જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને નેશનલ કોન્ફરન્સે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો
નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવવા અંગેના રાષ્ટ્રપતિના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે.
Trending Photos
નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સે જમ્મુ અને કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જો આપતી બંધારણની કલમ 370 હટાવવા અંગેના રાષ્ટ્રપતિના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યાં છે. નેશનલ કોન્ફરન્સે ભલામણ કરી છે કે જમ્મુ કાશ્મીર પુન:ગઠન અધિનિયમ 2019ને ગેરબંધારણીય જાહેર કરવા અંગે નિર્દેશ આપે. નેશનલ કોન્ફરન્સે પોતાની અરજીમાં કહ્યું છે કે આ નિર્ણય ગેરબંધારણીય છે. પાર્ટના બે સાંસદો અકબર લોન અને હસનૈન મસૂદીએ આ અરજી દાખલ કરી છે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારી કલમ 370ને હટાવવા માટે સંસદે હાલમાં જ મંજૂરી આપી. રાજ્યસભા બાદ લોકસભામાં પણ જમ્મુ કાશ્મીર પુન:ગઠન બિલ 2019 બહુમતીથી પસાર થઈ ગયું. આ બિલ પર ચર્ચા દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તે અંગે કોઈ કાયદાકીય કે બંધારણીય વિવાદ નથી. જમ્મુ કાશ્મીરે પણ સ્વીકાર કર્યો છે કે તે ભારતનું અભિન્ન અંગ છે.
જુઓ LIVE TV
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત બુધવારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370ની જોગવાઈઓને નાબુદ કરી હતી. અધિકૃત નોટિફિકેશનમાં કહેવાયું હતું કે "ભારતના બંધારણની કલમ 370ના ખંડ એક સાથે પઠિત કલમ 370ના ખંડ 3 દ્વારા પ્રદાન થયેલી શક્તિઓનો ઉપયોગ કરતા રાષ્ટ્રપતિ સંસદની ભલામણો પર એ જાહેરાત કરે છે કે છ ઓગસ્ટ 2019ના રોજથી ઉપરોક્ત કલમના ખંડ એક સિવાયના અન્ય તમામ ખંડ લાગુ થશે નહીં."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે