America: બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત, 13ની હાલત ગંભીર
અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત એક એપોર્ટમેન્ટમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.
Trending Photos
વોશિંગ્ટન: અમેરિકાના ન્યૂયોર્ક શહેર સ્થિત એક એપોર્ટમેન્ટમાં લાગેલી આગમાં 9 બાળકો સહિત 19 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે આગ રવિવારે સવારે ખરાબ ઈલેક્ટ્રિક હીટરના કારણે લાગી અને જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
આંખના પલકારામાં આગ ફેલાઈ ગઈ
ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નીગ્રોએ જણાવ્યું કે 9 બાળકો સહિત 19 લોકોના આ અગ્નિકાંડમાં મોત થયા. જ્યારે અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે જણાવ્યું કે આગ ઈમારતની બીજી અને ત્રીજી મંજિલ પર એક ડુપ્લેક્સમાં સવારે 11 વાગ્યાની આસપાસ લાગી અને થોડીવારમાં તેણે અનેક ઘરોને પોતાની ઝપેટમાં લઈ લીધા.
200 ફાયરફાઈટર્સે મોરચો સંભાળ્યો
આગને કાબૂમાં કરવા માટે લગભગ 200 ફાયર ફાઈટર્સે ઘણીવાર સુધી જદ્દોજહેમત કરવી પડી. જ્યારે મેયર એરિક એડમ્સે કહ્યું કે ન્યૂયોર્ક શહેરમાં આપણા ત્યાં જોવા મળેલી આગની સૌથી ભીષણ ઘટનાઓમાંથી આ એક છે. તેમણે કહ્યું કે પ્રાથમિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આગ ખરાબ ઈલેક્ટ્રિક ઉપકરણના કારણે લાગી પરંતુ હજુ પણ વિસ્તૃત તપાસના આદેશ અપાયા છે.
ફાયર અલાર્મ પર ધ્યાન ન આપ્યું
કમિશનર ડેનિયલ નીગ્રોએ કહ્યું કે હોસ્પિટલમાં દાખલ 13 લોકોની હાલત ખુબ ગંભીર છે. આ અગ્નિકાંડમાં ઓછામાં ઓછા 60 લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે રવિવારે સવારે તેમની ઊંઘ બિલ્ડિંગના ફાયર અલાર્મના કારણે ખુલી પરંતુ તેણે ધ્યાન ન આપ્યું. કારણ કે ફાયર અલાર્મ પહેલા પણ ખોટી રીતે વાગતો રહ્યો છે. ત્યારબાદ તેના ફોન પર આગની સૂચના આવી. ત્યારે તેને ખાતરી થઈ કે બિલ્ડિંગમાં આગ લાગી છે.
હેપ્પી લેન્ડ અગ્નિકાંડ સાથે સરખામણી
આ બાજુ ફાયર ડિપાર્ટમેન્ટ ન્યૂયોર્કના કમિશનર ડેનિયલ નીગ્રોએ આગની સરખામણી હેપ્પી લેન્ડ સોશિયલ ક્લબની આગ સાથે કરી. જેમાં 87 લોકો માર્યા ગયા હતા. વર્ષ 1990માં થયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિએ તેની પૂર્વ પ્રેમિકા સાથે ચર્ચામાં પડ્યા અને ક્લબમાંથી બહાર નીકળ્યા બાદ ઈમારતમાં આગ લગાવી દીધી હતી. થોડા દિવસ પહેલા જ ફિલાડેલ્ફિયામાં પણ એક ઘરમાં આગ લાગવાથી આઠ બાળકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત એક અઠવાડિયા પહેલા અમેરિકાના ડેનવરમાં કોલોરાડોના જંગલમાં લાગેલી આગ ફેલાવવાથી લગભગ 580 મકાનો, એક હોટલ અને એક શોપિંગ સેન્ટર બળીને ખાખ થઈ ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે