દેશનું એક એવું મંદિર કે જ્યાં મહિલા પૂજારી કરે છે ભગવાનની પૂજા-અર્ચના, જાણો શું છે મહત્વ

ઉત્તરાખંડના ચમોલી-ગઢવાલમાં અનેક અદભૂત અને રહસ્યો ધરાવતા આ મંદિરની ધાર્મિક માન્યતાઓ પણ ઘણી બધી છે 
 

દેશનું એક એવું મંદિર કે જ્યાં મહિલા પૂજારી કરે છે ભગવાનની પૂજા-અર્ચના, જાણો શું છે મહત્વ

ચમોલીઃ ઉત્તારખંડના ચમોલી-ગઢવાલમાં એક અનોખું અને અદભૂત મંદિર આવેલું છે. આ મંદિર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ સંકળાયેલી છે. ચમોલી ગઢવાલમાં આવેલી ઉર્ગમ ઘાટીમાં અંતરિયાળ વિસ્તાર જોશીમઠમાં આ મંદિર આવેલું છે. અહીં પુરુષ પૂજારીની સાથે-સાથે મહિલા પૂજારી પણ ભગવાનની પૂજા-અર્ચના અને શ્રૃંગાર કરે છે. ઉર્ગમ ઘાટી સમુદ્રની સપાટીથી લગભગ 10,000 ફૂટની ઊંચાઈએ આવેલી છે. અહીં આવેલા ફ્યુલાનારાયણ મંદિરના કપાટ આ વર્ષે 17 જુલાઈના રોજ ખુલી રહ્યા છે. 

ઉર્ગમ ઘાટીમાં આવેલું છે આ અનોખું મંદિર
ચમોલી-ગઢવાલ જિલ્લામાં આવેલી ઉર્ગમ ઘાટીને કલ્પક્ષેત્ર પણ કહેવામાં આવે છે. તેનું કુદરતી સૌંદર્ય અનોખું છે. આ ઘાટીમાં પંચકેદાર કલ્પનાથ, સપ્ત બદ્રીમાં ધ્યાન બદ્રીનું મંદિર પણ આવેલું છે. સૌથી પ્રાચીન એવા ફ્યુલાનારાયણ મંદિરના કપાટ આ વર્ષે 17 જુલાઈથી ખુલશે. આ મંદિરમાં ભેંટા ગામના પૂર્ણ સિંહ મમગાઈ મુખ્ય પૂજારી છે. મહિલા પૂજારી પાર્વતી કડવાલ મંદિરમાં રહેલા ભગવાન નારાયણના શ્રૃંગારનું કામ કરે છે. લગભગ દોઢ મહિના સુધી રંગબેરંગી ફૂલોથી ભગવાન નારાયણનો દરરોજ શ્રૃંગાર કરવામાં આવે છે. 

પ્રથમ મંદિર જ્યાં મહિલા પૂજારી છે 
ફ્યુલાનારાયણ મંદિરના કપાટ દર વર્ષે શ્રાવણ મહિનાની સંક્રાતિના રોજ ખુલે છે અને દોઢ મહિના પછી નંદા અષ્ટમીના રોજ એક વર્ષ માટે આ મંદિરના કપાટ બંધ થઈ જાય છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર મહિલા પૂજારી દ્વારા પૂજા-અર્ચનાની પરંપરા સદીઓથી ચાલી આવે છે અને ગામના લોકો સંપૂર્ણ ધાર્મિક રીત-રિવાજ સાથે તેનું પાલન કરે છે. 

એવી માન્યતા છે કે ભગવાન બદ્રીવિશાલ માટેનું ભોજન ઉર્ગમ ઘાટીમાં તૈયાર કરાતું હતું. જેને ફ્યુલાનારાયણ બકરીઓની મદદથી ભગવાન સુધી પહોંચાડતા હતા. અહીં દર વર્ષે પૂજાની સામગ્રી માટે ભર્કી, પિલખી, ગ્વાણા અને અરોલી ગામમાંથી કોઈ પરિવારનો વારો આવે છે. ગામમાં જે ગાય દૂધાળી હોય તેને અહીં પહોંચાડી દેવાય છે. 

મહિલા પૂજારી પાછળની કહાની
ફ્યુલાનારાયણ મંદિરમાં મહિલા પૂજારી હોવા પાછળની કહાની અત્યંત રોચક છે. એવી માન્યતા છે કે, સ્વર્ગની અપ્સરા ઉર્વશી ઉર્ગમ ઘાટીમાં ફૂલો લેવા પહોંચી તો તેને અહીં ભગવાન વિષ્ણુ ફરતા જોવા મળ્યા હતા. અપ્સરાએ ભગવાન વિષ્ણુને અહીંના રંગબેરંગી ફૂલોથી બનેલી માળા અર્પણ કરી અને વિવિધ ફૂલોથી તેમનો શ્રૃંગાર કર્યો. ત્યારથી અહીં ભગવાનનો શ્રૃંગાર મહિલાઓના હાથે કરાવવાની પરંપરા શરૂ થઈ. 

ફ્યુલાનારાયણ મંદિર કેવી રીતે જશો?
ફ્યુલાનારાયણ મંદિર ઉત્તારખંડના ચમોલી જિલ્લાની ઉર્ગમ ઘાટીમાં આવેલું છે. દહેરાદૂનથી ઋષિકેશ થઈને બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જોશીમઠથી 12 કિમી પહેલા હેલંગ થઈને ઉર્ગમ ઘાટીનો રસ્તો આવે છે. હેલંગ ખાતેથી ઉર્ગમ ઘાટી માટેની એક અલગ સડક બનેલી છે. ઉર્ગમ ઘાટી તરફના રસ્તા પર લગભગ 12 કિમીની મુસાફરી કર્યા પછી કલ્પનાથ મંદિર આવ છે. આ કલ્પનાથ મંદિરથી લગભગ 4 કિમી દૂર ફ્યુલાનારાયણ મંદિર આવેલું છે. ભેંટા અને ભર્કી ગામ થઈને પણ આ મંદિર સુધી જવાનો રસ્તો છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news