VVIP વિમાન ખરીદી પર હોબાળો મચાવીને રાહુલ ગાંધીએ 'કાચું કાપ્યું'? જાણો શું છે મામલો

સરકારી સૂત્રોએ જણાવ્યું કે બે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયે જ શરૂ થઈ હતી અને મોદી સરકારે તો બસ તેને અંજામ સુધી પહોંચાડી છે. આ ઉપરાંત આ વિમાન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ અન્ય વીવીઆઈપી માટે છે અને ઈન્ડિયન એરફોર્સના છે, પ્રધાનમંત્રીના નહીં. 

VVIP વિમાન ખરીદી પર હોબાળો મચાવીને રાહુલ ગાંધીએ 'કાચું કાપ્યું'? જાણો શું છે મામલો

નવી દિલ્હી: વીવીઆઈપી (VVIP) માટે 8 હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતે બે એરક્રાફ્ટની ખરીદી પર રાહુલ ગાંધીએ મંગળવારે કેન્દ્રની ભાજપના નેતૃત્વની સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે સરકારી સૂત્રોએ જણાવ્યું કે બે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયા યુપીએ સરકારના સમયે જ શરૂ થઈ હતી અને મોદી સરકારે તો બસ તેને અંજામ સુધી પહોંચાડી છે. આ ઉપરાંત આ વિમાન માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે નહીં પરંતુ અન્ય વીવીઆઈપી માટે છે અને ઈન્ડિયન એરફોર્સના છે, પ્રધાનમંત્રીના નહીં. 

2011માં શરૂ થઈ હતી VVIP વિમાન ખરીદની પ્રક્રિયા
સૂત્રોએ ઉલ્લેખ કર્યો કે વીવીઆઈપી વિમાનની ખરીદ પ્રક્રિયાની કવાયત 2011માં શરૂ થઈ હતી અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સના નિર્દેશો પર મીટિંગ ઓફ કમિટી સેક્રેટરીઝ (CoS)ની બેઠક થઈ હતી. 10 બેઠકો બાદ 2012માં પોતાની ભલામણો સોંપી હતી. તેમાં નિર્ણય લેવાયો હતો કે વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે ઉપલબ્ધ વિકલ્પોને એક ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપ (IMG)એક્ઝામિન કરશે. 

નવા નથી, હાલના B777 ER વિમાનોમાં કરાયા ખાસ ફેરફાર
તે જ વર્ષે ઈન્ટર મિનિસ્ટ્રિયલ ગ્રુપની રચના કરવામાં આવી. IMGની લગભગ 10 બેઠકો થઈ અને તેણે 2012માં પોતાની ભલામણો રજુ કરી. વીવીઆઈપી એરક્રાફ્ટ્સ માટે 2 વિકલ્પ સૂચવવામાં આવ્યા. હાલના B777 ER વિમાનને વીવીઆઈપી માટે કન્વર્ટ કરવામાં આવે, અથવા તો નવા એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે જેનો ઓર્ડર તો એરફોર્સ આપ્યો હતો પરંતુ તેની ડિલિવરી થઈ નહતી. ત્યારબાદ હાલના જ વિમાનમાં જરૂરી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો હતો. મોદી સરકારે આ વીવીઆઈપી એરક્રાફ્ટની પ્રોક્યોરમેન્ટ પ્રક્રિયાને પૂરી કરી. 

વાયુસેનાના વિમાન છે, મોદીના નહીં
કોંગ્રેસના નેતા પર નિશાન સાધતા સરકારી સૂત્રોએ જણાવ્યું કે તેઓ UPA સરકારનો 'અનાદર' કરવા માટે હકદાર છે પરંતુ પોતાના જ તથ્યો માટે હકદાર નથી. તેમણે કહ્યું કે આ બે વિમાન પ્રધાનમંત્રી માટે નથી પરંતુ તેનો ઉપયોગ અન્ય વીવીઆઈપી માટે પણ થશે. તેમણે કહ્યું કે આ વિમાન ભારતીય વાયુસેનાના છે, પ્રધાનમંત્રીના નહીં. 

VVIP માટે હાલ જે વિમાનોનો ઉપયોગ થાય છે તે 25 વર્ષ જૂના 
અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ હાલ ભારતમાં વીવીઆઈપીની મુસાફરી માટે એર ઈન્ડિયાના જમ્બો જેટ્સનો ઉપયોગ થાય છે જે 25 વર્ષ કરતા પણ વધુ જૂના છે. આ વિમાન લાંબી મુસાફરી માટે મિસફિટ છે ઉપરાંત ઓઈલ રિફિલિંગ માટે પણ તેમણે અધરસ્તે થોભવું પડે છે. ગત વર્ષ અમેરિકાથી એક બી-777 વિમાન નવી દિલ્હી પહોંચ્યું હતું જેનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીની મુસાફરીઓ માટે થશે. વીવીઆઈપી મુસાફરી માટે અન્ય એક બી-777 વિમાન પાછળથી ભારત પહોંચશે. અધિકારીઓએ કહ્યું કે બંને વિમાનોની ખરીદી અને જરૂરિયાત મુજબ ફેરફાર સાથે કુલ કિંમત લગભઘ 8,400 કરોડ રૂપિયા છે. 

— ANI (@ANI) October 6, 2020

શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીવીઆઈપી માટે એરક્રાફ્ટ ખરીદી પર હુમલો કરતા મંગળવારે પંજાબના નૂરપુરમાં કહ્યું કે 'એકબાજુ પીએમ મોદીએ 8 હજાર કરોડ રૂપિયામાં 2 વિમાન ખરીદ્યા છે. બીજી બાજુ ચીન આપણી સરહદો પર છે અને આપણા સુરક્ષા દળો સરહદની સુરક્ષા માટે ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે.'

કૃષિ કાયદાના વિરોધમાં પોતાના પંજાબ પ્રવાસ સમયે કોંગ્રેસના નેતાએ આરોપ લગાવ્યો કે પ્રધાનમંત્રી વિમાન ખરીદી પર હજારો કરોડ રૂપિયા 'બરબાદ' કરી રહ્યા છે. સૂત્રોએ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની અન્ય મોટાભાગની પહેલોની જેમ જ કદાચ તેઓ આ પ્રક્રિયાથી પણ અંતર જાળવવા માંગે છે. 

રાહુલ ગાંધીને જ્યારે એ તરફ ધ્યાન દોરવામાં આવ્યું કે ટ્રેક્ટરમાં ગાદી પર બેસવા અંગે ભાજપ તેમની ટીકા કરે છે તો તેમણે કહ્યું કે 'પ્રધાનમંત્રીના એર ઈન્ડિયા વનમાં માત્ર ગાદી જ નહીં પરંતુ આરામ માટે અનેક શાનદાર બિસ્તર છે'. તેમણે મીડિયાને પૂછ્યું કે "તમે આ અંગે તેમને સવાલ કેમ નથી કરતા?"

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news