ગુજરાત સરકારના એક નિર્ણયથી વિખાઈ ગયા પોલીસ અને નેતાઓના સેટિંગ! બધા PI, PSI ને અસર
સ્થાનિક નેતાઓએ માનીતા અધિકારીને પોસ્ટિંગની મમત હવે છોડવી પડશે. રેન્જ બદલીના રાજકીય નિર્ણયથી 6000 PI, PSIને સીધી અસર થશે. ભ્રષ્ટાચારને રોકવા સરકારે લીધો છે આ મહત્ત્વનો નિર્ણય.
Trending Photos
- ગુજરાત સરકારે પોલીસ વિભાગ માટે લીધે એક મહત્ત્વનો નિર્ણય
- વર્ષોથી ચાલતો શિરસ્તો દાદાએ તોડ્યો, હવે નહીં થાય સેટિંગ!
- પાંચ વર્ષે બીજી રેન્જમાં બદલીના નિર્ણયથી રાજકીય, ખાતાકીય કચવાટ
- ફિલ્ડના પોલીસ અધિકારીઓએ પરિવારથી દૂર રહેવા કે ભટકવાનો વખત
ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વાર હાલમાં જ પોલીસ વિભાગ માટે એક મહત્ત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયને પગલે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે. બીજી તરફ રાજકીય વર્તુળોમાં પણ પોલીસ ખાતા અંગે સરકારના આ નિર્ણયને પગલે ભારે કચવાટ ઉભો થયો છે. ગુજરાત સરકારે લીધેલા નિર્ણયને કારણે જે વર્ષોથી ચાલી આવતું હતું એ રાજનેતાઓ અને પોલીસનું 'ફાઈન ટ્યુનિંગ' હવે નહીં રહે...
સરકારે લીધેલાં આકરા નિર્ણયને પગલે રાજનેતાઓ અને પોલીસ અધિકારીઓ બન્નેને આની ચિંતા સતાવી રહી છે. કારણકે, અત્યાર સુધી રાજનેતાઓ પોતાની માનીતા અધિકારીઓનું પોસ્ટિંગ પોતાના વિસ્તારોમાં રાખીને પોતાની મનમાની કરતા હતા. પણ હવે એ બધા સેટિંગો ખોરવાઈ જશે. આ નિર્ણયથી રાજકીય બેડામાં અને ખાતાકીય કચવાટની સ્થિતિ સર્જાઈ છે. સૂત્રો બદલે કહે છે કે, ગુજરાતના મોટાભાગના જિલ્લામાં અનેક પીઆઈ, પીએસઆઈ એવા છે કે જે વર્ષોથી આસપાસના વિસ્તારમાં જ સ્થાયી આ થયેલાં હોય છે. સ્થાનિક કક્ષાના નેતાઓનો હાથ પકડી લઈને ઈચ્છાનુસાર પોસ્ટિંગ મેળવવાની હોડ ચાલતી હોય છે. હવે આ ધંધા નહીં થઈ શકે.
નિયમમાં શું ફેરફાર કરાયો?
સરકારે લીધેલાં નિર્ણય મુજબ હવે ગુજરાત પોલીસમાં પીએસઆઈ કે પીઆઈ પાંચ વર્ષ સુધી એક ઝોનના જિલ્લામાં હશે તેમની બદલી બીજા રેન્જમાં કરી દેવાશે. હવે જે તે રેન્જના જિલ્લા કે તેની નજીકના જિલ્લામાં કોઈની ભલામણ નહીં ચાલે. કોઈપણ અધિકારી કે કર્મચારી એક જ ઝોન કે જિલ્લામાં રહી શકશે નહીં. પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચની નિમણૂકને પણ ધ્યાનમાં લેવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. પોલીસમાં ફરજ બજાવતાબિનહથિયારી પીએસઆઈ અને બિન હથિયારી પીઆઇની બદલી પ્રક્રિયામાં આ ફેરફાર કરવામાં આવ્યો છે.
અગાઉ કયો નિયમ અમલમાં હતો?
ગુજરાતના કોઈપણ પોલીસ સ્ટેશનમાં કાર્યરત પી.આઈ, પીએસઆઈની ત્રણ વર્ષે બદલી કરવાનો નિયમ અમલમાં છે ત્યારે પાંચ વર્ષે રેન્જ બહાર બદલી કરવાના નિર્ણયથી કચવાટની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત પોલીસ નવ રેન્જમાં વિભાજીત છે. હવેથી એક રેન્જમાં પાંચ વર્ષ નોકરી કરી હોય તેવા ૧૦૦૦ પી.આઈ અને પાંચેક હજાર પીએસઆઈને બીજી રેન્જમાં આવતાં જિલ્લામાં ટ્રાન્સફર આપવામાં આવશે.
પોલીસને રહેવું પડશે પરિવારથી દૂરઃ
ફિલ્ડમાં જ કામ કરવાનું થાય છે તેવા ૬,૦૦૦ પીઆઈ, પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ પોતાનો પરિવાર હોય તેનાથી દૂરના જિલ્લા, શહેરમાં રહીને રહેવા અને ભટકવાનો વખત આવશે. આમ, પાંચ વર્ષમાં બીજી રેન્જમાં બદલીના નિર્ણયથી રાજકીય અને ખાતાકીય, બન્ને સ્તરે કચવાટની સ્થિતિ સર્જાઈ છે. ટૂંક સમયમાં બદલીનો મોટો ઘાણવો આવશે તેવી ગણતરીઓ મંડાય છે. વારંવાર જો ઘર ચેન્જ કરવામાં આવે તો પોલીસ પરિવારોના બાળકોના અભ્યાસને પણ અસર થઈ શકે છે.
સ્પેશિયલ કેસમાં મળી શકે છે રાહતઃ
જો કે નિયમમાં કેટલાક અપવાદરૂપ કિસ્સા જેવાં કે પતિ-પત્નીનો કેસ, ગંભીર બિમારી અને નિવૃત્તિનો સમયગાળો નજીક હોય તો તેવા કેસમાં મેરીટના આધારે વિચારણા કરાશે. પાંચ વર્ષે બીજી રેન્જમાં બદલી થશે એટલે ઓછામાં ઓછા ૩૦૦ કિલોમીટર દૂર ફરજ બજાવવા જવું પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે