ગુજરાતની સહકારી મંડળીઓને અમિત શાહે માલમાલ કરી દીધી, 1500 ટકા વધારી સહાય

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી. સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે.

 ગુજરાતની સહકારી મંડળીઓને અમિત શાહે માલમાલ કરી દીધી, 1500 ટકા વધારી સહાય

ઝી બ્યુરો/અમદાવાદ: નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) દ્વારા ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને લોન અને ગ્રાન્ટના સ્વરૂપમાં અપાતી નાણાકીય સહાયમાં છેલ્લા બે વર્ષમાં 1470%નો તીવ્ર ઉછાળો નોંધાયો છે. સહકારી મંડળીઓ /સંઘોને એનસીડીસી દ્વારા પૂરી પડાતી નાણાકીય સહાયનો આંક 2021-22માં રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ (એનસીડી) પોર્ટલ હેઠળ ઉપલબ્ધ ડેટા અનુસાર ગુજરાતમાં 82,143 નોંધાયેલી સહકારી મંડળીઓ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આ માહિતી પૂરી પાડી હતી. સહકાર મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, એનસીડીસી તરફથી દેશભરની સહકારી મંડળીઓ/ ફેડરેશનને નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવે છે. એનસીડીસી તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં આ સંસ્થાઓને કુલ રૂ. 1,34,670.90ની રકમ લોન તરીકે અને રૂ. 1,200.04 કરોડની રકમ ગ્રાન્ટ તરીકે વિતરણ કરાઈ છે.

મંડળીઓને સદ્ધર બનાવવા, ભારત સરકારે રૂ. 2,516 કરોડના કુલ નાણાકીય ખર્ચે હાલ કાર્યરત મંડળીઓના કમ્પ્યૂટરાઈઝેશન માટેના એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે, જેના થકી દેશની તમામ કાર્યરત મંડળીઓ એક સમાન ઈઆરપી આધારિત રાષ્ટ્રીય સોફ્ટવેર સાથે જોડાઈ જશે, અને તેનું રાજ્ય સહકારી બેંકો (એસટીસીબી) અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો (ડીસીસીબી)ના માધ્યમે નાબાર્ડ સાથે લિન્કિંગ થશે. આ પ્રોજેક્ટ હેઠળ 30 રાજ્યો/ યુટીની કુલ 67,009 મંડળીઓને મંજૂર કરાઈ છે જ્યારે 28 રાજ્યો/ યુટી દ્વારા હાર્ડવેર પણ ખરીદી લેવાયા છે. 

કુલ 25,674 મંડળીઓ ઈઆરપી સોફ્ટવેર સાથે જોડાઈ ચૂકી છે અને 15,207 મંડળીઓ લાઈવ થઈ ચૂકી છે, તેમ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું હતું. આ નિવેદન મુજબ, ભારત સરકારનો રૂ. 654.22 કરોડની રકમનો હિસ્સો વર્ષ 2022-23, 2023-24 અને 2024-25માં 29 રાજ્યો/યુટી વચ્ચે રિલિઝ કરી દેવાયો છે જેનો ઉપયોગ હાર્ડવેરની ખરીદી, ડિજિટાઈઝેશન અને સપોર્ટ સિસ્ટમ સ્થાપવા કરાશે.

નથવાણીએ જાણવા માગતા હતા કે, દેશમાં કેટલી સહકારી મંડળીઓ નોંધાયેલી છે તેમજ સરકાર દ્વારા તેને અદ્યતન બનાવવા, પારદર્શિતા લાવવા, આધુનિકરણ, સ્પર્ધાત્મકતાની રચના અને ક્ષમતા નિર્માણ માટે શા પગલાં લેવાયા છે અને અલગ મંત્રાલયની સ્થાપના બાદ આ મંડળીઓને ક્ષમતા વિસ્તાર માટે સરકાર તરફથી કેટલી નાણાકીય સહાયતા પૂરી પડાઈ છે.

સહકાર મંત્રીના નિવેદન અનુસાર, સહકાર મંત્રાલયની 6 જુલાઈ, 2021ના રોજ સ્થાપના થઈ ત્યારથી તેણે “સહકાર-એ-સમૃદ્ધિ”ની પરિકલ્પનાને સાકાર કરવા તેમજ દેશમાં સહકારી ચળવળને પ્રાથમિક સ્તરેથી વધુ ઊંડી અને મજબૂત બનાવીને સર્વોચ્ચ સ્તરે પહોંચાડવા સંખ્યાબંધ પહેલ આદરી છે. આ પહેલોમાં મંડળીઓને બહુહેતુક, બહુપરિમાણીય અને પારદર્શી સંસ્થા બનાવવા આદર્શ પેટા-કાનૂનોની રચના, કમ્પ્યૂટરાઈઝેશન દ્વારા મંડળીઓના સશક્તિકરણ, તેમજ નહીં આવરી લેવાયેલી પંચાયતોમાં નવી બહુહેતુક મંડળીઓ/ ડેરી/ માછીમારી સહકારી સંસ્થાઓની સ્થાપનાનો સમાવેશ થાય છે. 

મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્રમાં વિશ્વના સૌથી મોટા વિકેન્દ્રિત અન્ન સંગ્રહ યોજના, સમાન સેવા કેન્દ્રો (સીએસસી) તરીકે મંડળીઓ, મંડળીઓ દ્વારા નવી ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ (એફપીઓ)ની સંરચના જેવી યોજનાઓનો પણ પ્રારંભ કરાયો છે. 

સહકારી મંત્રાલયની અન્ય પહેલોમાં પીએમ ભારતીય જન ઔષધિ કેન્દ્ર તરીકે મંડળીઓ, પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) તરીકે મંડળીઓ, પીએમ-કુસુમનું મંડળીઓના સ્તરે તબદિલીકરણ, બેંક મિત્ર સહકારી મંડળીઓને માઈક્રો-એટીએમ, દૂધ સહકારી મંડળીઓના સભ્યો માટે રૂપે કિસાન ક્રેડિટકાર્ડ, માછીમાર ઉત્પાદક સંગઠન (એફએફપીઓ)ની સંરચના વગેરે સામેલ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news