અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે મોત, બે ઘાયલ

પીક અપવાનની પાછળ પૂરપાટ આવી રહેલી કાર ઘુસી જતાં સર્જાયો ગંભીર અકસ્માત, કારના આગળના ભાગનો કુચડો બોલી ગયો, ટક્કર એટલી ભીષણ હતી કે માલ ભરેલી પીકઅપ વાન પલટી મારી ગઈ 

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે મોત, બે ઘાયલ

ખેડાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી રાત્રે કાર અને પીકઅપ વાન વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિનાં ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ બે અન્ય વ્યક્તિને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલી પીકઅપ વાનમાં પાછળથી પૂરપાટ ઝડપે આવી રેલા કાર ઘુસી ગઈ હતી. કારની ઝડપ એટલી બધી હતી કે, અકસ્માતને કારણે કારનો બોનેટ અને એન્જિનવાળો આગળનો આખો ભાગ કુચડો વળી ગયો હતો. જ્યારે કારની ટક્કરને કારણે પીકઅપ વાન પલટી મારી ગઈ હતી. 

અકસ્માત થતાં જ એક્સપ્રેસવે પર હાઇવે પેટ્રોલિંગ કરી રહેલી ટીમ ઘટનાના સ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, કારમાં આગળની સીટમાં બેસેલી બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ અકસ્માતમાં બે અન્ય વ્યક્તિ ઘાયલ થઈ હતી, જેને તાત્કાલિક નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 

અકસ્માતમાં મૃતક વ્યક્તિઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news