મિતાલી સાથે વિવાદથી ચર્ચામાં આવેલા રમેશ પોવારનો કરાર પૂરો, ટીમને મળશે નવા કોચ
મિતાલી રાજે તેના પર આરોપ લગાવ્યો હતો કે, પોવાર સહિત કેટલાક લોકો તેના કરિયરને બરબાદ કરવા ઈચ્છે છે. પોવારે કહ્યું હતું કે, મિતાલીને સંભાળવી ખુબ મુશ્કેલ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતની સીનિયર મહિલા ક્રિકેટર મિતાલી રાજ અને રમેશ પોવાર વચ્ચેનો વિવાદ પ્રશાસકોની દખલ વિના શુક્રવારે કોચનો ત્રણ મહિનાનો કાર્યકાળ સમાપ્ત થયાની સાથે પૂરો થઈ જશે.
પોવારનો કાર્યકાળ પૂરો થયા બાદ બીસીસીઆઈ આ પદ માટે નવા આદેવન મંગાવશે. એવી સંભાવના છે કે આવેદન પરવા પર પણ હવે પોવારના નામ પર વિચાર કરવામાં આવશે નહીં.
બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, તેનો કરાર આજે પૂરો થઈ રહ્યો છે તેની વાપસીની સંભાવના નહિવત છે.
વેસ્ટ ઈન્ડિઝમાં આઈસીસી ટી-20 વિશ્વકપ દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલમાં મિતાલીને બહાર રાખવાને કારણે વિવાદ થયો હતો. ભારતનો આ મેચમાં ઈંગ્લેન્ડ સામે 8 વિકેટે પરાજય થયો હતો.
મિતાલીએ આરોપ લગાવ્યો કે, પોવાર તેને બરબાદ કરવા ઈચ્છે છે, તેણે કોચના વ્યવહાર પર સવાલ ઉઠાવ્યા હતા. પોવારની નિમણૂક ઓગસ્ટમાં થઈ હતી જ્યારે તુષાર અરોઠેએ સીનિયર ખેલાડીઓની સાથે મતભેદને કારણે પદ છોડી દીધું હતું.
પોવારના ગયા બાદ હવે જોવાનું તે છે કે, ટી20 કેપ્ટન હરમનપ્રીત કૌર અને વનડે કેપ્ટન મિતાલી પોતાની વચ્ચેના મતભેદ કેમ દૂર કરે છે. ભારતે હવે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાનું છે અને નવા કોચની સાથે ટીમ વિવાદોથી દૂર રહેવાની આશા રાખશે.
બોર્ડના એક અન્ય અધિકારીએ કહ્યું, તે જોવાનું રહેશે કે વેસ્ટ ઈન્ડિઝમાં જે થયું, ત્યારબાદ હરમનપ્રીત કૌર અને મિતાલી કેમ તાલમેલ બેસાડે છે. ટીમની ભલાઈ માટે આ કરવું જરૂરી છે બાકી ડ્રેસિંગરૂમમાં વધુ સમસ્યા થશે.
હરમનપ્રીત તરફથી આ મામલે હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી, પરંતુ સેમિ ફાઇનલમાં મિતાલીને બહાર કરવાના નિર્ણયને સમર્થન કર્યું હતું.
મિતાલી પહેલા કહી ચુકી છે કે, તે હરમનપ્રીત સાથે મતભેદ દૂર કરવા ઈચ્છે છે. તેણે કહ્યું, અમે બંન્ને સીનિયર ખેલાડી છીએ અને કોઈ સમસ્યા થશે તો બંન્ને સાથે બેસીને ઉકેલી લેશું. તે અમારી સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે અને હંમેશા ઈચ્છીશ કે અમે બંન્ને ભારત માટે સારૂ પ્રદર્શન કરીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે