15 નવેમ્બરઃ 30 વર્ષ પહેલા સચિને પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું ટેસ્ટમાં પર્દાપણ

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે આજના દિવસે 1989મા પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ પર્દાપણ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 16 વર્ષ 205 દિવસની હતી. તેણે મેચની પ્રથમ ઈનિંગમાં 15 રન બનાવ્યા હતા. 

15 નવેમ્બરઃ 30 વર્ષ પહેલા સચિને પાકિસ્તાન વિરુદ્ધ કર્યું હતું ટેસ્ટમાં પર્દાપણ

નવી દિલ્હીઃ ક્રિકેટના ઈતિહાસમાં 15 નવેમ્બરનો (november 1989) દિવસ ખુબ ખાસ છે. આ દિવસે 1989મા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (sachin tendulkar) કરાચીના નેશનલ સ્ટેડિયમમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તે સમયે સચિન મુશ્તાક મોહમ્મદ અને આકિબ જાવેદ બાદ સૌથી નાની ઉંમરમાં પર્દાપણ કરનાર ત્રીજો સૌથી યુવા ટેસ્ટ ક્રિકેટર હતો. તેની ઉંમર 16 વર્ષ 205 દિવસ હતી. 30 વર્ષ પહેલા ભારતના જે કિશોરે ક્રિકેટર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું હતું તે આજે આ રમતનો સૌથી મોટો મહાનાયક બની ચુક્યો છે. 

મુંબઈના આ શરમાળ કિશોરને જોઈને તે સમયે કોઈએ વિચાર્યું નહીં હોય કે એક દિવસ તે રેકોર્ડનો પહાડ ચઢી જશે. 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં સચિને કુલ 200 ટેસ્ટ મેચ રમી અને ટેસ્ટ ક્રિકેટમાં 53.78ની એવરેજથી 15921 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 51 ટેસ્ટ સદી અને 68 અડધી સદી ફટકારી હતી. 

છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા ઉતર્યો હતો
પ્રથમ ટેસ્ટ મેચમાં સચિનને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. ભારતની આગેવાની કૃષ્ણમાચારી શ્રીકાંત કરી રહ્યાં હતા. પ્રથમ ઈનિંગમાં પાકિસ્તાને 409 રન બનાવીને ભારતને દબાવમાં લાવી દીધું હતું. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 41 રન પર 4 વિકેટ હતો. મનોજ પ્રભાકરની વિકેટ પડ્યા બાદ ઉભરતા સચિનનો વારો આવ્યો હતો. 

બનાવ્યા 15 રન, ફટકાર્યા બે ચોગ્ગા
સચિને 24 બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગાની મદદથી 15 રન બનાવ્યા હતા. સાથે અઝહરુદ્દીનની સાથે 32 રનની ભાગીદારી કરી હતી. આખરે સચિનને જે પાકિસ્તાની બોલરે બોલ્ડ કર્યો તે પણ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો હતો. તે બોલર હતો વકાર સૂનુસ. ભારત પ્રથમ ઈનિંગમાં 262 રન બનાવ્યા હતા. 

આ ખેલાડીની પણ હતી પર્દાપણ મેચ
રસપ્રદ વાત છે કે કરાચી ટેસ્ટમાં સચિન અને વકાર સિવાય શાહિદ સઈદ (પાક) અને સલિલ અંકોલાએ પણ પર્દાપણ કર્યું હતું. સઈદ અને અંકોલાની આ પ્રથમ અને અંતિમ ટેસ્ટ સાબિત થઈ હતી. 

પાકિસ્તાને પોતાની બીજી ઈનિંગ 305/5ના સ્કોર પર ડિકલેર કરી હતી. ભારતને 453 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન (303/3) કરી મેચ ડ્રો કરાવી હતી. સચિનને બીજી ઈનિંગમાં બેટિંગ કરવાની તક ન મળી. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા કપિલ દેવે તે ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી (એક અડધી સદી) અને મેન ઓફ ધ મેચ રહ્યાં હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news