કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ


ગુજરાતમાં નવા 513 કેસોની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 22 હજારને પાર પહોંચી ગઈ છે. 

 કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ

ગાંધીનગરઃ અનલૉક-1ની શરૂઆત બાદ ગુજરાતની ચિંતા વધી છે. દિવસેને દિવસે કોરોના વાયરસના નવા કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે નવા 513 કેસ નોંધાયા છે. સતત બીજા દિવસે 24 કલાકની અંદર આંકડો 500ને પાર પહોંચ્યો છે. તો આ દરમિયાન રાજ્યભરમાં 38 લોકોના મૃત્યુ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 366 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22067 પર પહોંચી છે. તો અત્યાર સુધી 1385 લોકોના મૃત્યુ થયા છે. 

કોરોનાએ ચિંતા વધારી
રાજ્યમાં ગઈકાલે છેલ્લા 24 કલાક દરમિયાન 510 કેસ નોંધાયા હતા. તો આજે આ સંખ્યા 53 પર પહોંચી છે. છેલ્લા સાત દિવસમાં ત્રીજીવાર કેસોનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. આ સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા પણ 23000ને પાર કરી ગઈ છે. જો આવના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદમાં સૌથી વધુ 330 કેસ નોંધાયા છે. સુરતમાં 86, વડોદરામાં 39, ગાંધીનગરમાં 11, ભરૂચમાં 7, મહેસાણા અને આણંદમાં પાંચ-પાંચ, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 3-3, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ, ખેડા અને દાહોદમાં નવા બે-બે કેસ નોંધાયા છે. તો પંચમહાલ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર, નર્મદામાં એક-એક તથા અન્ય રાજ્યના બે કેસ સામે આવ્યા છે. 

અમદાવાદમાં વધુ 25 દર્દીના મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 38 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ 25, સુરત 4, આણંદ, અરવલ્લી, ભાવનગર, બનાસકાંઠા, ખેડા, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં એક-એક વ્યક્તિના નિધન થયા છે. 

રાજ્યમાં અત્યાર સુધી 15109 સંક્રમિતો રિકવર
ગુજરાતમાં આજે વધુ 366 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 231, મહેસાણા 6, અરવલ્લી 2, કચ્છ 1, સુરત 72, ભાવનગર 5, ભરૂચ 2, નર્મદા 1, વડોદરા 25, આણંદ 4, દાહોદ 2, નવસારી 1, ખેડા 4, ગાંધીનગર 7, પંચમહાલ 2 અને પાટણમાં એક વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધી સારવાર બાદ કુલ 15109 દર્દીઓ સાજા થયા છે. 

રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ
ગુજરાતમાં અત્યારે કુલ 5573 એક્ટિવ કેસ છે. જેમાંથી 61 દર્દીઓ વેન્ટિલેટર પર અને 5512 સ્ટેબલ છે. તો અત્યાર સુધી કુલ 15109 ડિસ્ચાર્જ થયા છે. તો અત્યાર સુધી રાજ્યમાં કુલ 2 લાખ 72 હજાર 924 કોરોના વાયરસના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં 2 લાખ 7 હજાર 73 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈનમાં છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news