ ટીમ હવે અપહૃતને બચાવવા કામે લાગી હતી. જે નંબરથી ફોન કરવામાં આવતો હતો, તે નંબર ભેસ્તાન અને સચિન વચ્ચે જીયાવ-બુડિયા ગામના સરાઉન્ડિંગ વિસ્તારમાં આવતો હતો. પોલીસની ટીમ અહીં દોડી ગઈ હતી. આશરે બે કલાક ચાલેલા ઓપરેશનને અંતે યુવકને આ વિસ્તારમાંથી સહીસલામત અને એકલો જ શોધી લેવામાં આવ્યો હતો. 

જોકે, પોલીસ મથકે લઇ જઈ તેની પૂછપરછ કરવામાં આવતાં તેણે પોતાનું અપહરણ થયાનું રટણ ચાલુ રાખ્યું હતું. જોકે જે નંબરથી ફોન આવ્યો હતો તે નંબર આ યુવકે જ પોતાના નામે પંદરેક દિવસ પૂર્વે લીધો હોવાનું અને તેનું અપહરણ કઈ રીતે અને કોણે ક્યાંથી કર્યું તથા તે કઇ રીતે મુક્ત થયો તેને લઈને અનેક વિસંગતતા જણાઈ આવતાં પોલીસે સખ્તાઈનું અંતિમ શસ્ત્ર અજમાવતાં તેણે પોતે જ અપહરણ અને ખંડણીનું તરકટ રચ્યાનું સ્વીકારી લીધું હતું. પોતે ઈન્સ્ટા. ઉપર આવતી જુગારની એપ ઉપર અઢી લાખ રૂપિયા હારી ગયો હતો. તે ચૂકવવા માટે તેણે પિતાને બ્લેકમેલ કરી નાણાં પડાવવા આ તૂત ઘઢી કાઢ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ ચોકબજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news