INDvsNZ: વનડેમાં 31 વર્ષ બાદ ભારતનો વ્હાઇટ વોશ, અંતિમ વનડેમાં કીવીનો 5 વિકેટે વિજય

અંતિમ વનડે મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને પાંચ વિકેટે પરાજય આપી ત્રણ મેચોની વનડે સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. 

INDvsNZ: વનડેમાં 31 વર્ષ બાદ ભારતનો વ્હાઇટ વોશ, અંતિમ વનડેમાં કીવીનો 5 વિકેટે વિજય

માઉન્ટ માઉંગનાઈઃ ન્યૂઝીલેન્ડે અહીં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝની અંતિમ મેચમાં ભારતને 5 વિકેટે પરાજય આપીને સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમનો વનડે ક્રિકેટમાં આશરે 31 વર્ષ બાદ વ્હાઇટ વોશ થયો છે. છેલ્લે ભારતને વર્ષ 1988/89માં પાંચ મેચોની સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝે 5-0થી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલ (112) અને શ્રેયસ અય્યર (62) રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 296 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 5 વિકેટે 300 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. ટી-20 સિરીઝ 5-0થી જીત્યા બાદ ભારતે વનડે સિરીઝ 3-0થી ગુમાવી છે. હવે બંન્ને ટીમો વચ્ચે બે મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ 21 ફેબ્રુઆરીથી થશે. 

વનડેમાં 31 વર્ષ બાદ ભારતનો વ્હાઇટ વોશ
297 રનના લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસિલ કરી લીધો હતો. આ હારની સાથે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. 31 વર્ષ બાદ ભારતે કોઈ વનડે સિરીઝ એકપણ મેચ જીત્યા વિના ગુમાવી છે. કીવી ટીમ તરફથી આ મેચમાં હેનરી નિકોલ્સે 80, માર્ટિન ગુપ્ટિલે 66, કોલિન ડિ ગ્રાન્ડહોમ 58* અને ટોમ લાથમે 32* રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી ચહલે 3, જાડેજા અને શાર્દુલને એક-એક સફળતા મળી હતી. 

રાહુલની સદીની મદદથી ભારતે બનાવ્યા હતા 296 રન
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા. ભારત માટે કેએલ રાહુલે પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારતા 112 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 62 અને મનીષ પાંડેએ 42 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય પૃથ્વી શોએ 40 રનનું યોગદાન આપ્યું હતું. 

એકવાર ફરી મયંક અગ્રવાલ અને પૃથ્વી શોની જોડી ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજી ઓવરમાં મયંક અગ્રવાલ આઉટ થઈ ગયો હતો. અગ્રવાલને કાઇલ જેમીસને બોલ્ડ કરતા ભારતને પ્રથમ ઝટકો આપ્યો હતો. અગ્રવાલે 1 રન બનાવ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલી માત્ર 9 રન બનાવી હામિશ બેનેટનો શિકાર બન્યો હતો. 

પૃથ્વી શો (40 રન, 42 બોલમાં, 2 છગ્ગા, 3 ચોગ્ગા) રન આઉટ થયો હતો. 62ના સ્કોર પર ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો લાગ્યો હતો. શ્રેયસ અય્યરને જેમ્સ નીશામે કોલિન ડિ ગ્રાન્ડહોમના હાથે કેચ આઉટ કરાવી ભારતને ચોથો ઝટકો આપ્યો હતો. અય્યરે 62 રન બનાવ્યો હતો. 

રાહુલે ફટકારી સદી
કેએલ રાહુલે પોતાના વનડે કરિયરની ચોથી સદી ફટકારી હતી. નંબર 5 પર રાહુલની આ પ્રથમ વનડે સદી છે. રાહુલે પોતાની સદી 104 બોલમાં પૂરી કરી હતી. રાહુલ 113 બોલમાં 112 રન બનાવી આઉટ થયો હતો. રાહુલે પોતાની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. 

નંબર પાંચ અને તેનાથી નીચે બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડે સદી ફટકારનાર રાહુલ બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સુરેશ રૈનાએ આ સિદ્ધિ મેળવી હતી. રૈનાએ ન્યૂઝીલેન્ડની ધરતી પર વર્ષ 2015માં રમાયેલી વિશ્વકપ ટૂર્નામેન્ટમાં આ સદી ફટકારી હતી. ત્યારે રૈનાએ અણનમ 110 રન બનાવ્યા હતા. 

મનીષ પાંડે 42 રન બનાવી હામિશ બેનેટનો શિકાર બન્યો હતો. પાંડેએ રાહુલની સાથે પાંચમી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. શાર્દુલ ઠાકુર 7 રન બનાવી આઉટ થયો હતો. અંતે જાડેજા અને સૈની 8-8 રન નબાવી અણનમ રહ્યાં હતા. ન્યૂઝીલેન્ડ તરફથી હામિશ બેનેટે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news