સૌરાષ્ટ્રના ગીધોને બચાવવા મહાઅભિયાન શરૂ
Trending Photos
- ગીધ પક્ષી એ પર્યાવરણના સફાઈ કામદારો કહેવાય છે. પરંતુ ગીધની વસ્તી સતત ઘટી રહી છે
- સૌરાષ્ટ્રમાં વસતા ત્રણ પ્રજાતિના ગીધને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ શરૂ કરાયું
ભાવિન ત્રિવેદી/જુનાગઢ :ગીધ પક્ષી પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી છે અને ચિંતાજનક રીતે ગીધની વસ્તી ઘટી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સંરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકીને સૌરાષ્ટ્રમાં વસતા ગીધ (vulture) ને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે. આમ તો પ્રકૃતિ માટે તમામ જીવો ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ ગીધ પક્ષી પર્યાવરણ બચાવવામાં સૌથી વધુ અગત્યના છે. કારણ કે ગીધ પક્ષી એ પર્યાવરણના સફાઈ કામદારો કહેવાય છે. પરંતુ ગીધની વસ્તી સતત ઘટી રહી છે અને તેને બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગીધોના સંરક્ષણ માટેનો એક્શન પ્લાન અમલમાં મૂકીને સૌરાષ્ટ્રમાં વસતા ત્રણ પ્રજાતિના ગીધને સૌરઉર્જાથી સંચાલિત ટેગ લગાવીને તેના ઉપર રિસર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું
વર્ષ 2020 થી 2025 સુધીનો એક્શન પ્લાન ગીધ પક્ષીના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે બહાર પાડ્યો છે. જેના ભાગરૂપે ૧૨ ગીધ પર રિસર્ચ કરવાનું નક્કી કરીને વન વિભાગ દ્વારા હાલમાં છ ગીધને સૌરઉર્જાથી ચાલતા ટેગ લગાવીને ડેટા મેળવવાનું શરુ કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના બે સફેદ પીઠ ગીધ, ત્રણ ગિરનારી ગીધ અને એક રાજગીધનો સમાવેશ થાય છે. આ ટેગ મારફત ગીધ ક્યાં જાય છે, ક્યાં નેસ્ટીગ કરે છે, તેની ક્યાં પ્રાણીઓ સાથે વધુ એક્ટિવિટી છે, તે મેળવીને તેના સંરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ખાસ કરીને ગિરનાર પર્વત પર ગીધનો મોટો વસવાટ છે. આ ગીધ ગિરનારી ગીધ તરીકે ઓળખાય છે. અહીની ખાસિયત એ છે કે, આ ગીધ ગિરનાર પરથી અંદાજે એક હજાર મીટરની ઉંચાઈએથી ઉડાન ભરે છે અને સીધા દેવળિયા પાર્કમાં લેન્ડિંગ કરે છે. તે વચ્ચેના અંતરમાં હવામાં તેને એટલો પાવર મળે છે કે તેઓને પાંખનું હલનચલન કરવાની પણ જરૂર પડતી નથી. સાથે જંગલમાં સિંહો જ્યાં મારણ કરે છે, તે સ્થળે ગીધ જાય છે કે કેમ, જાય છે તો કેટલો સમય રોકાય છે તેની વિગતો મળશે. ગીધને કરેલ ટેગિંગની મદદથી ગીધના સ્થળાંતર, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, ખોરાકના સ્થળો, પ્રવાસના માર્ગો, ચોક્કસ ઉંચાઈઓ, રાતવાસાના અને પ્રજનનના સ્થળો તેમજ તેના વ્યાપ વિસ્તાર અંગેની ઊંડાણપૂર્વકની અને વૈજ્ઞાનિક માહિતી મળશે જે મહત્વની સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : ભત્રીજાએ કાકાના પરિવાર પર કર્યો એસિડ એટેક, ચાર લોકોના ચહેરા બગાડ્યા
આ વિશે જુનાગઢના સીસીએફ દુષ્યંત વસાવડા જણાવે છે કે, સક્કરબાગ ઝૂ માં વેટરનરી ડોક્ટર દ્વારા સમગ્ર રાજ્યમાં એકમાત્ર 2009 ના વર્ષથી અહીના ઝૂ માં ગીધ માટેનું બ્રિડીંગ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેના ફળસ્વરૂપે આજે ઝૂ માં 60 જેટલા ગીધ છે. અહી ગીધ રેસ્ક્યુ સેન્ટર પણ કાર્યરત છે. ગીધનું બ્રિડીંગ કરવાથી જે ઈંડા મળે છે, તેમાં કટેલાક કિસ્સામાં કુદરતી રીતે સેવન ન થાય તો કુત્રિમ રીતે તેને વિકસાવવામાં આવે છે. ગીધને ઈંડા મૂકવા માટે અહી પ્રતિકુળ વાતાવરણ મળે તે માટે ગિરનારી પત્થર મૂકવામાં આવ્યા છે, જેમાં ગીધ માળા બનાવી શકે છે.
આ પણ વાંચો : આફતના માવઠા સામે ગુજરાત સરકારે કરી ખેડૂતોને વળતરની જાહેરાત
દેશમાં 9 પ્રકારના ગીધ પક્ષીઓ જોવા મળે છે, જે પૈકી ગુજરાતમાં ૮ પ્રજાતિઓ નોધાયેલી છે. જેમાં ચાર સ્થાનિક, તમજ ચાર યાયાવર છે. વર્ષ ૧૯૯૨ થી ૨૦૦૭ દરમિયાન થયેલા એક અભ્યાસ અનુસાર ભારતમાં સફેદ પીઠ ગીધની વસ્તીમાં ૯૯.૯ ટકા અને અન્ય જીપ્સ પ્રજાતિના ગીધની વસ્તીમાં ૯૫ ટકાનો તીવ્ર ઘટાડો નોધાયો હતો. જેનું મૂળ કારણ ડાયકલોફેનીક માનવામાં આવે છે. ત્યારથી આ ડાયકલોફેનીક દવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. હાલ ગુજરાતમાં ગતવર્ષના અહેવાલ મુજબ ૩૫૨ જેટલા સફેદ ગીધ અને ૨૮૫ જેટલા ગિરનારી ગીધ હોવાનો અંદાજ છે. સફેદ ગીધ લગભગ ૪૫ ટકા જેટલી વસ્તી સૌરાષ્ટ્રમાં વસી રહી છે, જે પૈકી ભાવનગર જિલ્લાના મહુવાની ગીધની વસ્તી વર્ષ ૨૦૧૨ થી સ્થિર હોવાનું મનાય છે. આજ પ્રમાણે ગિરનારી ગીધની લગભગ ૫૨ ટકા જેટલી વસ્તી ખાસ કરીને અમરેલી જિલ્લામાં વધુ હોવાનું માનવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે