રહસ્યમય મિશન પર ગયેલું પાઈલટ વગરનું વિમાન 780 દિવસે ધરતી પર પાછું આવ્યું
સ્પેસ ડોટ કોમ અનુસાર એરફોર્સ ચીફ સ્ટાફ જનરલ ડેવિડ એલ. ગોલ્ડફીને એક નિવેદનમાં જણાવ્યું કે, "પાઈલટ રહિત વિમાનું સફળ પાછું આવવું અને પોતાનો જ રેકોર્ડ તોડવો સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ઈનોવેટિવ ભાગીદારીની સફળતા દર્શાવે છે. હવે જો અમેરિકાની કોંગ્રેસ મંજુર કરે તો યુએસ સ્પેસફોર્સ બનાવવા પણ અમે તૈયાર છીએ. અમેરિકાની વાયુસેના માટે હવે આકાશની પણ મર્યાદા રહી નથી."
Trending Photos
ફ્લોરિડાઃ અમેરિકન એરફોર્સનું(US Airforce) પાઈલટ વગરનું રહસ્યમય મિશન(Mystery Mission) હેઠળ છોડવામાં આવેલું વિમાન 780 દિવસ લાંબી અંતરિક્ષ યાત્રા કરીને રવિવારે 27 ઓક્ટોબરના રોજ ધરતી પર પરત આવ્યું છે. અમેરિકન સેનાનું આ પાંચમું લાંબુ મિશન હતું. અમેરિકન એરફોર્સનું X-37B ઓરબીટ ટેસ્ટ વ્હિકલ-5 (Orbit Test Vehicle- OTV-5) ફ્લોરિડાના કેપ કાનવેરલ ખાતે આવેલા કેનેડી સ્પેસ સેન્ટર(Kennedy Space Center) વિમાન મથક પર લેન્ડ થયું હતું. આ મિશન સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટની(Falcon-9 Rocket) મદદથી 7 સપ્ટેમ્બર, 2017ના રોજ લોન્ચ થયું હતું.
OTV-5એ X-37Bના આ અગાઉના 718 દિવસનો રેકોર્ડ તોડ્યો હતો. OTV-4 મિશન મે, 2017માં પુરું થયું હતું. નાસાની શટલ લેન્ડિંગ ફેસિલિટીનું X-37B સાથેનું OTV-5 બીજું મિશન હતું. આ અગાઉના નિશનમાં વિમાને કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ એરફોર્સ બેઝ પર લેન્ડિંગ કર્યું હતું. અમેરિકા દ્વારા આ વિમાન કયા મિશન હેઠળ છોડવામાં આવ્યું હતું તેની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
સ્પેસ ડોટ કોમ અનુસાર એરફોર્સ ચીફ સ્ટાફ જનરલ ડેવિડ એલ. ગોલ્ડફીને એક નિવેદનમાં જણાવ્યું કે, "પાઈલટ રહિત વિમાનું સફળ પાછું આવવું અને પોતાનો જ રેકોર્ડ તોડવો સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ઈનોવેટિવ ભાગીદારીની સફળતા દર્શાવે છે. હવે જો અમેરિકાની કોંગ્રેસ મંજુર કરે તો યુએસ સ્પેસફોર્સ બનાવવા પણ અમે તૈયાર છીએ. અમેરિકાની વાયુસેના માટે હવે આકાશની પણ મર્યાદા રહી નથી."
અમેરિકાની વાયુસેના પાસે અત્યારે ફરીથી ઉપયોગમાં લઈ શકાય એવા X-37B બે અવકાશ વિમાન તેના બેડામાં છે અને બંનેએ એકથી વધુ ઉડ્ડયન ભરી લીધા છે. બોઈંગ કંપની દ્વારા સૌર ઊર્જાથી સંચાલિત આ વિમાનનું નિર્માણ કરાયું છે. આ વિમાન નાના ઉપગ્રહોને અવકાશમાં લઈ જવા માટે પેલોડ તરીકે પણ કામમાં આવે તેવા છે. તેનું નિર્માણ અંતરિક્ષમાં 240 દિવસ સુધી રહી શકે તે પ્રકારે કરવામાં આવ્યું હતું.
વિમાનની વિશેષતા
આ વિમાન 29 ફૂટ(8.8 મીટર) લાંબું, 9.6 ફૂટ (2.9 મીટર) ઊંચું અને તેની પાંખોની લંબા માત્ર 15 ફૂટ (4.6 મિટર) છે. તેનું કુલ વજન 4,999 કિલો છે. આ વિમાન સૌર ઊર્જાથી સંચાલિત છે. તેમાં ફિટ થયેલી લિથિયમ આયન બેટરીમાં ઊર્જાનો સંચય થાય છે. આ વિમાન અંતરિક્ષમાં પૃથ્વીથી 320 કિમીની ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. તેના પેલોડમાં થર્મલ સ્પ્રેડર મોકલવામાં આવે છે, જે અંતરિક્ષના વાતાવરણમાં ઈલેક્ટ્રોનિક્સની ટકાઉ ક્ષમતા અને પાઈપને ગરમ થવા અંગેની ચકાસણી કરે છે.
નાસાએ કર્યું હતું નિર્માણ
X-37Bનું નિર્માણ નાસા દ્વારા 1999માં કરવામાં આવ્યું હતું. જેનો હેતુ ભવિષ્યના અંતરિક્ષ વિમાનની ટેક્નોલોજીનું પરિક્ષણ કરવાનો હતો. આ વિમાન સ્પેસ શટલનું નાનું સ્વરૂપ જેવું હતું.
2004માં યુએસ સેનાએ હાથમાં લીધો પ્રોજેક્ટ
વર્ષ 2004માં અમેરિકાન સેનાની 'ડિફેન્સ એડવાન્સ્ડ રિસર્ચ એજન્સી' દ્વારા આ પ્રોજેક્ટ હાથમાં લેવાયો હતો અને ત્યાર પછી તે અમેરિકાની વાયુસેનાની પાસે ગયો હતો. તેણે બે વર્ષ સુધી X-37A વ્હિકલના કેટલાક ટેસ્ટ કર્યા હતા. ત્યાર પછી અમેરિકાની વાયુસેનાએ 2006માં બોઈંગ કંપનીનો સંપર્ક સાધ્યો હતો અને તેણે X-37B વિમાન બનાવી આપ્યું હતું. ત્યાર પછી બીજું X-37B વિમાન 2010માં બનાવાયું હતું.
X-37Bના મિશન
1. પ્રથમ X-37B મિશન (OTV-1) એપ્રિલ, 2010ના રોજ લોન્ચ કરાયું હતું અને તેણે અંતરિક્ષમાં 224 દિવસ પસાર કર્યા હતા.
2. બીજું X-37B મિશન (OTV-2) માર્ચ, 2011ના રોજ લોન્ચ થયું હતું અને અંતરિક્ષમાં 468 દિવસ પસાર કર્યા હતા.
3. OTV-3 મિશનમાં OTV-1માં ઉપયોગમાં લેવાયેલા વિમાનને ફરીથી અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. આ મિશન ડિસેમ્બર, 2012માં લોન્ચ થયું હતું અને વિમાને અંતરિક્ષમાં 674 દિવસ પસાર કર્યા હતા.
4. OTV-4 મિશનમાં OTV-2માં ઉપયોગમાં લેવાયેલા વિમાનને મે, 2015માં લોન્ચ કરાયું હતું અને તેણે અંતરિક્ષમાં 718 દિવસ પસાર કર્યા હતા.
5. X-37B વિમાનની પાંચમી ઉડાન 7 સપ્ટેમ્બર, 2017ના રોજ ભરાઈ હતી અને 27 ઓક્ટોબર, 2019ના રોજ અંતરિક્ષમાં વિક્રમી 780 દિવસની યાત્રા કરીને પાછું આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ ચાર OTV મિશન માટે વિમાનને અંતરિક્ષમાં લઈ જવા એટલાસ વી. રોકેડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. OTV-5માં સૌ પ્રથમ વખત ખાનગી-સરકારી ભાગીદારી અંતર્ગત સ્પેસ એક્સના ફાલ્કન-9 વિમાનની મદદ લેવાઈ હતી.
અમેરિકાની વાયુસેના દ્વારા હવે છઠ્ઠા રહસ્યમય X-37B મિશનને 2020માં કેપ કેનવેરલ ખાતેથી યુનાઈટેડ લોન્ચ એલાયન્સ એટલાસ-5 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવશે. એરફોર્સ સ્પેસ અને મિસાઈલ સિસ્ટમ સેન્ટર એપ્રિલથી જુન, 2020ની વચ્ચે આ મિશનને લોન્ચ કરવા માગે છે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે