નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, જાણો રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
નવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે.
Trending Photos
Navratri 2024: ગુજરાતમાં નવરાત્રી ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મુકીને ગરબા રમી માં અંબાની આરાધના કરે છે. નવરાત્રીના આ તહેવારોમાં નાગરીકોની ખાસ કરીને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત પોલીસ ખડે પગે તૈનાત છે.
નવરાત્રી દરમ્યાન દરેક મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત રીતે ભયમુક્ત વાતાવરણમાં ગરબા રમીને ઘરે પરત જઈ શકે તે માટે તમામ શહેર-જિલ્લાઓમાં મળીને કુલ ૭૩૭ શી ટીમ તૈનાત કરવામાં આવી છે. આ She Team પરંપરાગત પહેરવેશમાં ફરજ બજાવશે. કોઈપણ સ્થળે છેડતીના બનાવો ના બને અને દીકરીઓ સુરક્ષિત રીતે ગરબા રમી શકે તે માટે આ ટીમો સતત ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત અવાવરું જગ્યાએ સતત પેટ્રોલિંગ પણ કરશે અને ઘરે જવા માટે કોઈ બહેન દીકરીઓને રાત્રે વાહન ન મળે તો 100 નંબર અથવા 181 નંબર પર ફોન કરવાથી તેઓને મદદ પણ કરવામાં આવશે.
નવરાત્રી પર્વ દરમ્યાન તમામ શહેર-જિલ્લામાં ૨૦૯ જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કંટ્રોલરૂમમાંથી બારીકાઈથી CCTV કેમેરા દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જેનું ઉચ્ચ પોલીસ અધિકારી કક્ષાએ સતત સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમ્યાન તમામ શહેર-જિલ્લા ખાતે ૫,૧૫૨ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
ગરબા રમવા અને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જેના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત અવરજવર રહેતી હોય છે. જેને ધ્યાને લઇ આવા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને ક્યાંય ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શહેર વિસ્તારની સાથે સાથે ગામડાઓમાં યોજાતા ગરબા દરમિયાન વિશેષ તકેદારી રાખવા માટે જીઆરડી જવાનોને પણ તૈનાત કરાયા છે જેથી અંતરિયાળ વિસ્તારોમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે.
અમદાવાદ શહેરમાં નવરાત્રિનાં મહોત્વસને લઈને શહેર પોલીસ દ્વારા ખાસ સૂચનો જાહેર કરાયા છે. ખાસ કરીને શહેરનાં એસજી હાઈવે અને રિંગ રોડ આસપાસ થતા કોમર્શિયલ ગરબાઓને લઈને ગાઈડલાઈન જાહેર કરાઈ છે. શહેર પોલીસના 14 હજારથી વધુ અધિકારીઓ કર્મચારીઓ નવરાત્રિ દરમિયાન બંજોબસ્તમાં તૈનાત છે. રાત્રિનાં સમયે મહિલાઓની સલામતી માટે શી ટીમ પણ કાર્યરત રહેશે, સાથે જ કોમર્શિયલ ગરબા આયોજકોએ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે પોલીસની ગાઈડલાઈન અનુસરવી પડશે.
સીસીટીવી કેમેરા, વોચ ટાવર લગાવી તેમજ પાર્કિંગ જેવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખવી પડશે. મહિલાઓ માટે મહિલા સ્વંય સેવકો રાખવા પડશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી રાત્રે 12 વાગે સુધી જ રહેશે. તેવામાં અમદાવાદ શહેર પોલીસની અલગ અલગ હેલ્પ લાઈન સતત કાર્યરત રહેશે. ખેલૈયાઓ નિરાંતે ગરબા રમી શકે એ માટે અમદાવાદ પોલીસ સજ્જ. એંથેસરથી જેમણે નશો કર્યો હોય તેવા લોકોને પ્રવેશ ન આપવાને લઇ ચેકીંગ કરવામાં આવી. SHE ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ ગરબા ચેકિંગ કરવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે