અયોધ્યા વિવાદ : સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રાટરને 6 મેના રોજ આ રિપોર્ટ સિલબંધ કવરમાં સોંપી દેવાયો છે
 

અયોધ્યા વિવાદ : સુપ્રીમે મધ્યસ્થતા સમિતિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો

નવી દિલ્હીઃ રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ અયોધ્યા રામ-જન્મભૂમી બાબરી મસ્જિદ જમીન વિવાદનો સર્વમાન્ય ઉકેલ લાવવા માટે સર્વોચ્ચ અદાલત દ્વારા રચવામાં આવેલી ત્રણ સભ્યોની મધ્યસ્થતા સમિતિએ સિલબંધ કવરમાં પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપી દીધો છે. આ ઘટના સાથે સંકળાયેલા સુત્રએ જણાવ્યું કે, 6 મેના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને સિલબંધ કવરમાં રિપોર્ટ સોંપી દેવાયો હતો.

આ કેસની સુનાવણી દરમિયાન મધ્યસ્થથા સમિતિ દ્વારા વિવાદનું યોગ્ય અને સચોટ સમાધાન મેળવવા માટે 15 ઓગસ્ટ સુધીના સમયની માગણી કરવામાં આવી હતી. જેને સર્વોચ્ચ અદાલતે માન્ય રાખીને મધ્યસ્થતા સમિતિને 15 ઓગસ્ટ, 2019 સુધીનો સમય લંબાવી આપ્યો છે. સાથે જ આ વિવાદ સાથે સંકળાયેલા તમામ પક્ષોને તેમને જે કોઈ વાંધા હોય તે 30 જૂન સુધીમાં આ સમિતિ સમક્ષ રજૂ કરી દેવા જણાવ્યું છે.

5 સભ્યોની બેન્ચ કરશે સુનાવણી
મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ, ન્યાયાધિશ એસ.એ. બોબડે, ન્યાયાધિશ ધનન્જય વાય. ચંદ્રચૂડ, ન્યાયાધિશ અશોક ભૂષણ અને ન્યાયાધિશ એસ. અબ્દુલ નઝીર. 

11.10 AM : મધ્યસ્થતા સમિતિને તેમની મધ્યસ્થી તરીકેની પ્રક્રિયામાં અત્યાર સુધી કોઈ મુશ્કેલી નડી નથીઃ સુપ્રીમ કોર્ટ

11.05 AM : સુપ્રીમની 5 સભ્યોની બેન્ચે બંને પક્ષો તરફથી હાજર રહેલા વકીલોને જણાવ્યું કે, "આ મુદ્દે છેલ્લા અનેક વર્ષોથી પડતર છે અને ચાલ્યો આવે છે. તો પછી આપણે મધ્યસ્થતા સમિતિને શા માટે વધુ સમય ન આપવો જોઈએ?"

11.00 AM : હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષો તરફથી આ કેસમાં હાજર રહેતા વકીલોએ મધ્યસ્થતા સમિતિની પ્રક્રિયામાં વિશ્વાસ મુક્યો. તેમણે જણાવ્યું કે, તેઓ આ સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. 

10.55 AM : સુપ્રીમ કોર્ટે તમામ પક્ષોને તેમના જે કોઈ વાંધા હોય તે સમિતિ સમક્ષ 30 જુન સુધી રજૂ કરી દેવા આદેશ આપ્યો.  

10.49 AM: જો ત્રણ મધ્યસ્થીઓને આશા છે કે તેઓ સમસ્યાનું સચોટ સમાધાન કરી શકે એમ છે તો પછી તેમને 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં શો વાંધો છે?

10.48 AM: મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈઃ અત્યાર સુધી કેટલી પ્રગતિ થઈ છે એ અમે આપને જણાવી શકીએ નહીં, કેમ કે તે અત્યંત ગુપ્ત છે. 

10.45 AM: આથી એ સ્પષ્ટ થાય છે કે, સુપ્રીમ કોર્ટ અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા 2010માં આવેલા ચૂકાદાથી જૂદો મત ધરાવે છે. જેમાં વિવાદિત જમીનને રામ લલ્લા, નિરમોહી અખાડા અને સુન્ની વક્ફ બોર્ડને સમાન રીતે વહેંચવાનો આદેશ અપાયો હતો. 

10.40 AM: સુપ્રિમ કોર્ટે જણાવ્યું કે તેમને મધ્યસ્થતા સમિતીનાના ચેરમેન ન્યાયાધિશ એફ.એમ. કલીફૂલ્લા તરફથી વિનંતી મળી છે કે તેમને આ મુદ્દાનું યોગ્ય સમાધાન શોધવા માટે 15 ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવે. આથી સુપ્રીમ કોર્ટ તેમને 15 ઓગસ્ટ સુધીનો સમય આપે છે.  

સર્વોચ્ચ અદાલતે આ ઘટનામાં સર્વમાન્ય સમાધાન શોધવા માટે 8 માર્ચના રોજ એક મધ્યસ્થતા સમિતિની રચના કરી હતી. જેમાં પૂર્વ ન્યાયાધિશ એફ.એમ. કલીફુલ્લાની અધ્યક્ષતામાં આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરક અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુ સહિતની ત્રણ સભ્યોની સમિતિ રચવામાં આવી હતી. 

સર્વોચ્ચ અદાલતે આ સમિતિને બંધ રૂમમાં પોતાની કાર્યવાહી કરવા અને 8 સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ આપ્યો હતો. બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે તેને આ વિવાદના સંભવિત સમાધાન માટે મધ્યસ્થતાના સંદર્ભમાં કોઈ 'કાયદાકીય અડચણ' દેખાતી નથી. 

જોકે, નિર્મોહી અખાડા સિવાય અન્ય હિન્દુ સંગઠનો અને ઉત્તરપ્રદેશ સરકારે મધ્યસ્થતા સમિતિની રચનાનો વિરોધ કર્યો હતો, જ્યારે મુસ્લિમ સંગઠનોએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે આ અંગે જણાવ્યું હતું કે, મધ્યસ્થતા સમિતિની કાર્યવાહી 'અત્યંત ગુપ્ત' રીતે થવી જોઈએ, જેથી તેની સફળતા સુનિશ્ચિત થઈ શકે. મધ્યસ્થીઓ સહિત કોઈ પણ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા અભિપ્રાય ગુપ્ત રાખવાના રહેશે અને કોઈ અન્ય વ્યક્તિ સામે તેનો ખુલાસો કરવાનો રહેશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news