ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ

રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે. 

ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ

અતુલ તિવારી, અમદાવાદ: રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે. 

અત્રે જણાવવાનું કે ઇન્ટર્ન તબીબો 3 માગણીઓ સાથે ગઈકાલથી હડતાળ પર ઉતર્યા છે. સ્ટાઈપેન્ડમાં વધારો, કોવિડ ડ્યૂટી બદલ ઇનસેન્ટિવ તેમજ બોન્ડ મુક્તિની ઇન્ટર્ન તબીબોની માગણી છે. સરકારી, GMERS તેમજ સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલના તબીબોનું હડતાળને સમર્થન મળ્યું છે. ઇન્ટર્ન તબીબોની માગણીના સંદર્ભે ડેપ્યુટી સીએમ દ્વારા કાલે ચીમકી પણ આપવામાં આવી હતી. આ બાજુ ઈન્ટર્ન તબીબોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ સ્ટ્રાઈક ઈઝ ઓનનો મેસેજ આપીને #we_are_united હેશટેગથી પોતાની માગણીઓ સંદર્ભે આક્રમકતા બતાવી છે.  

ઈન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરો- નીતિન પટેલ
ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હડતાળ પર રહેલા તમામ ઇન્ટર્ન તબીબોની ગેરહાજરી પૂરવા ડીનને આદેશ કર્યો છે. DyCM નીતિન પટેલે કહ્યું કે મજબૂરીનો લાભ ઉઠાવી ઇન્ટર્ન તબીબો તેમની માગ સ્વીકારવા દબાણ ઉભું કરે તે ચલાવી નહીં લેવાય. 

સરકારના ગેરહાજરી પૂરવા પર ઈન્ટર્ન તબીબોએ આપ્યો જવાબ
ઇન્ટર્ન તબીબોની હડતાળને પગલે DyCM એ ગેરહાજરી ભરવાના ડીનને આપેલા આદેશ મામલે ઇન્ટર્ન તબીબોએ કહ્યું કે અમે એપ્રિલથી સતત કોવિડ ડ્યુટીમાં ફરજ બજાવી રહ્યા છીએ. 9 મહિનાની હાજરી ઇન્ટર્નશિપમાં જરૂરી હોય છે, અમારી જરૂરી હાજરી પૂર્ણ થઈ ચૂકી છે. તેમણે કહ્યું કે અમે સરકારને અમારી માગ મજબૂરીમાં મનાવી લેવાનો પ્રયાસ નથી કરી રહ્યા પરંતુ અમે અમારો હક્ક માગી રહ્યા છીએ, જે ફરજ બજાવી છે તે મુજબ જ માગ કરી છે. અન્ય રાજ્યમાં ઇન્ટર્નને મળતી રકમ અને કોવિડ ડ્યુટી બદલ પ્રોત્સાહનરૂપે અપાતી રકમ અંગે સરકાર જાણકારી મેળવે. સરકારે જે સરખામણી કરી એ નકામી છે. નીટની પરીક્ષા નજીક છે અમારી છતાંય અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news