ફટાફટ ઓફિસેથી ઘરે પહોંચી જજો! આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Ahmedabad Heavy Rains: રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી સાત દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.
મહત્વની વાત એ છે કે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જી હા..રાજ્યમાં સિયર ઝોન અને ઓફશૉર ટ્રફ સક્રિય થતાં અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આજે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગે વરસાદનું રેડ અલર્ટ આપ્યું છે. રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે.
જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી છે. જુનાગઢ, બોટાદ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારેથી અતિભારે વરસાદના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલે નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.
નોંધનીય છે કે, ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સાથે ત્રણ એલર્ટ આપ્યા છે.આ સાથે જ રાજયમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ તથા મધ્ય ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં ઓેરેન્જ એલર્ટની આગાહી છે. ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ છે. ઓરેન્જ એલર્ટ ધરાવતા વિસ્તારોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
આજની શું છે સ્થિતિ?
વરસાદી વાતાવરણ વચ્ચે હવામાન વિભાગની આગાહી આવી છે. હજી પણ મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે. હાલ ગુજરાત પર બે સિસ્ટમ કાર્યરત છે, આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. આગામી 24 કલાક દરમ્યાન મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે હજીપણ રેડ એલર્ટની ચેતવણી છે, અહીં અતિભારે વરસાદ આવી શકે છે. તો સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. પરંતું 24 કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ નહીં રહે.
રાજ્યભરમાં ઠંડર સ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. આ કારણે માછીમારોએ 4 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદને કારણે વરસાદની ઘટ પૂર્ણ થઈ છે. રાજ્યમાં હાલ સામાન્ય કરતા 28 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો ગુજરાત રીજીયનમાં 1 ટકા વરસાદની ઘટ છે. સૌરાષ્ટ્રમાં પણ 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે.
Trending Photos