શક્તિસિંહ પર કોઈ આક્ષેપ થયા નથી, તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છેઃ નીતિન પટેલ
મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન સીએમે કરેલા નિવેદન પર શક્તિસિંહ ગોહિલે માફી માંગવા કહ્યું હતું.
Trending Photos
અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે મંગળવારે (16 ઓક્ટોબર) પત્રકાર પરિષદ સંબોધીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી વિરુદ્ધ ક્રિમિનલ કેસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. શક્તિસિંહે કહ્યું કે, ઉત્તરપ્રદેશના પ્રવાસ દરમિયાન મુખ્યપ્રધાને તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય તેવું નિવેદન કર્યું હતું. આ સાથે તેમણે મુખ્યપ્રધાનને જાહેરમાં માફી માંગવા માટે 15 દિવસનો સમય આપ્યો હતો. આ અંગે આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, શક્તિસિંહે આક્ષેપ તે સસ્તી પ્રસિદ્ધિ માટેનું નાટક હતું.
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, શક્તિસિંહ મોટા નેતા છે તે સાબિત કરવા માટે જૂઠ્ઠા આક્ષેપો કરી રહ્યાં છે. સીએમ સામે આક્ષેપ કરીને તે મીડિયામાં છવાઈ જવા માંગે છે. તેમણે કોઈ પત્રકાર પરિષદ સંબોધવાની જરૂર ન હતી. તેઓ બંધ બેસતી પાઘડી પહેરી લે છે. વિજય રૂપાણીએ તેમના નિવેદનમાં અલ્પેશ ઠાકોર કે શક્તિસિંહનું નામ લીધું નથી. જો શક્તિસિંહ પાસે કોઈ પૂરાવા હોય તો રજૂ કરવા જોઈએ.
નીતિનભાઈ પટેલે કહ્યું કે, જે આક્ષેપો થયા હતા તે જાહેર છે. અલ્પેશે પોતાની પ્રસિદ્ધિ માટે બિહારીઓને ગુજરાત બહાર જવાનું એલાન કરતો વીડિયો વાયરલ થયો હતો. ગુજરાતના બંન્ને નેતા બિહારના પ્રભારી અને સહ પ્રભારી છે. કોઈએ અલ્પેશની વાત કરી હોય તે વાત પોતાની માનીને શક્તિસિંહે બંધ બેસતી પાઘડી પહેરી લીધી છે. તેમણે પોતાનું નામ જાતેજ ઉમેરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે