ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે આખરે થયું શું? તમામ સવાલોના 3 દિવસમાં મળશે જવાબ!, જાણો કઈ રીતે

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ગણતરીની પળો પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું. વિક્રમ સાથે ખરેખર શું બન્યું, તે ક્યાં છે અને કઈ હાલાતમાં છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે આખરે થયું શું? તમામ સવાલોના 3 દિવસમાં મળશે જવાબ!, જાણો કઈ રીતે

નવી દિલ્હી: ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ગણતરીની પળો પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું. વિક્રમ સાથે ખરેખર શું બન્યું, તે ક્યાં છે અને કઈ હાલાતમાં છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. જો કે ઓર્બિટર પર લાગેલા અત્યાધુનિક ઉપકરણોની મદદથી આ બધા સવાલોના જવાબ જલદી મળી શકે તેમ છે. ઈસરોના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે આગામી 3 દિવસોમાં વિક્રમ ક્યાં છે અને કઈ હાલાતમાં છે તેની ખબર પડી શકે છે. 

3 દિવસ બાદ તે જ પોઈન્ટ પરથી પસાર થશે ઓર્બિટર
અંગ્રેજી અખબાર સાથે વાતચીતમાં સીનિયર વૈજ્ઞાનિકે જણાવ્યું કે 3 દિવસમાં લેન્ડર વિક્રમ અંગે જાણકારી મળવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે લેન્ડરનો જે જગ્યાએથી સંપર્ક તૂટ્યો હતો તે જગ્યાએ પહોંચતા ઓર્બિટરને 3 દિવસ લાગશે. અમને લેન્ડિંગ સાઈટની જાણકારી છે. છેલ્લી પળોમાં વિક્રમ પોતાના રસ્તેથી ભટકી ગયું હતું આથી અમે ઓર્બિટરના 3 ઉપકરણો (SAR) સિન્થેટિક અપર્ચર રડાર, IR સ્પેક્ટ્રોમીટર અને કેમેરાની મદદથી 10X10 કિમીનો વિસ્તાર ચકાસશે. વિક્રમની ભાળ મેળવવા માટે અમારે તે વિસ્તારની હાઈ રિઝોલ્યુશન તસવીરો લેવી પડશે. 

જો ટુકડાંમાં ફેરવાઈ ગયું હશે વિક્રમ તો શોધવું મુશ્કેલ
વૈજ્ઞાનિકે એ પણ સ્પષ્ટ કર્યું કે જો વિક્રમનું ક્રેશ લેન્ડિંગ થયું હશે અને તે ટુકડે ટુકડા થઈ ગયું હશે તો તેની  ભાળ મળવાની શક્યતા ઓછી રહેશે. જો કે જો તેના કમ્પોનન્ટને નુકસાન નહીં પહોંચ્યું હોય તો હાઈ રિઝોલ્યુશન તસવીરો દ્વારા તેની  ભાળ મેળવી શકાશે. ઈસરો ચીફ કે. સિવને પણ કહ્યું છે કે આગામી 14 દિવસ સુધી લેન્ડર વિક્રમનો સંપર્ક સાધવાની સતત કોશિશ કરવામાં આવશે. ઈસરોની ટીમ સતત મિશનના કામમાં લાગેલી છે. આવામાં દેશને એવી આશા છે કે આગામી 14 દિવસમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. 

વિક્રમ મળી આવે તેવી હજુ પણ સંભાવના, કોશિશ ચાલુ-ઈસરો ચીફ
ઈસરો ચીફ કે.સિવને પણ કહ્યું કે લેન્ડર વિક્રમ મળી આવે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે ઓર્બિટરની ઉંમર એક વર્ષ નહીં પરંતુ સાડા 7 વર્ષથી વધુ છે. પહેલા કહેવાયું હતું કે એક વર્ષની છે. તેનું કારણ એ છે કે તેની પાસે ઘણું ફ્યુલ વધેલુ છે. ઓર્બિટર પર લાગેલા ઉપકરણો દ્વારા લેન્ડર વિક્રમની ભાળ મળી જાય તેવી શક્યતા વધુ છે. 

ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર, રોવર ન કરી શકે
ચંદ્રયાન-2 પોતાના લક્ષ્યાંકમાં લગભગ 95 ટકા સફળ થયું છે. 2008ના ચંદ્રયાન-1 મિશન પ્રોજેક્ટ ડાઈરેક્ટર અને ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક એમ.અન્નાદુરાઈએ એક અખબારને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે ઓર્બિટર તમામ એ વસ્તુ કરશે જે લેન્ડર અને રોવર કરી શકે નહીં. તેમણે કહ્યું કે રોવરનો રિસર્ચ એરિયા 500 મીટર સુધીનો હોય છે. જ્યારે ઓર્બિટર તો લગભગ 100 કિમીની ઊંચાઈથી સમગ્ર ચંદ્રનું મેપિંગ કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news