અનહોની કો હોની કરદે..હોની કો અનહોની..એનું નામ ધોની! રોહિતના 100 સામે ભારે પડ્યાં ધોનીના 20 રન
IPL 2024: આઈપીએલની ટુર્નામેન્ટ હાલ તેના હાઈએસ્ટ લેવલના રોમાંચ પર છે. હવે એક એક મેચ ધૂમ મચાવી રહી છે. પણ મુંબઈમાં રમાયેલી MI અને CSK વચ્ચેની મેચમાં એક ખેલાડી છેલ્લાં ચાર બોલ રમવા મેદાનમાં ઉતર્યો અને આખી બાજી બદલી નાખી...
Trending Photos
MI vs CSK: અનહોની કો હોની કરદે...હોની કો અનહોની...એ ખેલાડીનું નામ છે ધોની...છેલ્લાં ચાર બોલ રમવા માટે આ ખેલાડી મેદાનમાં ઉતર્યો અને ફાટી ગયા શોર મીટર...ગાંડી થઈ ગઈ પબ્લિક...મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માએ શાનદાર અણનમ સદી ફટકારી પણ એની સદી સામે ધોનીના છેલ્લાં ચાર બોલમાં ફટકારેલા ચાર ફટકા ભારે પડ્યાં. રોહિત શર્માના 100 રનની સામે ધોનીના 20 રન ભારે પડ્યાં. મેચનું પરિણામ આવ્યું ત્યારે મુંબઈની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની સામે 20 રનની હારી ગઈ. આ એજ 20 રન હતા જે ધોનીએ છેલ્લાં ચાર બોલમાં આવીને ફટકાર્યા હતાં. જેમાં ધોનીએ પહેલાં 3 બોલમાં 3 છગ્ગા માર્યા હતા અને છેલ્લાં બોલે 2 રન લીધાં હતાં.
ધોની જ્યારે એક બાદ એક ગગનચુંબી છગ્ગા ફટકારી રહ્યો હતો ત્યારે બન્ને ટીમોના સપોર્ટસ અને વિરોધી ટીમના ખેલાડીઓ પણ એની બેટિંગ જોઈને તેને આપી રહ્યાં હતા સન્માન. મુંબઈની ટીમની મુંબઈમાં મેચ રમાતી હોય ત્યારે મજાલ છેકે, બીજી કોઈ ટીમનો કોઈ સપોર્ટર ત્યાં હોય. આખા લીલા સમુંદરની વચ્ચે ત્યાંથી મેચ જીતવી અસંભવ જેવી સ્થિતિ હોય છે. જોકે, અહીં તો સામે હતી યલો આર્મી..ધોનીની ટીમ. આઈપીએલનો એક માત્ર એવો ખેલાડી છે જે કોઈપણ ટીમમાં રમે, તેની સામે કોઈપણ ટીમ હોય, પણ બધી જગ્યાએ તેના ચાહકો હોય. વિરોધી ટીમના માલિકો પણ ધોની પર હંમેશા આફરીન હોય છે. કેમ તેના પર સૌ કોઈ થઈ જાય છે ફિદા એનું એક ઉદાહરણ રવિવારે વાનખેડેના મેદાનમાં ફરી એકવાર જોવા મળ્યું.
રોહિતના 100 રન પર ભારે પડ્યાં ધોનીના 20 રનઃ
રોહિતની શાનદાર અણનમ સદી પણ મુંબઈ ઈન્ડિયન્સ ને જીતાડી ન શકી, ચેન્નઈએ 20 રને હરાવ્યું. વાનખેડેમાં મુંબઈને ધોનીએ હરાવ્યું.જીતના 207ના ટાર્ગેટ સામે મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 186 રન જ કરી શક્યું. મુંબઈને ચેન્નઈની ટીમે 20 રને હરાવ્યું.એ 20 રન જે ધોનીએ છેલ્લાં ચાર બોલમાં માર્યા હતાં. એ 20 રન રોહિતના 100 રન પર ભારે પડી ગયાં.
વાનખેડા સાથે છે ધોનીનું સ્પેશિયલ કનેકશનઃ
મુંબઈના વાનખેડે મેદાન સાથે મહેન્દ્રસિંહ ધોનીનું સ્પેશિયલ કનેક્શન છે. આ એ જ સ્ટેડિયમ છે જ્યાં ધોનીએ કરોડો ભારતીયોની આશા-અપેક્ષાઓ પુરી કરી હતી. આ એજ સ્ટેડિયમ છે જ્યાં છગ્ગો ફટકારીને ધોનીએ વર્ષો બાદ ભારતને વર્લ્ડ કપ અપાવ્યો હતો. આ સ્ટેડિયમમાં ધોનીનો ખતરનાક રેકોર્ડ છે. તેથી અહીં ધોની સામે પંગો લેવો એ કોઈને પણ પોસાય એમ નથી. પછી ભલે એ ટીમ ખુદ મુંબઈની જ કેમ ના હોય. એનો એક પરચો રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને જોવા મળ્યો. જ્યાં માત્ર છેલ્લાં ચાર બોલ રમવા આ ખેલાડી મેદાનમાં ઉતર્યો અને આખી મેચ છીનવીને લઈ ગયો.
રોહિત શર્માએ ફટકારેલી શાનદાર સદી (૧૦૫) રન છતાં મુંબઈ ઇન્ડિયન્સનો ચેન્નઈ સામે વીસ રનથી પરાજય થયો હતો. જીત માટેના ૨૦૭ રનના ટાર્ગેટ સામે રમવા ઉતરેલી મુંબઈએ સારી શરૂઆત કરી હતી પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેનો સારો દેખાવ નહીં કરી શકતા મુંબઇએ ચોથી હારનો સામનો કરવો પડયો હતો. ચેન્નઈ વતી પાથિરાનાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.
મુંબઈના મેદાનમાં જઈને મુંબઈના હાથમાંથી આ ખેલાડીએ છીનવી લીધી જીતઃ
ઇન્ડિયન પ્રીમિયર લીગની ૨૯મી મેચમાં રવિવારે મુંબઇ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો જેમાં પહેલી બેટિંગ કરતા ચેન્નઈ સુપરકિંગ્સે નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટના ભોગે ૨૦૬ રન બનાવીને મુંબઈ સામે જીત માટે ૨૦૭ રનનું કપરું લક્ષ્યાંક ખડક્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને તેનો નિર્ણય એકદમ ખોટો સાબિત થયો હતો. ચેન્નઈએ અજિંક્ય રહાણેની વિકેટ સસ્તામાં ગુમાવી દીધા બાદ સુકાની ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેની સ્ફોટક બેટિંગના જોરે મુંબઇના બોલર્સને મેદાનની ચારેય તરફ ફટકારીને તોતિંગ જુમલો ખડક્યો હતો.
છેલ્લાં ચાર બોલ રમવા મેદાનમાં ઉતરેલાં આ ખેલાડીએ આગ લગાવી દીધીઃ
ચોથી વિકેટ પડયા બાદ રમવા ઉતરેલા પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પણ પ્રેક્ષકોનું મનોરંજન કરતા ચાર બોલમાં ૩ સિક્સર ફટકારીને અણનમ વીસ રન કરી પ્રેક્ષકોના દીલ ખુશ કરી દીધા હતા. ચેન્નઈ વતી સુકાની ગાયકવાડે ૪૦ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા જેમાં પાંચ સિક્સર અને પાંચ બાઉન્ડ્રી સામેલ હતી જ્યારે શિવમ દુબેએ ૩૮ બોલમાં અણનમ ૬૬ રન ફટકાર્યા હતા જેમાં ૧૦ બાઉન્ડ્રી અને બે સિક્સર સામેલ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે