સરકારે બ્રિજનું કામ તો શરૂ કર્યું, પણ પૂરુ ક્યારે કરશે? છાણી-બાજવાના ગ્રામજનો વિફર્યાં

રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વિવિધ જગ્યાઓએ રેલવે (Railways) ફાટક બંધ કરી ઓવર બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના છાણીથી બાજવાને જોડતો રેલવે ઓવર બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ હોવા છતાં કામગીરી પૂરીના થતા ગ્રામજનો આજે રેલવે ફાટક પાસે ભેગા થઈને હલ્લાબોલ (Protest) કર્યો.
સરકારે બ્રિજનું કામ તો શરૂ કર્યું, પણ પૂરુ ક્યારે કરશે? છાણી-બાજવાના ગ્રામજનો વિફર્યાં

રવિ અગ્રવાલ/વડોદરા :રાજ્ય સરકાર દ્વારા વડોદરા સહિત વિવિધ જગ્યાઓએ રેલવે (Railways) ફાટક બંધ કરી ઓવર બ્રિજ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે વડોદરાના છાણીથી બાજવાને જોડતો રેલવે ઓવર બ્રિજનું કામ છેલ્લા 5 વર્ષથી ચાલુ હોવા છતાં કામગીરી પૂરીના થતા ગ્રામજનો આજે રેલવે ફાટક પાસે ભેગા થઈને હલ્લાબોલ (Protest) કર્યો.

વડોદરા (Vadodara) ના સાંસદ રંજનબેન ભટ્ટે છાણીથી બાજવાને જોડતો રેલવે ઓવર બ્રિજનું વર્ષ 2016 માં ખાત મુહૂર્ત કર્યું હતું અને કામગીરી શરૂ કરાવી હતી. બ્રિજનું કામ 18 માસમાં પૂર્ણ કરવાનું હતું, પણ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ 5 વર્ષ બાદ પણ બ્રિજનું કામ પૂરું ન કરી શક્યું. માર્ગ અને મકાન વિભાગ 39 કરોડના ખર્ચે રેલવે ઓવર બ્રિજ બનાવી રહી છે, પણ મંથર ગતિએ કામગીરી ચાલતી હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડી રહી છે. મહત્વની વાત છે કે, રેલવેએ ફાટક ઉપર બ્રિજની કામગીરી પૂરી કરી દીધી છે, પણ રાજ્યનું માર્ગ અને મકાન વિભાગ બ્રિજની છેડા જોડી કામ નથી પૂરું કરી રહી. જેના કારણે ગ્રામજનો આજે રેલવે ફાટક પાસે પહોંચી હલ્લાબોલ કર્યો. તંત્ર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, સાથે જ બ્રિજની કામગીરી વહેલી પૂર્ણ કરવા માંગ કરી હતી. 

મહત્વની વાત છે કે, ઓવર બ્રિજની કામગીરીના કારણે બાજવા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયું છે, જેમાં એક ભાગમાં સ્કૂલ, તો એક ભાગમાં સરકારી દવાખાનું અને સ્મશાન આવેલું છે. બાળકોને રેલવે ફાટક ક્રોસ કરી જીવના જોખમે સ્કૂલ જવું પડે છે, તો અંતિમસંસ્કાર માટે લોકોને અઢી કિલોમીટર ફરીને સ્મશાનમાં જવાની નોબત આવી છે. રેલવે ઓવર બ્રિજ બાજવા ઉપરાંત 22 ગામને જોડતો મુખ્ય બ્રિજ પણ છે, ત્યારે લોકો કામ ક્યારે પૂર્ણ થશે તેવો સવાલ પૂછી રહ્યાં છે.

બાજવા ગામના અગ્રણી રાજુ ઠાકોરે કહ્યું કે, અનેકવાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ, નેતાઓને રજૂઆત કરી પણ કોઈના પેટનું પાણી નથી હલતું. 18 મહિનામાં જે કામગીરી કરવાની હતી, તે 5 વર્ષ બાદ પણ પૂરી નથી થઈ, ત્યારે હવે તંત્ર બ્રિજની કામગીરી ઝડપથી પૂરી નહિ કરે તો અધિકારીની ઑફિસમાં જઈ હલ્લાબોલ કરીશું અને આંદોલન ઉગ્ર બનાવીશું. 

ગામમાં આવેલી સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વૈભવી ચાવડાએ કહ્યું કે, સાયકલ ઉંચકીને રેલવે ફાટક ક્રોસ કરવું પડે છે, જેનાથી ટ્રેનની અકસ્માત થવાનો હમેશાં ભય લાગે છે. સાથે જ પરિવારના લોકો પણ ઘરે ના આવીએ ત્યાં સુધી ચિંતા કરે છે. બ્રિજનું કામ ઝડપથી થાય તો અમે વિદ્યાર્થી સહેલાઈથી ભય વગર સ્કૂલે જઈ શકીશું. 

માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિકાસ મેકવાણે બ્રિજનું કામ સમયસરના પૂરું થવાના મામલે કહ્યું કે, પાણીની લાઈન બ્રિજના કામમાં નડતરરૂપ થઈ રહી છે, જેને દૂર કરવા માટે જિલ્લા પંચાયતમાં કહ્યું છે. સાથે જ બાજવા રેલવે સ્ટેશન તરફ જે એપ્રોચ ઉતારવામાં આવ્યો છે તેના ડ્રોઈંગમાં ફેરફાર કરવા માટે રેલવે વિભાગ પાસેથી મંજૂરી લેવાની બાકી હોવાથી કામ બાકી છે. અધિકારીએ કહ્યું કે બ્રિજના કામમાં મોડું થયું તે વાત સાચી છે. કોન્ટ્રાકટરને પણ નોટિસ પાઠવી છે, હજી કામ પૂરું થતાં 8 મહિનાનો સમય લાગશે. 

મહત્વની વાત છે કે, બાજવા રેલવે ઓવર બ્રિજનું કામ ના થતાં હજારો લોકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે સાંસદ, ધારાસભ્ય, રેલવે અધિકારી, માર્ગ અને મકાનના અધિકારીઓ કેમ સાથે મળીને વહેલી તકે કામ પૂરું નથી કરાવતા તે સૌથી મોટો સવાલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news