Gujarat Election 2022: દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારો પર મંથન, કાલે જાહેર થઈ શકે છે યાદી

BJP Meeting: ગુજરાતના ઉમેદવારો નક્કી કરવા માટે દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં લગભગ દરેક સીટો પરના ઉમેદવારોના નામ પર મહોર મારી દેવામાં આવી છે. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. 

Gujarat Election 2022: દિલ્હીમાં ગુજરાતના ઉમેદવારો પર મંથન, કાલે જાહેર થઈ શકે છે યાદી

નવી દિલ્હી/અમદાવાદઃ Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની રાહ જોવામાં આવી રહી છે. દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગુજરાતના ઉમેદવારોની વિસ્તૃત ચર્ચા કરીને નામ ફાઇનલ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. હવે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે.

દિલ્હીમાં મળી ભાજપની બેઠક
ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોને જાહેર કરવાનો નિર્ણય કેન્દ્રીય ચૂંટણી સમિતિ કરતી હોય છે. આજે ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. ત્યાં પીએમ મોદી, જેપી નડ્ડા અને અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં દરેક સીટના ઉમેદવારો પર વિસ્તારથી ચર્ચા કરી નામ ફાઇનલ કરી લેવામાં આવ્યા છે. એટલે કે ભાજપ આવતીકાલે નામ જાહેર કરી શકે છે. 

— BJP (@BJP4India) November 9, 2022

આ મોટા નેતાઓ ચૂંટણી નહીં લડે
ભાજપ ગુજરાતની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરે તે પહેલા મોટા સમાચાર સામે આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રી અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પૂર્વ મંત્રી અને વટવાથી ધારાસભ્ય પ્રદીપ સિંહ જાડેજાએ આ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. તેમણે પાર્ટીને પત્ર લખીને કહ્યું કે, તે ચૂંટણી લડવાના નથી. 

ગુજરાતમાં નવી રણનીતિ અપનાવી શકે છે ભાજપ
ભાજપે આ પહેલા સત્તા વિરોધી લહેરને દૂર કરવા માટે દિલ્હી એમસીડી અને અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીમાં બધા નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા હતા. તેનો ફાયદો ભાજપને મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત સમગ્ર કેબિનેટને બદલી દેવામાં આવી હતી. 

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી
કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં આવશે. 2017માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 અને કોંગ્રેસે 77 સીટ જીતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news