લોકસભા ચૂંટણી 2019: જાણો કોંગ્રેસના વિવિધ ઉમેદવારોની મિલકત સહિતની વિગતો....
રાજ્યની 26 લોકસભા બેઠક માટેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. 4 એપ્રિલના રોજ નામાંકન ભરવાનો અંતિમ દિવસ હતો અને આ દિવસે રાજ્યના બંને મુખ્ય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરી દેવાયા છે, જેની સાથે જ તેમણે પોતાની અંગત માહિતીની પણ એફિડેવિટ રજૂ કરી છે
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રસ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વખતે જ્ઞાતિના સમિકરણને આધારે ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા આ વખતે ખૂબ જ ગણતરી સાથે ટિકિટ આપવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જે રીતે સત્તાધારી પાર્ટીને ભાજપને ટક્કર આપી હતી અને તાજેતરમાં જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ રાજ્યમાં સત્તા પ્રાપ્ત થઈ છે. આ કારણે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાયેલા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 23 એપ્રિલના રોજ રાજ્યની તમામ 26 લોકસભા બેઠક માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે.
અમરેલી બેઠક
અમરેલી બેઠક પર કોંગ્રેસે તેમના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એવા પરેશ ધાનાણીને ઉમેદવાર બનાવાયા છે. પરેશ ધાનાણીએ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટી બેઠકો પર વિજય અપાવ્યો હતો. અમરેલીમાં પરેશ ધાનાણી સારી એવી પકડ ધરાવે છે.અમરેલીની સામે ભાજપ દ્વારા નારણ કાછડિયાને ટિકિટ આપવામાં આવી છે.
ભાવનગર બેઠક
કોંગ્રેસે મનહર પટેલ આ બેઠક પર ટિકિટ આપવામાં આવી છે. તેની સામે ભાજપ દ્વારા ડો. ભારતીબેન શિયાળને ટિકિટ આપવામાં આવી છે. આ બેઠક પર બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર જામે એવી સંભાવના છે.
આણંદ બેઠક
આણંદ બેઠક પર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે. આણંદ બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી રહી છે. ભાજપ દ્વારા આ બેઠક પર મિતેષ પટેલને ટિકિટ અપાઈ છે.
ખેડા બેઠક
ખેડા બેઠક પર કોંગ્રેસે બિમલ શાહને ટિકિટ આપવામાં આવી છે. બિમલ શાહ ગ્રેજ્યુએટ છે. તેમની સામે ભાજપ દ્વારા આ વિસ્તારના પ્રખ્યાત ચહેરા એવા દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી છે.
પંચમહાલ બેઠક
કોંગ્રેસ દ્વારા વી.કે. ખાંટને આ બેઠક પર ઉમેદવાર બનાવાયા છે. તેઓ આ વિસ્તારનો જાણીતો ચહેરો છે. તેમની ટક્કર ભાજપના રતનસિંહ રાઠોડ સાથે થવાની છે.
દાહોદ (ST) બેઠક
એસટી અનામત એવી આ બેઠક પર કોંગ્રેસે બાબુ કટારાને ટિકિટ આપી છે. બાબુ કટારાએ બી.કોમ સુધીનો અભ્યાસ કરેલો છે. તેમની ટક્કર ભાજપના જશવંતસિંહ ભાભોર સાથે થવાની છે.
વડોદરા બેઠક
વડોદરા બેઠક પર કોંગ્રેસે યુવાન નેતા પ્રશાંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. તેમની ટક્કર અહીંથી ભાજપના વર્તમાન સાંસદ એવા રંજનબેન ભટ્ટ સાથે થવાની છે.
છોટા ઉદેપુર (ST) બેઠક
છોટા ઉદેપુરની બેઠક પર એસટી અનામત છે. અહીં કોંગ્રેસના રણજિતસિંહ રાઠવાની ટક્કરક ભાજપના ગીતાબેન રાઠવા સાથે થવાની છે. આ બેઠક પર બંને પક્ષ વચ્ચે કાંટાની ટક્કર જામવાની છે.
ભરૂચ બેઠક
ભરૂચ બેઠક પર કોંગ્રેસ દ્વારા એકમાત્ર મુસ્લીમ ઉમેદવાર શેરખાન પઠાણને ટિકિટ અપાઈ છે. આ બેઠક પર તેમની ટક્કર ભાજપના વર્તમાન સાંસદ એવા મનસુખ વસાવા સાથે થવાની છે.
બારડોલી (ST) બેઠક
બારડોલી બેઠક એસટી માટેની અનામત છે અને કોંગ્રેસ દ્વારા અહીં પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે. તેઓ અગાઉ આ બેઠક પર ચૂંટાઈ ચૂક્યા છે. તુષાર ચૌધરીની ટક્કકર પ્રભુભાઈ વસાવા સાથે થશે.
સુરત બેઠક
સુરતની બેઠક પર કોંગ્રેસે અશોક અધેવાડને ટિકિટ આપી છે. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર પાર્ટી દ્વારા વર્તમાન સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરાયા છે.
નવસારી બેઠક
નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલની ટક્કર વર્તમાન સાંસદ સી.આર. પાટિલ સાથે થવાની છે. આ બેઠક પર સી.આર. પાટીલનું પ્રભુત્વ છે.
વલસાડ (ST) બેઠક
એસટી માટે અનામત એવી આ બેઠક પર કોંગ્રેસના જીતુ ચૌધરીની ટક્કર ભાજપના ડો. કે.સી. પટેલ સાથે થશે. જીતુ ચૌધરીએ ધોરણ-9 સુધીનો જ અભ્યાસ કર્યો છે.
Trending Photos