LG દ્વારા 5 કેમેરાવાળો ફોન લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ

6.4 ઈન્ચનો ડિસ્પ્લે ધરાવતો V40 ThinQ ફોન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવે છે

LG દ્વારા 5 કેમેરાવાળો ફોન લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ

સેઉલઃ LG ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ગુરૂવારે તેનો નવો ફોન V40 ThinQ નામનો ફોન લોન્ચ કરાયો છે. આ ફોનની સૌથી મોટી વિશેષતા તેમાં રહેલા 5 કેમેરા છે, જે યુઝરને એક અલગ પ્રકારનો જ અનુભવ કરાવશે. 

યોનહાપ એજન્સીએ જણાવ્યું કે, કંપનીના આ નવો ફોન યુનિક ફીચર્સ ધરાવે છે. તેમાં પાંચ કેમેરાની એરેન્જમેન્ટ છે, જેમાં પાછળના ભાગે ત્રણ મુખ્ય કેમેરા છે અને ફ્રન્ટ સાઈડમાં બે કેમેરા આપવામાં આવ્યા છે. 

પશ્ચિમ સેઉલમાં LG સાયન્સ પાર્ક ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં કંપનીએ જણાવ્યું કે, ત્રણ કેમેરાનો ઉપયોગ કરીને તમે તમારી યાદગાર ક્ષણોને વિવિધ એન્ગલથી કેદ કરી શકો છો. LG ઈલેક્ટ્રોનિક્સના વાઈસ પ્રેસિડન્ટ હવાંગ જેઓંગ-હ્વાને જણાવ્યું કે, LG V40 ThinQ માં ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેમેરા આપવામાં આવે છે. પાછળના ભાગે આપેલા કેમેરા દ્વારા એક ક્લીકમાં ટ્રિપલ શોટ લઈ શકાય છે. એક જ ફોટાને વાઈડથી ટેલીફોટો એમ વિવિધ રેન્જમાં કેપ્ચર કરી શકાય છે. 

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ છે ફોન
આ સ્માર્ટફોનમાં ટ્રીપલ પ્રિવ્યુ ફીચર પણ આપવામાં આવ્યો છે, જે ત્રણેય કેમેરામાંથી એક જ સમયે લાઈવ પ્રીવ્યુ પૂરો પાડે છે. ફોનમાં ફીટ કરવામાં આવેલું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફીચર તેની જાતે જ કયો એન્ગલ શ્રેષ્ઠ છે, કઈ ઈફેક્ટ્સ શ્રેષ્ઠ છે અને સાથે જ ફોટામાં આવનારી વ્યક્તિઓને એડજસ્ટ થવા અંગેનું પણ સુચન કરે છે. 

મેજિક ફોટો ફીચર
આ ફોનમાં 'મેજિક ફોટો' નામનું એક વિશેષ ફીચર પણ આપવામાં આવ્યું છે. જેમાં યુઝર તેનાં ફોટાના એક ચોક્કસ ભાગમાં વીડિયો પણ એડ કરી શકે છે અને ત્યાર બાદ તેને સોશિયલ મીડિયા પર મુકી શકે છે. 

કંપનીએ જણાવ્યું કે, આ ફોનનું નિર્માણ કરતાં પહેલાં તેણે ગ્રાહકોમાં એક વિશેષ સરવે કર્યો હતો જેમાં તેઓ કેવા પ્રકારના કેમેરા, સોશિયલ મીડિયા માટે કેવા પ્રકારના ફીચર્સ અને એપ ઈચ્છે છે તે જાણવામાં આવ્યું હતું. 

કિંમત અંગે રહસ્ય
કંપનીએ આ ફોનની કિંમત અંગે રહસ્ય જાળવી રાખ્યું છે. સાથે જ કઈ તારીખે તેને બજારમાં મુકવામાં આવશે તેની પણ કોઈ જાહેરાત કરી નથી. કંપનીએ માત્ર એટલું જ જણાવ્યું છે કે, LG V40 ThinQ ફોન ગ્રે, બ્લ્યૂ અને લાલ રંગમાં ઉપલબ્ધ છે અને તેનો ડિસ્પ્લે 6.4 ઈંચનો છે. તેણે આ ફોનની બોડીના નિર્માણ માટે સેન્ડ-બ્લાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news