મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસઃ પ્રજા અને પક્ષ બંનેના લાડીલા નેતા

વિજય રૂપાણી બાળપણથી જ RSSના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે.
 

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મદિવસઃ પ્રજા અને પક્ષ બંનેના લાડીલા નેતા

ઝી ડિજિટલ મીડિયા/ અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 63મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1956ના રોજ ભારતમાં નહીં પરંતુ તત્કાલિન બર્માના રંગૂન (વર્તમાન મયાનમારના યાગોન)માં જૈન વાણિયા પરિવારમાં થયો હતો. પિતા રમણિકલાલ અને માતા માયાબેનના તેઓ 7મા સંતાન હતા. તત્કાલિન બર્મામાં અસ્થિરતા ઊભી થતાં તેમનો આખો પરિવાર 1960માં રાજકોટ સ્થળાંતર કરીને આવી ગયો હતો. વિજય રૂપાણીએ રાજકોટની ધર્મસિંહજી આર્ટ કોલેજમાંથી બીએ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી લીધી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી પક્ષ અને પ્રજા બંનેના લાડીલા નેતા છે. કોલેજ કાળમાં વિજય રૂપાણીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થી કાર્યકર તરીકે જોડાયા હતા. 1971માં તેઓ જન સંઘમાં જોડાયા અને પછી આજીવન તેના સંનિષ્ઠ કાર્યકર રહ્યા છે. તેમના વિનમ્ર સ્વભાવ, ધીરજ અને ખંતે તેમને લોકલાડીલા નેતા બનાવ્યા છે. ભારતની લોકશાહીના તેઓ પ્રખર અનુયાયી છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. 

બાળપણથીજ RSSના સ્વયંસેવક
વિજય રૂપાણી બાળપણથી જ RSSના આદર્શોને વરેલા રહ્યાં છે. તેમની શૈલી, સંસ્કૃતિ અને સ્વભાવ દીવા જેવો સ્પષ્ટ છે. રાજકીય ક્ષેત્રમાં તેમની કારકિર્દી સામાજિક કાર્યકર્તાની જેમ જ ફળદાયી રહી છે. જવાબદારી ઉપાડવાની તેમની ક્ષમતા અને પડકારોનો સામનો કરવાની તેમની સહજવૃતિ દ્વારા તેમણે તેમના પ્રભાવશાળી ગુણોને મજબૂતી આપી છે. તેમની નેતૃત્વક્ષમતા દરેક ક્ષેત્રમાં તેમણે દેખાડી છે. સંઘના કેમ્પ કે શિબિર હોય, કે પછી  વિદ્યાર્થીઓની સંઘર્ષ સમિતિ દ્વારા ચલાવાતી નવનિર્માણની ચળવળ હોય, પ્રાથમિકતા સાથે જવાબદારી નિભાવતી વખતે રૂપાણીએ ક્યારેય પાછું વળીને જોયું નથી.

લો પ્રોફાઇલ વ્યક્તિત્વ
સ્વાભાવિક રીતે જન્મજાત નેતા હોવા છતા તેમણે હંમેશાં લો પ્રોફાઇલ રહેવાનું પસંદ કર્યુ છે. તેમના કોલેજના દિવસોમાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન સાથે જોડાયા હતા. ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે તેઓ વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી તરીકે ચૂંટાઇ આવ્યાં હતા. તેઓ આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ પણ બન્યા હતા. વિદ્યાર્થીકાળ દરમિયાન આર્થિક રીતે પછાતવર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરવા માટેના વિરોધ પ્રદર્શનોમાં તેમણે આગેવાની કરી હતી.

કટોકટીમાં જેલવાસ પણ ભોગવ્યો
કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રીય રીતે જોડાયેલા રહ્યા હતા. 1976માં દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી હતી ત્યારે દેશના અનેક રાષ્ટ્રીય નેતાઓની સાથે-સાથે રાજ્યોમાં પણ અનેક નેતાઓ જેલમાં નાખી દેવાયા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ પણ ખૂબ જ નાની વયે ભૂજ અને ભાવનગરની જેલોમાં એક વર્ષ માટે મિસા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો. તેમણે માત્ર 24 વર્ષની ઉંમરે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. કોર્પોરેટર તરીકે ભાજપમાં શરૂ થએલી સફર મુખ્યમંત્રી સુધી પહોંચી છે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી

  • 1996-1997 : રાજકોટના મેયર 
  • 2006-2012 :રાજ્યસભાના સાંસદ 
  • 19 ઓક્ટો.,2014- 22 ડીસે.,2017 : ધારાસભ્ય, ગુજરાત
  • નવે.2014-ઓગસ્ટ,2016 : પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રી, ગુજરાત સરકાર 
  • ફેબ્રુઆરી, 2016થી ઓગસ્ટ 2016: ભાજપ પ્રદેશ અધ્યક્ષ 
  • 7 ઓગસ્ટ, 2016થી 21 ડિસે.,2017 અને 22 ડિસે., 2017થી વર્તમાન : ગુજરાતના 16મા મુખ્યમંત્રી 

અંગત જીવન
વિજય રૂપાણીના પત્નીનું અંજલી રૂપાણી છે, જેઓ ભાજપની મહિલા શાખાના સભ્ય છે. તેમને એક પુત્ર ઋષભ છે, જે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે અને રાધિકા નામની એક દીકરી છે, જેના લગ્ન થઈ ગયા છે. તેમના સૌથી નાના પુત્ર પુજિતનું નાની વયે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું, જેના નામે તેમણે પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ બનાવ્યું છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news