મહારાષ્ટ્રમાં બંધારણનો મજાક ઉડાવાનો પ્રયાસ કરાયો છેઃ અહેમદ પટેલ
Trending Photos
મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવાનો નિર્ણય લેવા માટે એનસીપી અને કોંગ્રેસની મોડી સાંજે બેઠક મળી હતી. ત્યાર પછી બંને પક્ષોની સંયુક્ત પત્રકાર પરિષદમાં કહેવાયું કે, શિવસેનાએ ટેકો મેળવવા માટે તેમનો 11 નવેમ્બરના રોજ સંપર્ક કર્યો હતો. આથી, જ્યાં સુધી બંને પક્ષો વચ્ચે વાટાઘાટો નક્કી ન થાય અને કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા ન થઈ જાય ત્યાં સુધી અંતિમ નિર્ણય લઈ શકાય નહીં.
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, "શિવસેના દ્વારા અમારો સૌથી પહેલો સંપર્ક 11 નવેમ્બરના રોજ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ અને એનસીપીના સિનીયર નેતાઓ વચ્ચે આજે બેઠક મળી છે. આ મુદ્દા પર અમે હજુ આગળ ચર્ચા કરીશું અને ત્યાર પછી અંતિમ નિર્ણય લઈશું."
કોંગ્રેસના નેતા અહેમદ પટેલે અહીં જણાવ્યું કે, "રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની જરૂર ન હતી. રાજ્યપાલે ભાજપ, શિવસેના અને એનસીપીને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ કોંગ્રેસને હજુ સુધી આમંત્રણ આપ્યું નથી. રાજ્યમાં બંધારણનો મજાક ઉડાવાનો પ્રયાસ કરાયો છે. આ સરકારે રાષ્ટ્રપતિ શાસન અંગેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક વખત ભંગ કર્યો છે. અમે અમારા ચૂંટણીના ભાગીદાર પક્ષ એનસીપી સાથે વિવિધ મુદ્દે ચર્ચા કર્યા પછી શિવસેના સાથે વાટાઘાટો કરીશું."
એનસીપીના નેતા શરદ પવારે જણાવ્યું કે, "અમે મહારાષ્ટ્રમાં બીજી વખત તાત્કાલિક ચૂંટણી યોજાય એવું ઈચ્છતા નથી. અમને સરકાર રચવાની કોઈ ઉતાવળ પણ નથી. અમે કોંગ્રેસ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરીશું અને તેના પછી જ કોઈ અંતિમ નિર્ણય લઈશું. શિવસેના સાથે સરકારની રચના કરતા પહેલાં કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવી જરૂરી છે."
શરદ પવારે વધુમાં જણાવ્યું કે, "અમારી વિચારધારાઓ અલગ છે, જેના કારણે અમારે કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવી જરૂરી છે. જ્યાં સુધી વિવિધ મુદ્દાઓનું સમાધાન નહીં જાય, કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી નહીં થાય ત્યાં સુધી અમે આગળ નહીં વધીએ."
જુઓ LIVE TV....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે