Farmers Protest LIVE: ખેડૂત નેતાઓ મક્કમ, 10 પેજનો ડ્રાફ્ટ સરકારને સોંપ્યો, જણાવી કાયદા પર આપત્તિઓ
સૂત્રોના જણાવ્યાં મુજબ ચોથા તબક્કાની વાતચીત બાદ સરકાર 3 મંત્રાલયોના ઓફિસરોની ટીમ બનાવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદા ( Agriculture Law)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers) આજે બપોરે 12 વાગે સરકાર સાથે ચોથા તબક્કાની વાતચીત કરશે. આ બાજુ કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે (Narendra Singh Tomar) ફરીથી ખેડૂતોને આંદોલન રોકવાની અપીલ કરી છે. કૃષિમંત્રીએ કહ્યું કે રસ્તા જામ થવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.
LIVE UPDATES...
- ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતમાં ખેડૂત નેતાઓ હજુ પણ પોતાની વાત પર મક્કમ છે. બેઠકમાં સરકાર તરફથી એક નાનકડું પ્રેઝન્ટેશન જાણકારી માટે આપવામાં આવ્યું. પરંતુ મોટાભાગના ખેડૂત નેતાઓ જ બોલવા માંગે છે. તેવર ખુબ કડક છે. આથી ત્રણેય મંત્રીઓ અને અધિકારીઓ તેમની વાતો સાંભળી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા તરફથી એક 10 પાનાનો ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને આપવામાં આવ્યો છે. જેમાં કૃષિ કાયદા પર આપત્તિઓ જણાવવામાં આવી છે.
- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે સમય માંગ્યો.
- વિજ્ઞાન ભવનમાં બેઠક ચાલુ છે. જેમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ સરકાર પાસે MSPની ગેરંટી માટે કાયદો બનાવવાની માગણી કરી.
- પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. કેપ્ટન અમરિન્દરે ગૃહમંત્રી સાથે વાતચીત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત ચાલુ છે. મે ગૃહમંત્રી અમિત શાહને પણ આ સમસ્યાનો જલદી ઉકેલ લાવવાની ભલામણ કરી છે. કારણ કે મારા પ્રદેશની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રની સુરક્ષા બંને પ્રભાવિત થઈ રહ્યા છે.
- સરકાર અને ખેડૂતો વચ્ચે ચોથા રાઉન્ડની વાતચીત શરૂ થઈ ગઈ છે. બેઠકમાં 40 ખેડૂત સંગઠનોના નેતાઓ સામેલ છે. કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલવે મંત્રી પિયુષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગરાજ્ય મંત્રી સોમ પ્રકાશ ખેડૂતો સાથે વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે ઉકેલ આવવાની આશા વ્યક્ત કરી છે.
- કેન્દ્ર સરકાર સાથે ચોથા રાઉન્ડની વાતચીત માટે ખેડૂત નેતા સિંઘુ બોર્ડરથી બસમાં રવાના થઈ ચૂક્યા છે. બપોરે 12 વાગે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક થશે. ખેડૂતોએ કહ્યું કે દરેક વાત મનાવીને જ પાછા ફરીશું.
- NH-24 રોડ ખેડૂતોએ જામ કરી દીધો છે. ખેડૂતોએ રસ્તા વચ્ચે બેસીને ધરણા શરૂ કરી દીધા છે. સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. ગાઝિયાબાદ-મેરઠથી દિલ્હી જનારા રસ્તા પર ખેડૂતો બેઠા છે. ઘરેથી ઓફિસે અને જરૂરી કામે નીકળનારા લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
- આ બાજુ એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, MSP અંગે કાયદો બનવો જોઈએ. કેન્દ્ર ખેડૂતોની અવગણના કરે છે. મોદી સરકારે સમજવું પડશે કે ખેડૂતોને જાતિમાં વહેંચી શકાય નહીં. ખેડૂત એ ખેડૂત હોય છે. ભાજપ ખેડૂતોની પાર્ટી નથી. ખેડૂતોની લૂંટ ચલાવનારી પાર્ટી છે. ખેડૂતોની માગણીઓને સરકારે ગંભીરતાથી લેવી પડશે.
- કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગરાજ્ય મંત્રી સોમ પ્રકાશે ZEE NEWS સાથે વાતચીતમાં કહ્યું કે MSP પર સરકારને લેખિતમાં આપવામાં કોઈ વાંધો નથી. સરકાર ખુલ્લા મનથી ખેડૂતો સાથે દરેક સમસ્યા પર વાતચીત માટે તૈયાર છે. ખાલિસ્તાની નારા લાગવા એ દુર્ભાગ્યપૂર્ણ છે. ખેડૂત યુનિયનોએ આવા તત્વોને રોકવા જોઈએ.
- સૂત્રોના જણાવ્યાં મુજબ MSP ને લઈને સરકારનું વલણ સકારાત્મક છે. MSP ખતમ નહીં થાય. સરકાર લેખિતમાં આપી શકે છે. ઓછી જમીનવાળા ખેડૂતોને MSPની ગેરંટી મળી શકે છે. સરકારે સંસદના વિશેષ સત્રને બોલાવવાની જરૂર નથી.
- ગુજરાત અને રાજસ્થાનના ખેડૂતો પણ આજે સવારે દિલ્હી પહોંચ્યા છે.
- ગુરુગ્રામ પોલીસે ટ્રાફિક એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હી જવા માટે વૈકલ્પિક રસ્તા નક્કી કર્યા છે. દિલ્હી ગુરુગ્રામ બોર્ડરથી ખેડૂતો દિલ્હી જઈ શકશે નહીં.
- દિલ્હી-નોઈડા બોર્ડર આજે પણ બંધ છે. દિલ્હી નોઈડા બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શનનો આજે ત્રીજો દિવસ છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની માગણીઓ લેખિતમાં ન સ્વીકારાય ત્યાં સુધી તેઓ આંદોલન કરતા રહેશે. આગામી કેટલાક કલાકોમાં દિલ્હી નોઈડા બોર્ડર પર ખેડૂતોની સંખ્યા વધવાની આશંકા છે. ઉત્તર પ્રદેશના અલગ અલગ ગામથી ખેડૂતો નોઈડા તરફ નીકળી ચૂક્યા છે.
અધિકારીઓની સમિતિ બનાવી શકે છે સરકાર
ખેડૂતો અને સરકારની વાતચીત અગાઉ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ (Capt Amarinder Singh) આજે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ને મળશે. બંને નેતાઓ વચ્ચે સવારે 9 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે વાતચીત થઈ શકે છે. આ વાતચીતમાં ખેડૂત આંદોલનના ઉકેલ પર સહમતિ બની શકે છે. આ અગાઉ ગતિરોધ તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહ સાથે કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની બેઠક થઈ હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ ચોથા તબક્કાની વાતચીત બાદ સરકાર 3 મંત્રાલયોના ઓફિસરોની ટીમ બનાવી શકે છે.
સરકાર સમજાવશે,ખેડૂતો સમજશે?
- ખેડૂતો સાથે સરકારના સચિવ સ્તરના અધિકારીઓ ચર્ચા કરશે.
- આ ટીમમાં કૃષિ, ગૃહ અને વાણિજ્યા મંત્રાલયના ઓફિસરો હશે.
- આ અધિકારીઓ કૃષિ કાયદા પર ખેડૂતોની આશંકાઓ દૂર કરશે.
ખેડૂતોએ કૃષિ કાયદો પાછો ખેચવાની માગણી કરી
વાતચીત અગાઉ અનેક ખેડૂત સંગઠનોએ સરકાર પાસે સંસદનું વિશેષ સત્ર બોલાવાની કાયદો પાછો ખેચવાની માગણી કરી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે આજે પણ દિલ્હીના હરિયાણા અને યુપી સરહદના વિસ્તારોમાં ટ્રાફિક જામ રહી શકે છે. દિલ્હી-નોઈડા બોર્ડર પર હજુ પણ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયેલા છે. ત્યારબાદ કોઈ અપ્રિય સ્થિતિ ટાળવા માટે પ્રશાસને રસ્તા બંધ કરી દીધા છે.
સિંધુ અને ટીકરી બોર્ડર બંધ
દિલ્હી બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે સતત 8મો દિવસ છે. સિંઘુ બોર્ડરથી યુપી ગેટ સુધી દિલ્હીના બહારના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા છે. ખેડૂતો સતત દિલ્હીની અંદર ઘૂસવાની કોશિશ કરી રહ્યા છે. યુપી ગેટ પર જામેલા પશ્ચિમ યુપીના ખેડૂતોએ આજે મહાપંચાયત બોલાવી છે.
ચંડીગઢમાં પોલીસે કર્યો વોટરકેનનનો ઉપયોગ
ચિલ્લા બેરાજવાળા દિલ્હી-નોઈડા બોર્ડરને ગઈ કાલે થોડીવાર માટે ખોલવામાં આવી હતી. પરંતુ હંગામો વધતા ફરીથી બંધ કરી દેવાઈ. આ બાજુ ચંડીગઢમાં બુધવારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નિવાસસ્થાનને ઘેરાવો નાખ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમના પર વોટરકેનનનો ઉપયોગ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે