પરીક્ષા પે ચર્ચાઃ તણાવ કેવી રીતે દૂર કરવો? પીએમ મોદીને યાદ આવ્યા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલે

વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા દૂર કરવા માટે પરીક્ષા પે ચર્ચા દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પસંદગીના ક્રિકેટરોનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે, કઈ રીતે તણાવમાંથી બહાર આવીને વિજય મેળવી શકાય છે. તેમણે રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ અને અનિલ કુંબલેની ચર્ચા કરી હતી.   

Updated By: Jan 20, 2020, 03:33 PM IST
પરીક્ષા પે ચર્ચાઃ તણાવ કેવી રીતે દૂર કરવો? પીએમ મોદીને યાદ આવ્યા દ્રવિડ, લક્ષ્મણ અને કુંબલે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમ દરમિયાન બાળકો સાથે પરીક્ષાને લઈને સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરીક્ષાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના સવાલો પૂછ્યા હતા. 

એક વિદ્યાર્થીએ વડાપ્રધાન મોદીને કહ્યું, 'બોર્ડ પેપરને કારણે મૂડ ઓફ થઈ જાય છે, તો અમે કઈ રીતે પોતાને ઉત્સાહિત કરીએ?' આ વિશે ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2001માં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલકત્તામાં રમાયેલી ઐતિહાસિક ટેસ્ટનું ઉદાહરણ આપ્યું હતું, જ્યારે ભારતીય ટીમે ફોલોઓન રમીને કાંગારૂઓને પરાજય આપ્યો હતો. 

પીએમ મોદીએ જણાવ્યું કે, 2001માં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ રમાઇ રહી હતી અને ભારતને ફોલોઓન રમવા મળ્યું હતું. બીજી ઈનિંગમાં આ દરમિયાન ભારતની વિકેટ પણ જવા લાગી અને માહોલ બગડી ગયો હતો, પરંતુ રાહુલ દ્રવિડ અને વીપીએસ લક્ષ્મણે કમાલ કરી હતી. 

પીએમ મોદીએ જણાવ્યું કે, દ્રવિડ અને લક્ષ્મણે પિચ પર કમાલ કર્યો અને દિવસભર બેટિંગ કરી હતી. સંપૂર્ણ પરિસ્થિતિ બદલી નાખી અમે મેચ પણ જીતી હતી. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનિલ કુંબલેન બહાદુરીનું પણ ઉદાહરણ આપ્યું કે 2002માં ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ રમવા ગઈ હતી તો અનિલ કુંબલેને ઈજા થઈ અને તે પટ્ટી બાંધીને રમ્યો હતો. ત્યારબાદ કુંબલેએ માહોલ બદલી નાખ્યો હતો. 

મહત્વનું છે કે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2002માં એન્ટિગા ટેસ્ટમાં અનિલ કુંબલેએ તે કર્યું, જે તે સમયે બીજું કોઈ ન કરી શક્યું હોત. તે ટેસ્ટમાં કુંબલેના મોઢા પર ઈજા થઈ હતી. પરંતુ તે પટ્ટી બાંધીને બોલિંગ કરવા ઉતર્યો હતો. તેણે 14 ઓવર બોલિંગ કરી અને લારાની કિંમતી વિકેટ ઝડપી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર