West Bengal Election 2021: આખા દેશની નજર પ.બંગાળની આ એક બેઠક પર, TMC અને BJP માટે બની છે 'નાકની લડાઈ'!

West Bengal: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની આ એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર છે. જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નક્કી કરશે એવું પણ મનાય છે. આ બેઠક જીતવી એ ભાજપ અને ટીએમસી માટે પ્રતિષ્ઠાની લડત બની ગઈ છે. 

West Bengal Election 2021: આખા દેશની નજર પ.બંગાળની આ એક બેઠક પર, TMC અને BJP માટે બની છે 'નાકની લડાઈ'!

કોલકાતા: 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં એક બેઠક એવી છે જેના પર આખા દેશની નજર ટકેલી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે અહીંથી 2021ની વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)  લડવાની જાહેરાત કરી છે અને મમતા Mamata Banerjee ની જાહેરાતના એક દિવસ બાદ શનિવારે ભાજપે અહીંથી મમતા વિરુદ્ધ શુવેન્દુ અધિકારીને પોતાના ઉમેદવાર બનાવી દીધા. 

નંદીગ્રામમાં મહાસંગ્રામ
ભાજપે (BJP)  બંગાળના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં શુવેન્દુ અધિકારી (Suvendu Adhikari) પણ સામેલ છે. નંદીગ્રામ (Nandigram) સીટથી ભાજપની ટિકિટ પર શુવેન્દુ અધિકારી ચૂંટણી લડશે. એક સમયે આ જ શુવેન્દુ અધિકારી ટીએમસીનો મોટો ચહેરો હતા અને મમતા બેનર્જી (Mamata Banerjee) ના સૌથી નીકટના નેતા ગણાતા હતા. 

સીટનું સમીકરણ સમજો
નંદીગ્રામનું સમીકરણ સમજવા માટે તમારે આ સીટના  છેલ્લા 3 ચૂંટણી પરિણામ પર નજર ફેરવવી પડશે. 2007નમાં પહેલા તૃણમૂલ કોંગ્રેસનું વર્ચસ્વ એટલું દમદાર નહતું, જેટલું નંદીગ્રામ આંદોલન બાદ થયું. 2006ની ચૂંટણીની વાત કરીએ તો આ સીટથી એસકે. ઈલિયાસ મોહમ્મદે મમતાની પાર્ટી ટીએમસીના એસકે સુપિયાને સાડા 5 હજાર મતોથી હરાવ્યા હતા. 

જો કે 2011ની ચૂંટણીમાં મમતાની પાર્ટીએ નંદીગ્રામથી જીત મેળવી તો દીદીને પણ પહેલીવાર સીએમની ખુરશી પર બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ વખતે ટીએમસીની ફિરોઝા બીબીએ સીપીઆઈના પરમાનંદ ભારતીને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા. 

ત્યારબાદ 2016ની ચૂંટણીની વાત કરીએ તો નંદીગ્રામથી ટીએમસીના બેનર હેઠળ શુવેન્દુ અધિકારી મેદાનમાં ઉતર્યા અને તેમણે સીપીઆઈના અબ્દુલ કબીર શેખને 81 હજાર 230 મતોથી હરાવ્યા. 

દીદી માટે ખતરાની ઘંટી?
મમતા બેનર્જીને ક્યાંક પોતાના આ નિર્ણય બદલ અફસોસ ન થઈ જાય કારણ કે 2016માં વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીએ ભવાનીપુર બેઠકથી 25 હજારથી વધુ મતોથી જીત મેળવી હતી. જ્યારે શુવેન્દુ અધિકારીએ 81 હજાર મતોથી હરીફને માત આપી હતી. આવામાં આંકડાથી સમજી શકાય કે પોતાના વિસ્તારમાં શુવેન્દુ અધિકારી સીએમ મમતા બેરર્જીથી વધુ શક્તિશાળી  છે. પરંતુ આ વાતને 5 વર્ષ વીતી  ગયા છે અને હવે તો શુવેન્દુ અધિકારીએ પાર્ટી પણ બદલી લીધી છે. આવામાં આ મુદ્દે કઈ પણ કહેવું મુશ્કેલ છે. 

નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે હું નંદીગ્રામથી ચૂંટણી લડશે. જે કહું છું તે પુરું પણ કરું છું. ભવાનીપુર મારી મુઠ્ઠીમાં રહે છે. ત્યાં કોઈ પણ આયોજન થાય તે હું જોઉ છું. નંદીગ્રામથી મમતાની ચૂંટણી લડવાની જાહેરાત પર ભાજપે પણ કહ્યું છે કે દીદી 50 હજાર મતોથી ચૂંટણી હારશે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રીયોએ કહ્યું હતું કે નંદીગ્રામમાં 50 હજાર મતોથી હરાવીશું. શુવેન્દુ લડે કે કોઈ બીજુ ભવાનીપુરથી ન લડ્યા કારણ કે તેમને ખબર પડી ગઈ કે તેઓ  ત્યાંથી જીતશે નહીં. 

મમતાએ કેમ કરી નંદીગ્રામની પસંદગી?
2011 અને 2016માં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની ભવાનીપુર સીટથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. આ વખતે તેમણે નંદીગ્રામની પસંદગી કરવા માટે ભવાનીપુરની સુરક્ષિત બેઠક છોડી દીધી. ટીએમસી અને ભાજપ બંને માટે નંદીગ્રામની સીટ આખરે નાકની લડાઈ બની ચૂકી હોય તેવું લાગે છે. 

નંદીગ્રામ શુવેન્દુનો ગઢ?
2016ની વિધાનસભા ચૂંટણીમાં શુવેન્દુ અધિકારી પૂર્વ મેદિનીપુર જિલ્લાની આ નંદીગ્રામ (Nandigram)  બેઠક પરથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. શુવેન્દુએ સીપીઆઈના અબ્દુલ કબીને સજ્જડ હાર આપી હતી. મમતાએ તેમને ઈનામમાં કેબિનેટ મંત્રીનું પદ આપ્યું હતું. પરંતુ ટીએમસીમાં ત્યારબાદ મમતાનો દબદબો વધતો ગયો અને ભત્રીજા અભિષેક બેનર્જીનો રૂતબો પણ વધતો ગયો. ટીએમસીમાં પરિવારવાદની બોલબાલા થવા લાગી અને પાર્ટીમાં શુવેન્દુ અધિકારી જેવા નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.  

શુવેન્દુ વિશે કહેવાય છે કે રાજ્યની 50 બેઠકો પર તેમના પરિવારની મજબુત પક્કડ છે. તેમણે ટીએમસીમાં સાઈડલાઈન થયા બાદ ભાજપ જોઈન કર્યું અને તેમનું ભાજપમાં જવું એ મમતા માટે મોટા ફટકા સમાન હતું. 

નંદીગ્રામનો ચૂંટણી સંગ્રામ
મમતા બેનર્જીએ ત્યારબાદ 18 જાન્યુઆરી 2021ના રોજ શુવેન્દુના ગઢ નંદીગ્રામમાં જઈને મોટી રેલી કરી અને પહેલીવાર નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. તે દિવસે મમતાએ કહ્યું હતું કે આ મારી ઈચ્છા છે કે ભવાનીપુરને હું છોડી શકું નહીં કારણ કે ત્યાંથી મને ખુબ  પ્રેમ મળે છે પરંતુ આ લોકોને કહીશ કે મારે નંદીગ્રામથી પણ ચૂંટણી લડવી છે. 

દીદીને ખુલ્લો પડકાર!
18 જાન્યુઆરી 2021ના રોજ ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ મમતાદીદીને ઓપન ચેલેન્જ ફેંકી હતી અને કહ્યું હતું કે અડધા લાખ મતોથી હરાવવામાં સફળ ન રહ્યો તો રાજકારણ છોડી દઈશ. 

નંદીગ્રામની બેઠક મમતા બેનર્જી માટે પુર્નજન્મ કેમ ગણવામાં આવે છે? રાજકીય વર્તુળોમાં આ વાતની ચર્ચા કેમ છે કે નંદીગ્રામથી મમતા બેનર્જી એકવાર ફરીથી બંગાળ ફતેહ કરવાનું સપનું જુએ છે? આ મહત્વનો સવાલ છે. પરંતુ તેનાથી પણ મોટો  પડકાર શુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પોતાનું નામ નક્કી થયા બાદ આપ્યો છે. શુવેન્દુએ કહ્યું કે અમે મિદનાપુરના પુત્રને ચાહીએ છીએ, બહારનાને નહીં. અમે તમને (મમતા બેનર્જી) ચૂંટણી મેદાનમાં જોઈ લઈશું. 2 મેના રોજ મમતા ચૂંટણી હારશે અને જશે. 

નંદીગ્રામ કેમ છે ખાસ?
વર્ષ 2006ના ડિસેમ્બર મહિનામાં નંદીગ્રામના લોકોને હલ્દિયા વિકાસ પ્રાધિકરણ (HDA) તરફથી નોટિસ પકડાવી દેવામાં આવી હતી કે નંદીગ્રામનો મોટો હિસ્સો જપ્ત કરી લેવાશે. જે હેઠળ 70 હજાર લોકોને તેમના ઘરમાંથી કાઢવાનો પ્લાન હતો. તે સમયે ભૂમિ સંપાદન વિરુદ્ધ આંદોલનની શરૂઆત થઈ અને ટીએમસીએ તેમાં આગળ પડતો ભાગ લીધો. 

14 માર્ચ 2007ના રોજ 14 ગ્રામીણો પર ગોળીઓ વરસાવવામાં આવી અને અનેક લોકો ગાયબ થયા. તૃણમૂલ કોંગ્રેસ આ આંદોલનમાં ડટીને રહી અને દીદીને રાજનીતિક રીતે આ આંદોલનથી સૌથી વધુ ફાયદો થયો. 

2009ની લોકસભા ચૂંટણીમાં મમતાની પાર્ટીએ 19 બેઠકો મેળવી. ત્યારબાદ 2010મા થયેલી કોલકાતા નગરપાલિકા ચૂંટણીમાં પણ મમતા બેનર્જીનો જલવો જોવા મળ્યો. TMC એ 141 બેઠકોમાંથી 97 બેઠકો મેળવી. 

લડાઈ થઈ રસપ્રદ
નંદીગ્રામ બેઠક પર બીજા તબક્કામાં મતદાન થશે. 1 એપ્રિલના રોજ નંદીગ્રામમાં મતદાન થશે અને જે રીતે મમતા બેનર્જી નંદીગ્રામના ચૂંટણી સંગ્રામમાં ઉતર્યા છે, ભાજપને પડકાર ફેંક્યો છે ત્યારબાદ નંદીગ્રામનું આ રાજકીય ઘમાસાણ વધુ રસપ્રદ બન્યું છે. 

નંદીગ્રામ એ સીટ છે જ્યાંથી 2011માં મમતાની સત્તાના દ્વાર ખુલ્યા છે. તે સીટ જ્યાં 2007માં મમતા બેનર્જીએ ખેડૂત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. ત્યારે શુવેન્દુ અધિકારીએ આ આંદોલનને મજબૂત બનાવ્યું હતું અને ટીએમસીની સરકાર બનવાનો રસ્તો ખુલ્યો હતો. પરંતુ આજે આ જ નંદીગ્રામની બેઠક માટે બંને નેતા એકબીજાને સામે ઊભા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news