આ કમોસમી વરસાદ તો ટ્રેલર છે, પિક્ચર 1-5 ડિસેમ્બર વચ્ચે દેખાશે! જાણો ગુજરાતમાં કઈ તારીખે ક્યાં થશે વરસાદ?
Gujarat Weather Forecast: ગુજરાતમાં એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આ બંને હાલ ગુજરાતના માથા પર સંકટ બનીને મંડરાઈ રહ્યાં છે. હાલ આખા ગુજરાતમાં સંકટના વાદળો ઘેરાયા છે. જેને કારણે ક્યારે અને ક્યાં વરસાદ પડે તે કહી ન શકાય. આમ પણ 2023 નું વર્ષ માવઠું અને વાવાઝોડાના નામે રહ્યું. સતત આખુ વર્ષ કમોસમી વરસાદ અને માવઠાએ લોકોના જીવ ઉંચાનીચા કર્યાં. જોકે, ડિસેમ્બરના અંત સુધીમાં પણ વાવાઝોડું પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યું. 2023 માં જતા જતા પણ વાવાઝોડું લોકોને હેરાન પરેશાન કરી રહ્યું છે. ત્યારે વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. જોકે, આ વાવાઝોડું ગુજરાતને કેવી રીતે અસર કરશે તે નવી આગાહીમાં જોઈએ.
આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહી શકે છે. હજી દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. પરંતું આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં હાલ દિવસનું તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
બીજી બાજુ દક્ષિણ ભારત પર ચક્રવાતનું જોખમ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને દક્ષિણ આંદમાન સાગર પર લો પ્રેશરના ક્ષેત્રનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે પહેલી ડિસેમ્બર સુધી દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીની ઉપર ચક્રવાત મિચાંગનું નિર્માણ થશે. આ ચક્રવાતને કારણે 4 ડિસેમ્બર સુધી આંધ્ર પ્રદેશ, કેરળ અને પુડુચ્ચેરી સહિતના દક્ષિણના પ્રદેશોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. ચક્રવાત તમિલનાડુની સ્થિતિ વધુ બગાડી શકે છે. એટલે કે દક્ષિણ ભારત માટે આગામી કેટલાક દિવસો ભારે છે.
ગુજરાત પર વાવાઝોડાની અસર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 2થી 4 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. 8 ડિસેમ્બર સુધી ચક્રવાતનું જોર રહેશે. ચક્રવાતનાં કારણે દક્ષિણ- પૂર્વિય ભાગોમાં વરસાદ થશે. ભેજવાળા પવનો પશ્ચિમી વિક્ષેપો સાથે મર્જ થશે. વાદળવાયુ વાતાવરણ અને વરસાદ થશે. ભારે પવન અને કરા સાથે વરસાદ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. આ ટ્રફના કારણે ગુજરાતમાં પહેલીથી પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ માવઠાની પણ શક્યતાઓ છે.
પહેલી ડિસેમ્બરના રોજ રાજ્યાના હવામાનમાં બદલાવ આવવાનું ચાલું થશે. જેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પરેશ ગોસ્વામીએ જણાવ્યુ છે કે, બેથી ચાર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં જોવા મળશે. આ સાથે પાંચમી ડિસેમ્બરથી રાજ્યનું હવામાન ફરીથી ખુલ્લું થઇ જશે. હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બેથી ચાર ડિસેમ્બરના રોજ જ્યાં માવઠાની શક્યતા છે. જેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુ એક માવઠાની આગાહી કરી છે. જેમાં ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, રાજ્યમાં વધુ એક માવઠાની શક્યતા છે. દક્ષિણ ભારતમાં ઇશાનનું ચોમાસું ચાલી રહ્યુ છે અને બંગાળની ખાડીમાં વારંવાર અસ્થિરતા થઇ રહી છે. જેના કારણે વરસાદની સિસ્ટમ બની છે. આ સિસ્ટમથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ છે. જેનો ટ્રોફ ગુજરાત સુધી લંબાઇ રહ્યા છે.
રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડા દિવસ પૂર્વે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક માવઠાની અસર થઈ હતી. જેને કારણે અનેક જગ્યાએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગથી રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદની નહીંવત શક્યતાની આગાહી કરી છે. જ્યારે ચાર દિવસ તાપમાનનો પારો ગગડશે. જેનાથી વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને કોઈ આગાહી નથી. પરંતુ કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં વરસાદ સિવાય શિયાળાની ઋતુની શરૂઆતમાં તાપમાનને લઈને હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ દિવસનું મહત્તમ તાપમાન ઓછું હોવાથી ઠંડીનો અનુભવ થાય છે. આગામી ચાર દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન જણાતા આગામી દિવસોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે.
નવુ એલર્ટ જાહેર કરાયું
વરસાદનો કહેર હજુ અટકે તેમ નથી કેમ કે ચેન્નાઈ અને તેની આસપાસના જિલ્લામાં બીજી અને ત્રીજી ડિસેમ્બરે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, રાનીપેટ અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે, જ્યારે તિરુવલ્લુરમાં શાળા અને કોલેજો બંને બંધ કરવાની સ્થિતિ આવી છે. ચેન્નાઈ, ચેંગલપેટ, અરક્કોણમ અને વિલ્લુપુરમ જિલ્લામાં NDRFની પાંચ ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે લોકો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે.
Trending Photos