પુલવામા હુમલા અંગે UNSC નિવેદનઃ નાપાક ચીને એક સપ્તાહ સુધી અટકાવી રાખ્યું
સૂત્રોએ જણાવ્યું કે, 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના નિવેદનમાં આતંકવાદનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ ન થયા તેના માટે ચીન ભરપૂર પ્રયાસ કર્યા હતા અને આ કારણે જ હુમલાના એક અઠવાડિયા પછી છેક શુક્રવારે UNSCનું નિવેદન આવ્યું છે
Trending Photos
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની એક સપ્તાહ બાદ ભલે આકરી નિંદા કરવામાં આવી હોય અને તેને કાયરતાપૂર્ણ હુમલો જણાવાયો હોય, પરંતુ ચીને આ નિવેદનને અટકાવી રાખવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા. આધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, આતંકવાદના ઉલ્લેખ અંગે એકમાત્ર ચીનના વિરોધને કારણે પુલવામા હુમલા અંગે 15 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના નિવેદનમાં એક અઠવાડિયાનો સમય લાગ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે, ચીન પુલવામા હુમલા અંગે યુએનએસસીના નિવેદનમાં વિષયવસ્તુને નબળી કરવા માગતો હતો. સાથે જ પાકિસ્તાને પણ ભરપૂર પ્રયાસ કર્યા કે આ નિવેદન બહાર ન પડે. જોકે, આ દરમિયાન અમેરિકાએ પોતાના તરફથી જોરદાર દબાણ પેદા કર્યું, જેથી નિવેદન પર આ પરિષદના તમામ સભ્યોની મંજૂરી મળી શકે.
ઉલ્લેખનીય છે કે, UNSC દ્વારા આજે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ હુમલાને જઘન્ય અને કાયર ઠેરવતાં તેની નિંદા કરાઈ છે. 15 દેશના આ સંગઠનમાં ચીનનો પણ સમાવેશ થાય છે. સુરક્ષા પરિષદે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આવા હુમલાના દોષિતોને ન્યાયના કઠેડામાં ઊભા કરીને કડક સજા આપવી જોઈએ.
સૂત્રો અનુસાર પુલવામા હુમલા અંગે નિવેદન આપવા માટે સુરક્ષા પરિષદમાં એક સપ્તાહ સુધી ખેંચતાણ ચાલતી રહી હતી. UNSCનું નિવેદન હુમલાના બીજા દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ જ આવનારું હતું, પરંતુ ત્યાર બાદ ચીને 18 ફેબ્રુઆરી સુધીનો સમય માગ્યો. આ ઉપરાંત, ચીને બે વખત નિવેદનમાં ફેરફારના પ્રસ્તાવ મુક્યા, જેથી સમય લાંબો ખેંચાય.
UNSCના નિવેદન બાદ ચીનની નવી ચાલ
પુલવામા હુમાલ અંગે શુક્રવારે આવેલા UNSCના નિવેદન બાદ ચીને નવી ચાલ ચાલી છે. તેણે જણાવ્યું કે, નિવેદનમાં પાકિસ્તાન સ્થિત સંગઠનનો ઉલ્લેખ માત્ર 'સામાન્ય પ્રક્રિયા' અંતર્ગત કરાયો છે. આ સુરક્ષા પરિષદનો કોઈ નિર્ણય ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે