આ સુરતી યુવકે એવુ પ્લેટફોર્મ બનાવ્યું, જ્યાં દુનિયાની કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનની સારવાર કરી શકશે
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “નવભારત નિર્માણ” ના સપનાને આગળ લઈ જવા માટેનો આ પ્રયાસ અભિષેકનો છે. તેથી મોક્ષ ફાઉન્ડેશન દ્વારા યુવા પેઢીને “By Youth For Youth” પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો
ચેતન પટેલ/સુરત :જર્મનીમાં રહેતા સુરતી (surat) યુવાને પોતાના 26 માં જન્મદિવસે 2,6000 યુવાવર્ગ ને માનસિક તણાવ મુક્ત (depression) કરવાની પ્રતિજ્ઞા લીધી છે. આ માટે જર્મની ખાતે અભિષેકે એક મોક્ષ ફાઉન્ડેશન બનાવ્યું છે. જેના માધ્યમથી આ યુવક વિશ્વભરમાંથી કોઈ પણ વ્યક્તિનું ડિપ્રેશન, એન્ઝાઇટી, સ્ટડી અને જોબથી મળતી તણાવને દૂર કરશે.
ભગવદ ગીતામાંથી લીધી પ્રેરણા
મૂળ સુરતના અભિષેક ભુદેવ હાલ જર્મનીમાં રહે છે. અભિષેકને પોતાના ગુરુ શ્રી વલ્લભ રાયજી મહારાજશ્રી સુરત તેમજ શ્રીમદ ભગવતગીતામાંથી પ્રેરણા લઈને મોક્ષ ફાઉન્ડેશનનું નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. સુરત નિવાસી અભિષેક રમેશકુમાર ભુદેવ (હાલ જર્મની યુરોપ) એ દેશસેવામાં હંમેશા આતુરતાથી પોતાનું યોગદાન આપ્યું છે. જેમકે યુરોપિયન પાર્લામેન્ટ બેલ્જિયમ, નેશનલ એસેમ્બ્લી પેરિસ, ઈન્ડિયન એમ્બેસી જર્મની તથા યુરોપિયન યુનિયન સ્ટ્રાસબોર્ગ ફ્રાન્સમાં યૂથ ડેલિગેટ તરીકે ભારતનું નેતૃત્વ કર્યું હતું. જેનુ કવરેજ પાકિસ્તાની મીડિયાએ પણ કર્યું હતું.
પીએમ મોદીના સપનાને સાકાર કરવા માગે છે અભિષેક
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “નવભારત નિર્માણ” ના સપનાને આગળ લઈ જવા માટેનો આ પ્રયાસ અભિષેકનો છે. તેથી મોક્ષ ફાઉન્ડેશન દ્વારા યુવા પેઢીને “By Youth For Youth” પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારથી અભિષેક પોતાની બહેનની મદદથી ડિપ્રેશનમાંથી બહાર આવ્યો ત્યારથી તેણે મોક્ષ ફાઉન્ડેશનનું સ્વપ્ન જોયું અને મોક્ષ દ્વારા હજારો યુવાવર્ગને ડિપ્રેશન, ઍન્ઝાયટી, સેક્સ્યુઅલ પ્રોબ્લેમ તથા ગોલ પ્રોબ્લેમમાંથી બહાર લાવવાનો અને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાની પ્રતિજ્ઞા લીધી. તેથી 23મી સપ્ટેમ્બર 2020 ના રોજ પોતાના જન્મદિન પર મોક્ષ ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો. અભિષેકને વડાપ્રધાન મોદીએ ડિજીટલ કાર્ડ થકી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી છે.
ડિપ્રેશન દૂર કરવા વેબસાઈટનો સહારો
અભિષેક આ વિશે કહે છે કે, મોક્ષ ફાઉન્ડેશન એક નોન પ્રોફિટેબલ વોલેંટિયર ઓર્ગેનાઇઝેશન છે. જે “By Youth For Youth” દ્વારા ચલાવાઈ રહી છે. જે કોઈપણ ડોનેશન, ફી કે ભેટ વગર કાર્યરત છે. અને મોક્ષ દ્વારા નિસ્વાર્થભાવે સેવા આપવાનો નિર્ધાર છે. મોક્ષના સભ્યો રીંકલબેન તથા ચિંતનભાઈ તથા અન્ય સ્વૈચ્છિક સભ્યોએ ફાઉન્ડેશનની વેબસાઈટ www.mokshafoundation.in ની રચના કરી. આ વેબસાઈટ યુવાવર્ગને રંગ, રુપ, નાત, જાત કે ધર્મ જોયા વગર નિસ્વાર્થ ભાવે સેવા આપવા તત્પર છે. અહીં પોતાનું નામ જણાવ્યા વગર પણ વાત કરી શકો છો.
વેબસાઈટ પર સંપર્ક કરી શકાય
તેણે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં લોકો એકબીજાને જજ કરવામાં એક પણ ક્ષણ નથી છોડતા. જેમકે કોઈ પણ યુવા-યુવતી ડિપ્રેશનમાં હોય તો તેને અલગ નજરથી જોવામાં આવે છે. આ માનસિકતા દૂર કરવાનો આ અમારો ઐતિહાસિક પ્રયાસ છે. યુવાવર્ગ મોક્ષની વેબસાઈટના કોન્ટેક્ટમાં જઈને પોતાની વ્યથા પસંદ કરી પોતાના શબ્દો અમને ઇમેઇલ દ્વારા જણાવી શકે છે અને ટીમ દ્વારા તેઓને ફોન, પર્સનલ કોમ્યુનિકેશન તથા આજની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્ચ્યુઅલ કોમ્યુનિકેશન દ્વારા મદદ કરવામાં આવશે. મોક્ષ દ્વારા યુવાનોને એક નવો મિત્ર, મેંટોર અથવા સલાહકાર મળી શકે છે, જે તેમને જેવા છે તેવા સ્વીકારીને જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરશે.
Trending Photos