NRC પર અમિત શાહનું મોટું નિવેદન, 'સમગ્ર દેશમાં લાગુ થશે, કોઈએ ડરવાની જરૂર નથી'

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)થી કોઈએ ડરવાની જરૂર નથી અને તે આખા દેશમાં લાગુ કરવામાં આવશે.

NRC પર અમિત શાહનું મોટું નિવેદન, 'સમગ્ર દેશમાં લાગુ થશે, કોઈએ ડરવાની જરૂર નથી'

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)થી કોઈએ ડરવાની જરૂર નથી અને તે આખા દેશમાં લાગુ કરવામાં આવશે. રાજ્યસભામાં આજે એક સવાલના જવાબમાં શાહે કહ્યું કે "NRCમાં એવી કોઈ જોગવાઈ નથી, જેમાં એવું કહેવાયું હોય કે તેમાં બીજા ધર્મના લોકોને સામેલ કરવામાં આવશે નહીં." તેમણે કહ્યું કે તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને કોઈએ પણ તેનાથી ડરવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે NRC હાલ આસામમાં લાગુ છે. તેના પર પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે પશ્ચિમ બંગાળમાં NRC લાગુ થવા દઈશું નહીં. 

આ સાથે જ જમ્મુ અને કાશ્મીરના તાજા હાલાતની જાણકારી રાજ્યસભામાં આપતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે પાંચ ઓગસ્ટના રોજ આર્ટિકલ 370 હટાવાયા બાદથી કોઈ પણ વ્યક્તિનો જીવ પોલીસ ફાયરિંગમાં ગયો નથી. હાલાત સતત સુધરી રહ્યાં છે. કોઈ પણ પોલીસ સ્ટેશન હદમાં કરફ્યુ નથી. દવાઓની કોઈ કમી નથી. બધી શાળાઓ ખુલ્લી છે. બધી હોસ્પિટલો પણ ખુલ્લી છે. ઈન્ટરનેટ સેવાઓ જલદી બહાલ થવી જોઈએ પરંતુ આ નિર્ણય સ્થાનિક પ્રશાસને લેવાનો છે. કાશ્મીરની તમામ ઓફિસો ખુલ્લી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પથ્થરબાજીમાં ઘટાડો થયો છે. 

આંધ્ર પ્રદેશથી કોંગ્રેસના સાંસદ ટી સુબ્રમણ્યમ રેડ્ડીએ પૂછ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં જો બધુ સામાન્ય છે તો પછી કલમ 144 લાગુ કેમ છે? અમિત શાહે તેનો જવાબ આપતા કહ્યું કે કેટલાક સ્થળોએ લાગુ છે. કાશ્મીરના 195 પોલીસ સ્ટેનની હદમાં કલમ 144 લાગુ નથી. ઈન્ટરનેટ સેવાઓ બહાલ કરવાના મુદ્દે ત્યાના પ્રશાસન દ્વારા યોગ્ય સમયે સમીક્ષા બાદ જ નિર્ણય લેવાશે. પાડોશી દેશની ગતિવિધિઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લઈશું. 

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે 5 ઓગસ્ટ બાદ શાળાઓ અને કોલેજો સૌથી વધુ પ્રભાવિત છે. શાળાઓ  ખુલ્લી છે પરંતુ હાજરી ઓછી છે. સ્વાસ્થ્ય બીજી મોટી સમસ્યા છે. ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ છે. અમિત શાહે  જવાબ આપતા કહ્યું કે આઝાદસાહેબ સાથે હું સહમત છું કે ઈન્ટરનેટ જરૂરી છે. પરંતુ અતીત પર જો નજર નાખીએ તો આખા દેશભરમાં ઈન્ટરનેટ સેવાઓ 1995-96માં આવી. કાશ્મીરમાં મોબાઈલ સેવાઓ ભાજપ સરકારે 2003માં શરૂ કરી. 2002થી ઈન્ટરનેટની મંજૂરી અપાઈ. જ્યાં સુધી દેશની સુરક્ષાનો સવાલ છે, આતંકવાદ વિરુદ્ધ લડાઈનો સવાલ છે, ત્યાં આપણે ક્યાંકને ક્યાંક પ્રાથમિકતા નક્કી કરવી પડે છે. જ્યારે યોગ્ય લાગશે ત્યારે ઈન્ટરનેટ ચાલુ કરી દેવાશે. 

જુઓ LIVE TV

પીડીપી નેતા નઝીર અહેમદે પણ બાળકોના શિક્ષમ અને દવાઓની ઉપલબ્ધતાનો મુદ્દો ઉઠાવ્યો. અમિત શાહે કહ્યું કે દવાઓની કોઈ અછત નથી. સ્વાસ્થ્ય સેવાઓ પણ પૂરતી ઉપલબ્ધ છે. શ્રીનગરમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 7 લાખથી વધુ OPD થઈ. એનસીપી નેતા માજીદ મેમણે લો અને ઓર્ડરની સ્થિતિ પર સવાલ પૂછ્યો. અમિત શાહે કહ્યું કે ત્યાં સ્થિતિ સામાન્ય જ છે. દેશ અને દુનિયામાં અનેક પ્રકારના ભ્રમ ફેલાયેલા છે. જ્યાં સુધી કાયદા વ્યવસ્થાની વાત છે તો 5 ઓગસ્ટ બાદ ત્યાં એક પણ વ્યક્તિનો જીવ પોલીસ ફાયરિંગમાં ગયો નથી. જ્યારે લોકોએ તો કહ્યુ હતું કે ત્યાં લોહીની નદીઓ વહી જશે. પથ્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગત વર્ષે  802 જેટલી ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વખતે પથ્થરબાજીની 544 જેટલી ઘટનાઓ ઘટી. બધી શાળાઓ ખુલ્લી છે. 98 ટકાથી વધુ બાળકોએ ભાગ લીધો. રાશન, અનાજ, પેટ્રોલની વ્યવસ્થા છે. ખેડૂતોને કોઈ મુશ્કેલી હશે તો નાફેડે વ્યવસ્થા કરી છે. 

ગુલામનબી આઝાદના વારંવાર હસ્તક્ષેપ પર અમિત શાહે  કહ્યું કે આંકડાઓને પડકારો. સત્યને બદલી શકાય નહીં. તમે રેકોર્ડ પર ચેલેન્જ કરો. તેમણે કહ્યું કે ઉર્દૂ, ઈંગ્લિશના તમામ અખબારો, મીડિયા ચાલુ છે. બેંકિંગ સુવિધાઓ પણ ચાલુ છે. ખીણમાં મોટાભાગના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહે છે. સવારે ખુલે છે, બપોરે બંધ થાય છે અને સાંજે ફરી  ખુલે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news