સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઈંચ, વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ, જાણો રાજ્યના અન્ય જિલ્લાની સ્થિતિ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે. આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 219 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
Trending Photos
ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અમુક જિલ્લામાં તો આભ ફાટ્યું છે. સાંજે 6 કલાક સુધી રાજ્યના 219 તાલુકામાં વરસાદ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં દિવસમાં આઠ ઈંચ જેટલો વરસાદ થયો છે. તો વઢવાણમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો છે. ધ્રાંગધ્રામાં સાડા ચાર ઈંચ અને દસાડામાં અઢી ઈંચ જેટલો વરસાદ થયો છે. આ સિવાય વાત કરવામાં આવે તો સુરતના કામરેજમાં ત્રણ ઇંચ, મોરબીના ટંકારામાં ત્રણ, સુરત શહેરમાં ત્રણ, અમદાવાદના વિરમગામમાં અઢી ઈંચથી વધુ વરસાદ થયો છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં વરસાદ
આજે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ વરસાદ થયો છે. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી રહી છે. આજે સાંજે 6 કલાક સુધીમાં રાજ્યના 80 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો છે. મોરબી શહેરમાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે. નડિયાદમાં બે ઈંચથી વધુ, સાણંદમાં બે ઈંચથી વધુ, સુરતના માંડવીમાં પણ બે ઈંચથી વધુ વરસાદ થયો છે.
રાજ્યના 219 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં આજે દિવસ દરમિયાન રાજ્યના 219 તાલુકામાં વરસાદ થયો છે. આજે દિવસમાં સૌથી ઓછા વરસાદની વાત કરવામાં આવે તો પાટણના સિદ્ધપુરમાં એક મીમી વરસાદ થયો છે. તો 80 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ થયો છે.
એનડીઆરએફની ટીમો તૈનાત
NDRF ની 13 ટીમો રાજ્યનાં અલગ અલગ સ્થળો પર તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીને પગલે 14 એનડીઆરએફની ટીમોને અલગ અલગ જિલ્લામાં સ્ટેન્ડ ટુ કરાઈ છે. ગુજરાતમાં 21 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં એનડીઆરએફની ટુકડી તૈનાત કરાઈ છે. સાથે જ વડોદરા હેડ ક્વાર્ટર પર પણ એક ટીમ તૈનાત રહેશે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે