Wimbledon 2019 : નોવાક જોકોવિચ છઠ્ઠી વખત ફાઈનલમાં, ફેડરર કે નાડાલ સામે થશે ટક્કર

સર્બિયાના નોવાક જોકોવિચે વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં સ્પેનના રોબર્ટ બોતિસ્તા અગુટને હરાવીને છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે 
 

Wimbledon 2019 : નોવાક જોકોવિચ છઠ્ઠી વખત ફાઈનલમાં, ફેડરર કે નાડાલ સામે થશે ટક્કર

લંડનઃ દુનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે વર્ષની ત્રિજી ગ્રાન્ડસ્લેમ વિમ્બલડન (Wimbledon 2019)ની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેણે શુક્રવારે સેમિફાઈનલમાં રોબર્ટ બોતિસ્તા અગુટને હરાવીને છઠ્ઠી વખત આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. સર્બિયાના નોવાક જોકોવિચે 2018માં વિમ્બલડન ટાઈટલ જીત્યું હતું. આ અગાઉ 2011, 2014 અને 2015માં પણ તે વિમ્બડલન ચેમ્પિયન રહી ચૂક્યો છે. હવે, પાંચમી વખત ટાઈટલ જીતવા પર તેની નજર છે. 

32 વર્ષના નોવાક જોકોવિચે અહીં સેન્ટર કોર્ટ પર રમાયેલી પ્રથમ સેમિફાઈનલમાં રોબર્ટ બોતિસ્તાને 6-2, 4-6, 6-3, 6-2થી હરાવ્યો હતો. આ મુકાબલો જીતવા માટે તેને 2 કલાક 48 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકોવીચ આ અગાઉ પાંચ વખત 2011, 2013, 2014, 2015 અને 2018માં વિમ્બલડનની ફાઈનલ રમી ચૂક્યો છે, જેમાંથી માત્ર 2013માં તે પરાજિત થયો હતો. 

નોવાક જોકોવિચે અત્યાર સુધી 15 ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યા છે. સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતવા બાબતે તે ત્રીજા નંબરે છે. તેનાથી આગળ માત્ર ફેડરર અને નાડાલ છે. ફેડરરે 20 અને નાડાલે 18 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે. 

નોવાક જોકોવિચનો હવે ફાઈનલમાં સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરર કે સ્પેનના રાફેલ નાડાલ વચ્ચે રમાનારી બીજી સેમિફાઈનલના વિજેતા સાથે મુકાબલો થશે. વિમ્બડલનના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે પુરુષ સિંગલ્સની સેમિફાઈનલમાં સ્પેનના બે ખેલાડી પહોંચ્યા છે. 

સેરેના અને હાલેપ વચ્ચે મહિલા સિંગલ્સ ફાઈનલ
Wimbledon-2019ની મહિલા સિંગલ્સની ફાઈનલ અમેરિકાની સેરેના વિલિયમ્સ અને રોમાનિયાની સિમોના હાલેપ વચ્ચે રમાશે. સેરેના ઓપન એરામાં સૌથી વધુ 23 ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકી છે અને હવે તે 24મો ગ્રાન્ડસ્લેમ જીતીને નવો રેકોર્ડ સર્જવા માગે છે. સેરેના 11મી વખત વિમ્બલડનની ફાઈનલમાં પહોંચી છે. સિમોના હાલેપ પ્રથમ વખત વિમ્બલડનની ફાઈનલમાં પહોંચી છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news