મોદી સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા ગુજરાત ભાજપ શરૂ કરશે વર્ચ્યુઅલ સંપર્ક અભિયાન
વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપા ગુજરાત એકમ દ્વારા પણ તારીખ ૪ થી ૨૮ જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ તા. ૪ જુનના રોજ પ્રદેશ કાર્યાલય શ્રીકમલમ ખાતે યોજાયેલ વર્ચ્યુઅલ પ્રેસવાર્તા દરમ્યાન જણાવ્યા મુજબ આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલી છે ત્યારે ભારત સહિત તમામ દેશો આ સંકટમાંથી પસાર થઈ રહ્યા છે ભારત અને ગુજરાતની જનતાએ પણ આ વૈશ્વિક મહામારીનો સામનો ખૂબ ધીરજપૂર્વક અને મક્કમતાથી કર્યો છે.
વાઘાણી જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમિયાન કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા કોરોનાને નાથવા અને નાગરિકોની સુરક્ષા માટે અનેક શ્રેણીબદ્ધ પગલાં લેવાયા છે જેને કારણે આપણે વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં કોરોનાના સંક્રમણને સીમિત રાખવામાં નોંધપાત્ર સફળતા મેળવી શક્યા છીએ. લોકોનું સામાન્ય જનજીવન રાબેતા મુજબ થાય અને જીવનની ગતિ ચેતનવંતી બને, વેપાર, ધંધા ઉદ્યોગો ધમધમતા થાય તે માટેની ખેવના કેન્દ્રની અને રાજ્યની ભાજપા સરકારે કરી છે. જેના અનુસંધાનમાં અનલૉક-૧ દરમ્યાન મહદ અંશે જનજીવન પૂર્વવત બને તે માટેના પ્રયાસો પણ થઈ રહ્યા છે.
વાઘાણીએ કોરોના સામુદાયિક સ્તર પર વધુ ન પ્રસરે તે માટે ની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોરોના હજુ સમાપ્ત નથી થયો, આ લડાઈ લાંબી ચાલવાની છે આપણે એક વાત યાદ રાખવી પડશે કે ‘સાવધાની હતી તો દુર્ઘટના ઘટી’ માટે “દો ગજ કી દુરી” બનાવી રાખીને માસ્ક તથા સેનીટાઇઝર નો ઉપયોગ અવશ્ય કરવા તથા રોગપ્રતિકારક શક્તિ વધે તે માટેના જરૂરી પગલાંઓ સાથે રોજિંદા જનજીવનમાં પૂર્વવત થવાની હિમાયત કરી હતી.
આત્મનિર્ભર ગુજરાતઃ નાના વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોને મળશે 1થી 2.50 લાખ સુધીનું ધિરાણ, સરકારની જાહેરાત
વાઘાણીએ વધુમાં ઉમેર્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની બીજી ટર્મનું એક વર્ષ ૩૦મી મેના રોજ પૂર્ણ થયું છે ત્યારે રાષ્ટ્રીય ભાજપા દ્વારા સમગ્ર દેશમાં સોશિયલ મીડિયાના તમામ માધ્યમો દ્વારા જુદા જુદા અભિયાન અને કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે આ કાર્યક્રમો ઉજવણી માટે નહીં પણ જનતાએ ભાજપામાં મુકેલા વિશ્વાસ અને ભાજપા ના જનતા સાથેના અતૂટ બંધન અને સમર્થનના ફળશ્રુતિ રૂપે જનતાને બીજી ટર્મના એક વર્ષના સુશાસન અને પ્રજાલક્ષી કામગીરીની માહિતી મળે તે માટે જવાબદેહીના સ્વરૂપ અંતર્ગત યોજાશે.
વાઘાણીએ જણાવ્યું હતું કે ભાજપા ગુજરાત એકમ દ્વારા પણ તારીખ ૪ થી ૨૮ જૂન દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી યોજીને લોકો સાથે વર્ચ્યુઅલ સંપર્ક સાધવામાં આવશે.
આ અંતર્ગત તા. ૪ થી ૮ જુન દરમ્યાન ભાજપા પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ઝોન મુજબ પ્રેસવાર્તા યોજીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની ઉપલબ્ધિયોની માહિતી જનતા સુધી પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. આ અન્વયે તા. ૫ જુન ના રોજ વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રીમનસુખભાઈ માંડવીયા અને સાંસદદેવુંસિંહ ભાઈ ચોહાણ, ૬ જુન નાં રોજ સુરત ખાતે મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા અને પ્રદેશ ભાજપા મહામંત્રી ભરતસિંહ પરમાર તથા ૮ જુન ના રોજ રાજકોટ ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રેસવાર્તા સંબોધશે.
વાઘાણીએ સંગઠન પર્વનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ગત વર્ષે યોજાયેલ સંગઠન પર્વ દરમ્યાન બુથના કાર્યકર્તાઓની અથાક જહેમતને કારણે ગુજરાત ભાજપા પરિવારમાં નવા ૪૭ લાખ જેટલા સદસ્યો ઉમેરાયા છે. આ માટે તા. ૪ થી ૧૦ જુન દરમ્યાન તમામ સ્તરે અને વ્યાપક રીતે લોકો સુધી કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની પ્રજાલક્ષી કામગીરી અને પ્રજાના હિતની વાતો પહોંચે તે માટે આ નવા સદસ્યોને સાંકળીને પ્રત્યેક બુથમાં વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવશે.
આ કાર્યક્રમો અંતર્ગત તા. ૮ થી ૧૭ જુન દરમિયાન પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના ચાર ઝોનમાં વર્ચ્યુઅલ રેલી (સભાઓ) યોજવામાં આવશે. જેમાં ૮ જૂનના રોજ ઉત્તર ઝોન, ૧૧ મી જૂન ના રોજ સૌરાષ્ટ્ર, ૧૪ જૂનના રોજ દક્ષિણ ઝોન અને ૧૭ જુનના રોજ મધ્ય ઝોનમાં સોશ્યલ મીડિયા ના જુદા જુદા પ્લેટફોર્મ પર આ રેલીઓ (સભાઓ) આયોજિત થશે.
આત્મનિર્ભર ગુજરાતઃ ઉદ્યોગો અને ખેડૂતો માટે સરકારે ખોલ્યો ખજાનો, કરી સબસીડી અને રાહતની જાહેરાત
વાઘાણીએ જણાવ્યું હતું કે આ ઉપરાંત તારીખ ૭ થી ૨૮ જૂન દરમિયાન જિલ્લા/ મહાનગર ખાતે જુદા-જુદા મોરચાઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ દ્વારા વિડીયો કોન્ફરન્સ સંમેલન યોજવામાં આવશે. જેમાં ૭ થી ૧૪ જૂન દરમિયાન યુવા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, તારીખ ૧૫ થી ૨૧ જુન દરમિયાન બક્ષીપંચ અને મહિલા મોરચા તથા તમામ ધારાસભ્યો દ્વારા તથા તારીખ ૨૨ થી ૨૮ જૂન દરમિયાન અનુસૂચિત જનજાતિ મોરચો, કિશાન મોરચા અને તમામ સાંસદઓ દ્વારા આ વિડીયો કોન્ફરન્સનું આયોજન વર્ચ્યુઅલ રીતે સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવશે.
વાઘાણીએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાઠવેલા પ્રજાજોગ સંદેશ માટેના પત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જનતા સાથે લાગણીનો- સંવેદનાનો અતૂટ નાતો રહ્યો છે. તે દૃષ્ટિકોણથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લખેલ પત્ર સમગ્ર ગુજરાતભરમાં તારીખ ૧૫ થી ૨૮ જૂન દરમિયાન પ્રત્યેક બૂથમાં બે- બે કાર્યકરો દ્વારા ઘેર ઘેર જઈને આ સંદેશો પહોંચાડવામાં આવશે. સાથે સાથે આ સમય દરમિયાન જ જુદા જુદા મોરચાઓ દ્વારા માસ્ક અને અને સેનીટાઈઝરનું વિતરણ તમામ જિલ્લા/ મહાનગરમાં કરવામાં આવશે. આ પ્રકારના અભિયાનમાં જ્યારે રૂબરૂ સંપર્ક કરવાનો હોય ત્યારે કોરોના ની ગંભીરતા અને સુરક્ષાના દ્રષ્ટિકોણને લક્ષમાં રાખીને તમામ કાર્યકર્તાઓ કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરવા અને વારંવાર હાથ સાબુથી ધોવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવા જેવી બાબતોની પણ આ કાર્યક્રમો દરમિયાન કાળજી લેવામાં આવશે.
વાઘાણીએ અંતમાં જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જેની સામે આશાભરી મીટ માંડીને બેઠું છે તેવા લોકલાડીલાઅને વૈશ્વિક નેતા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ ‘રાષ્ટ્ર પ્રથમ’ ના અભિગમ સાથે “આત્મનિર્ભર ભારત” અને સુરક્ષિત ભારત બનાવવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી છે ત્યારે ૮ થી ૨૮ જૂન દરમ્યાન યોજાનાર તમામ વર્ચ્યુઅલ રેલીઓ (સભાઓ) અને વીડિયો કોન્ફરન્સના સંમેલનમાં ‘આત્મનિર્ભર ભારતના’ સંકલ્પ તમામ લોકોને લેવડાવવામાં આવશે અને ભારતનુ અર્થતંત્ર, ભારતના નાગરિકો સુદઢ બને આત્મનિર્ભર બને અને “વોકલ ફોર લોકલ” નો અભિગમ વ્યાપક રીતે તમામ સ્તરે મજબૂત બને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે