IND vs NZ: સતત બીજી મેચમાં ભારતનો કારમો પરાજય, નિરાશ ભારતીય ક્રિકેટ ફેન્સ

ICC T20 World Cup: દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમમાં આજે ભારત-ન્યૂઝીલેન્ડ આમને-સામને છે. સેમીફાઇનલની રેસમાં ટકી રહેવા માટે બંને ટીમો માટે જીત મેળવવી જરૂરી છે. મહત્વનું છે કે પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરી બંને ટીમ અહીં પહોંચી છે. 
 

IND vs NZ: સતત બીજી મેચમાં ભારતનો કારમો પરાજય, નિરાશ ભારતીય ક્રિકેટ ફેન્સ

દુબઈઃ ફરી ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું લગભગ સમાપ્ત થઈ ગયું છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે 'કરો યા મરો' મુકાબલામાં ભારતીય ટીમનો 8 વિકેટે શરમજનક પરાજય થયો છે. આ હાર સાથે ભારતનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું લગભગ રોળાય ગયું છે. હવે ભારતના હાથમાં પોતાનું ભાગ્ય રહ્યું નથી. હવે આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાની બાકી ત્રણ મેચ જીતવી પડશે આ સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 110 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં બે વિકેટે 111 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

Live Updates

10 ઓવર બાદ ન્યૂઝીલેન્ડ 83/1
ન્યૂઝીલેન્ડની ટીમ જીતથી માત્ર 28 રન દૂર છે. ન્યૂઝીલેન્ડે 10 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવી લીધા છે. ડેરિલ મિશેલ 46 અને વિલિયમસન 14 રને બેટિંગમાં છે. 

જસપ્રીત બુમરાહે અપાવી પ્રથમ સફળતા
ભારતને આખરે પ્રથમ સફળતા મળી છે. ચોથી ઓવરમાં બુમરાહે માર્ટિન ગુપ્ટિલને 20 રન પર આઉટ કર્યો છે. ન્યૂઝીલેન્ડે 24 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી છે. 

ભારતીય ટીમનું ખરાબ પ્રદર્શન
ભારતીય ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે મહત્વની મેચમાં ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 110 રન બનાવી શકી છે. ભારતનો કોઈપણ બેટ્સમેન 30 રન પણ બનાવી શક્યો નહીં. ટીમ માટે સૌથી વધુ 26 રન જાડેજાએ બનાવ્યા હતા. 

રિષભ પંત 19 બોલમાં 12 રન બનાવી આઉટ
ભારતીય ટીમ મુશ્કેલીમાં છે. 70 રનના સ્કોર પર પાંચમો ઝટકો લાગ્યો છે. રિષભ પંત 12 રન બનાવી મિલ્નેની ઓવરમાં બોલ્ડ થયો છે. 

સોઢીને મળી બીજી સફળતા
ડ્રિંક્સ બ્રેક બાદ ઈશ સોઢીએ ન્યૂઝીલેન્ડને સૌથી મોટી સફળતા અપાવી છે. કેપ્ટન વિરાટ કોહલી 17 બોલમાં 9 રન બનાવી આઉટ થયો છે. 

10 ઓવરમાં ભારતનો સ્કોર 48 રન
ભારતની ઈનિંગની અડધી ઓવર પૂરી થઈ ગઈ છે. પ્રથમ 10 ઓવરમાં ન્યૂઝીલેન્ડનો દબદબો જોવા મળ્યો છે. ભારતને હવે કોહલી અને પંત પાસે સારા સ્કોરની આશા છે. ભારત પ્રથમ 10 ઓવરમાં 48 રન બનાવી શક્યું અને ત્રણ વિકેટ ગુમાવી દીધી છે. 

ઈશ સોઢીએ ન્યૂઝીલેન્ડને અપાવી સફળતા
બર્થ-ડે બોય ઈશ સોઢીએ ન્યૂઝીલેન્ડને ત્રીજી સફળતા અપાવી છે. રોહિત શર્મા માત્ર 14 રન બનાવી સોઢીની ઓવરમાં કેચઆઉટ થયો છે. રોહિત શર્માને શૂન્ય રન પર જીવનદાન મળ્યું હતું, પરંતુ તે તેનો ફાયદો ઉઠાવી શક્યો નહીં. 

પાવરપ્લે ન્યૂઝીલેન્ડના નામે
પાવરપ્લેની અંતિમ ઓવરમાં ભારતે બીજી વિકેટ ગુમાવી છે. કેએલ રાહુલ 18 રન બનાવી ટિમ સાઉદીનો શિકાર બન્યો છે. ટીમે પ્રથમ છ ઓવરમાં 2 વિકેટે 35 રન બનાવ્યા છે. 

ભારતને લાગ્યો પ્રથમ ઝટકો
ફરી એકવાર ભારતની શરૂઆત ખરાબ રહી છે. ટીમને બીજી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઝટકો આપ્યો છે. ઈશાન કિશન માત્ર 4 રન બનાવી આઉટ થયો છે. 

ભારતની ઓપનિંગ જોડીમાં ફેરફાર
ભારતે આજે કેએલ રાહુલ અને ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરી છે. ઘણા સમય બાદ રોહિત શર્મા ઓપનિંગ કરતો જોવા મળ્યો નથી. કોહલીના આ નિર્ણયથી ન્યૂઝીલેન્ડની ટીમ પણ ચોંકી ગઈ હતી. 

ભારતીય ટીમમાં બે ફેરફાર
ભારતે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. ટીમમાં શાર્દુલ ઠાકુરની વાપસી થઈ છે. ભુવનેશ્વર કુમારના સ્થાને શાર્દુલને તક આપવામાં આવી છે. તો સૂર્યકુમાર યાદવના સ્થાને ઈશાન કિશનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

વિરાટ કોહલી ફરી ટોસમાં અનલક્કી
મહત્વની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો છે. એટલે કે કોહલી ફરી ટોસ જીતવામાં અનલક્કી સાબિત થયો છે. 

આ છે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારતઃ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, ઈશાન કિસન, રિષભ પંત, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, વરૂણ ચક્રવર્તી.

ન્યૂઝીલેન્ડ
માર્ટિન ગુપ્ટિલ, ડેરિલ મિચેલ, કેન વિલિયમસન, જિમી નીશામ, ડેવોન કોનવે, ગ્લેન ફિલપ્સ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, એડન મિલ્ને, ટ્રેન્ટ બોલ્ટ. 

બંને ટીમ સ્ટેડિયમ પહોંચી
આઈસીસી ટી20 વિશ્વકપમાં સુપર-12ના મુકાબલા માટે બંને ટીમો સ્ટેડિયમ પહોંચી ચુકી છે. બંને ટીમના ખેલાડીઓ મેચ પહેલા અભ્યાસ કરી રહ્યાં છે. 

18 વર્ષથી આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડ સામે નથી જીત્યું ભારત
વર્ષ 2003ના વિશ્વકપ બાદ અત્યાર સુધી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને આઈસીસી ટૂર્નામેન્ટમાં હરાવી શકી નથી. વર્ષ 2007માં ટી20 વિશ્વકપમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2016 ટી20 વિશ્વકપમાં ભારતને હાર મળી હતી. વર્ષ 2019ના વનડે વિશ્વકપમાં બંને ટીમો વચ્ચે એક મેચ રદ્દ થઈ હતી, જ્યારે 2019 વિશ્વકપની સેમીફાઇનલમાં ભારતનો 18 રને પરાજય થયો હતો. આ વર્ષે રમાયેલ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને પરાજય આપ્યો હતો.

ટી20માં ભારત-ન્યૂઝીલેન્ડના આંકડા
ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 16 ટી20 મેચ રમાઈ છે, જેમાંથી આઠ મેચોમાં ન્યૂઝીલેન્ડે જીત હાસિલ કરી છે, આ સિવાય ભારતને છ મેચમાં જીત મળી છે, જ્યારે બે મેચ ટાઈ રહી છે. આ પ્રમાણે જોવામાં આવે તો ન્યૂઝીલેન્ડનું પલડું ભારે છે. પરંતુ ભારતીય ટીમ પણ મજબૂત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news